કથિત દારૂ કૌભાંડમાં ઈડીનું 5 વાર સમન્સ ઠુકરાવી દેનાર કેજરીવાલને હવે હાજર થવું જ પડે તેવી સ્થિતિ આવી છે. કેજરીવાલની હાજર ન થવાની ઈડીની ફરીયાદ બાદ હવે કોર્ટે કેજરીવાલને હાજર થવાનો હુકમ છોડ્યો છે.
રાઉઝ એવન્યુ કોર્ટે કેજરીવાલને 17 ફેબ્રુઆરીએ કોર્ટમાં આવીને પોતાનો કેસ રજૂ કરવા માટે કહ્યું છે. એડિશનલ ચીફ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ એમ એમ દિવ્યા મલ્હોત્રાએ બુધવારે સવારે દલીલો પૂર્ણ થયા બાદ સમન્સ જારી કર્યું હતું. દિલ્હીના મુખ્યમંત્રીએ વારંવાર સમન્સની અવગણના કર્યા બાદ ઇડીએ ૩ ફેબ્રુઆરીએ કોર્ટમાં અરજી કરી હતી.
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે સોમવારે કથિત દારૂ કૌભાંડ સાથે સંબંધિત મની લોન્ડરિંગ કેસના સંબંધમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી) દ્વારા જારી કરવામાં આવેલા પાંચ સમન્સને ગેરકાયદેસર અને રાજકીય રીતે પ્રેરિત ગણાવીને ફગાવી દીધા છે. ઈડીએ કેજરીવાલને 2 નવેમ્બર, 22 ડિસેમ્બર, 3 જાન્યુઆરી, 18 જાન્યુઆરી અને 2 ફેબ્રુઆરીએ પૂછપરછ માટે બોલાવ્યા હતા. તેના જવાબમાં કેજરીવાલે ક્યારેક ચૂંટણી કે બીજી તૈયારીઓમાં વ્યસ્ત હોવાનું બહાનું કાઢીને વાત ટાળતાં રહ્યાં હતા.
કેજરીવાલ તેમની પાર્ટીએ પણ ધરપકડની આશંકા વ્યક્ત કરી છે. કેજરીવાલે કહ્યું હતું કે આગામી લોકસભા ચૂંટણીમાં તેઓ પક્ષ માટે પ્રચાર ન કરી શકે તે માટે તેમની ધરપકડ કરવાનું ષડયંત્ર રચવામાં આવી રહ્યું છે. મની લોન્ડરિંગના આ કેસમાં આમ આદમી પાર્ટીના વરિષ્ઠ નેતા અને દિલ્હીના પૂર્વ ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયાની એક વર્ષ પહેલા ધરપકડ કરવામાં આવી હતી. ત્યારથી તે ન્યાયિક કસ્ટડીમાં છે. ગયા વર્ષે ઓક્ટોબરમાં આપના રાજ્યસભાના સાંસદ સંજય સિંહની પણ ધરપકડ કરવામાં આવી હતી.