વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે ગોવામાં ઈન્ડિયા એનર્જી વીક 2024નું ઉદ્ઘાટન કર્યું હતું. આ દરમિયાન પોતાના સંબોધનમાં વડાપ્રધાને જણાવ્યું હતું કે દેશમાં વધતી માંગ વચ્ચે તમામને સસ્તી ઊર્જા ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે, તેમણે ઉમેર્યું હતું કે, વિશ્વભરના નિષ્ણાતો માને છે કે ભારત ટૂંક સમયમાં વિશ્વનું ત્રીજા ક્રમનું સૌથી મોટું અર્થતંત્ર બની જશે.
ઊર્જા ક્ષેત્ર દેશના વિકાસ માટે મહત્ત્વપૂર્ણ છે. ભારત પહેલેથી જ ત્રીજો સૌથી મોટો ઊર્જા ઉપભોક્તા દેશ છે. તેની સાથે ત્રીજો સૌથી મોટો ક્રૂડ ઓઈલ વપરાશકાર, ત્રીજા ક્રમનો સૌથી મોટો એલપીજી વપરાશકાર દેશ છે. આપણી પાસે ચોથા ક્રમનું સૌથી મોટું રિફાઇનરી માર્કેટ છે અને આપણું ઓટોમોબાઇલ માર્કેટ પણ ચોથા ક્રમનું સૌથી મોટું માર્કેટ છે. આજે દેશમાં દ્વિચક્રી વાહનો અને કાર્સનું વિક્રમી વેચાણ થઈ રહ્યું છે.
વડાપ્રધાને પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે ભારત એક એવો દેશ છે કે જ્યાં કોઈ વૈશ્વિક ઘટનાઓ છતાં પણ પાછલા બે વર્ષમાં દેશમાં પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં ઘટાડો થયો છે. આ ઉપરાંત ભારતે 100 ટકા ઇલેક્ટ્રિસિટી કવરેજને પણ હાંસલ કરી લીધું છે. દેશના કરોડો ઘરોમાં વીજળી પહોંચાડવામાં આવી રહી છે અને આ પ્રયાસોના કારણે ભારત ઊર્જા ક્ષેત્રમાં પ્રગતિ કરી રહ્યો છે. ભારત 21મી સદી માટે આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરી રહ્યું છે.