ડ્રગ્સ પકડવાની સાથે સાથે સામાજિક દુષણને રોકવાનો પણ અમારો અપ્રતિમ પ્રયાસ
ગુજરાત પોલીસે રાજ્ય સહિત આંતરરાજ્યમાં ઓપરેશન કરીને દેશના યુવાઓને ડ્રગ્સના સેવનથી બચાવ્યા
દેવભૂમિ દ્વારકા અને વડોદરા જિલ્લામાં રૂા. ૧.૮૦ કરોડના ડ્રગ્સનો જથ્થો જપ્ત કરીને ૧૦૦થી વધુની ધરપકડ કરાઇ
ગાંધીનગર
ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ વિધાનસભા ગૃહમાં જણાવ્યું છે કે, રાજ્યમાં ડ્રગ્સ પકડવાની સાથે સાથે ડ્રગ્સ સેવનના સામાજિક દુષણને રોકવાનો પણ અમારો અપ્રતિમ પ્રયાસ છે. ડ્રગ્સ પકડવાની સાથે સાથે આ સામાજિક દૂષણને રોકવાનો પ્રયાસ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલના માર્ગદર્શનમાં ગુજરાત પોલીસ દ્વારા યુદ્ધના ધોરણે કરવામાં આવી રહ્યો છે. રાજ્યમાં છેલ્લા બે વર્ષમાં એન.ડી.પી.એસ.એક્ટ હેઠળ રૂા. ૫,૩૩૮ કરોડનો ૩૨,૫૯૦ કિલોગ્રામ ડ્રગ્સનો જથ્થો પકડવામાં આવ્યો છે.
આજે વિધાનસભા ખાતે દેવભૂમિ દ્વારકા અને વડોદરા જિલ્લામાંથી પકડાયેલ ડ્રગ્સના જથ્થાના પ્રશ્નના પ્રત્યુત્તરમાં મંત્રીશ્રી સંઘવીએ ઉમેર્યુ કે ડ્રગ્સને પકડવા માટે રાજ્યની પોલીસ દ્વારા સતત મોનીટરીંગ કરીને ચાંપતી નજર રાખવામાં આવે છે. રાજ્ય તથા આંતર રાજ્યમાં ગુજરાત પોલીસે સ્થાનિક પોલીસ સાથે સફળ ઓપરેશનો હાથ ધરીને દેશના યુવાઓને ડ્રગ્સની બદીમાંથી બચાવવાનો ભગીરથ પ્રયાસ કર્યો છે અને તે અભિયાન હાલમાં પણ ચાલુ છે.
મંત્રી શ્રી સંઘવી ઉમેર્યુ કે, દેવભૂમિ દ્વારકા અને વડોદરા જિલ્લામાં છેલ્લા એક વર્ષમાં રૂપિયા ૧.૮૦ કરોડનો વિવિધ ડ્રગ્સનો જથ્થો પકડીને ૧૦૦થી વધુ લોકોની ઘરપકડ કરવામાં આવી છે. ડ્રગ્સનું સેવન એક સામાજિક દૂષણ હોવાના કારણે રાજ્ય સરકારે ખાસ કરીને સરહદી જિલ્લા એવા દેવભૂમિ દ્વારકા અને શૈક્ષણિક નગરી વડોદરામાં ડ્રગ્સ પકડવાના અભિયાનને વધુ તેજ બનાવ્યું છે. આ અભિયાનના ભાગરૂપે ગુજરાત અને ઓડિસા પોલીસે ઓડિસાના બે ભાઈઓ અનિલ અને સુરેશ સામે ગાંજાની ગેરકાયદેસર હેરાફેરી માટે NDPS એક્ટ હેઠળ કેસ નોંધીને પ્રથમવાર તેમની સંપત્તિ સીઝ કરી છે જે આવી પ્રવૃત્તિ સાથે સંકળાયેલા માટે ચેતવણી સમાન છે .