ગાંધીનગરના ઝૂંડાલ હાઇવે રોડ પાસેના રાઘવ પાર્ટી પ્લોટની બહાર ચિક્કાર દારૂના નશામાં ભાન ભૂલેલા કાર ચાલકે પોતાની કાર પૂરપાટ ઝડપે હંકારીને બે કાર તેમજ બે રીક્ષાને ટક્કર મારી હતી. આ અકસ્માતમાં ત્રણ લોકોએ શરીરે ઈજાઓ થઈ હતી. આ અંગે અડાલજ પોલીસે ગુનો નોંધી કાર ચાલકનો દારૂનો નશો ઉતારી દેવામાં આવ્યો હતો.
અમદાવાદના જગતપુર આર્ચડ ગોદરેજ ગાર્ડન સીટીમાં રહેતા જમીન દલાલ જીગ્નેશભાઈ પુનમભાઈ પટેલ પરિવાર સાથે કુટુંબી ભત્રીજીના લગ્ન પ્રસંગમાં ગત તા. 4 જાન્યુઆરીનાં રોજ સાંજના ઝુંડાલ રાધવ પાર્ટી પ્લોટ ખાતે પોતાની ગાડી લઈને ગયા હતા. જ્યારે અન્ય સંબંધીઓ ચંદ્રશેખર ભગવતીલાલ કલાલ, પ્રકાશભાઈ ગેબીલાલ કલાલ પોત પોતાની રીક્ષા તેમજ રમેશચંદ્ર કુરીલાલ કલાલ પણ આઇ – 10 ગાડી લઈને લગ્ન પ્રસંગમાં પરિવાર સાથે ગયા હતા.
ઉપરોક્ત તમામ લોકોને પોતાના વાહનો રાઘવ પાર્ટી પ્લોટની આગળ દિવાલને અડીને પાર્ક કર્યા હતા. અને આશરે રાત્રીના સાડા આઠેક વાગે બધા લગ્નના પ્રસંગમા સ્વાગત માટે હાજર હતા. ત્યારે પ્રકાશભાઇ તેમની રીક્ષા પાસે ઉભા હતા.
આ દરમ્યાન એક બોલેરો કારનો ચાલકે પુરઝડપે આવીને પ્રકાશભાઇની રીક્ષાને ટકકર મારી હતી. અને પોતાનું બેલેન્સ ગુમાવી સર્વિસ રોડ ઉપર કાર હંકારી પાર્ટી પ્લોટની આગળ દિવાલને અડીને પાર્ક કરેલા ઉક્ત વાહનોને ટક્કર મારી હતી.
અચાનક બેફામ ગતિએ બોલેરો કારનો ચાલક લગ્ન પ્રસંગ સ્થળે કાર લઈને ધસી આવતા હાજર લોકોના જીવ તાળવે ચોંટી ગયા હતા. આ અકસ્માતમાં પ્રવિણભાઈ, સંજય કલાલ તથ વિશાલ કલાલને શરીરે વધતી ઓછી ઈજાઓ થઈ હતી. બાદમાં જીગ્નેશભાઈ સહિતના લોકોએ જઈને જોતા તેઓના વાહનોને નુકશાન થયેલું હતું. તેમજ બોલેરો ગાડી (નંબર GJ18BT1536) નો ચાલક દારૂના નશામાં હોવાનું માલુમ પડયું હતું. જેનાં પગલે જીગ્નેશભાઈએ ફોન કરતા પોલીસ પહોંચી ગઈ હતી. અને બોલેરો ગાડીનાં ચાલકનો દારૂનો નશો ઉતારી દેવાયો હતો. આ અંગે જીગ્નેશભાઈની ફરીયાદના આધારે અડાલજ પોલીસે ગુનો નોંધી કાનૂની કાર્યવાહી હાથ ધરી છે.