ગુજરાત વિધાનસભા કોંગ્રેસ નેતા અમિત ચાવડા
નળ આયા પણ ક્યાંય નળમાં જળ ના આવ્યું : સરકાર ચૂપ છે કારણ કે ક્યાંક ને ક્યાંક આ ભ્રષ્ટાચારના પૈસા સરકારમાં બેઠેલા લોકો સુધી પણ પહોંચતા હશે
ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય અને વિધાનસભાના ઉપાધ્યક્ષ જેઠા ભરવાડે જાહેરમાં કીધું કે આ યોજનામાં મોટા પ્રમાણમાં પૈસા ખવાઇ જાય છે ફક્ત કાગળ પર કામ થાય છે : અમિત ચાવડા
ગાંધીનગર
ગુજરાત વિધાનસભા કોંગ્રેસ પક્ષના, નેતા અમિત ચાવડાએ આજે વિધાનસભા ગૃહમાં પ્રશ્નોતરી કાળ દરમિયાન ચર્ચામાં આવેલ ‘નલ સે જલ’ યોજનામાં થયેલા રાજ્યવ્યાપી ભ્રષ્ટાચાર મુદ્દે SIT ની તપાસ કરાવવાની માંગ વિધાનસભા ગૃહમાં સરકાર સમક્ષ કરી છે.અમિત ચાવડાએ જણાવ્યું હતું કે દેશના પ્રધાનમંત્રીશ્રીએ આ દેશના લોકોને વર્ષ 2024 સુધી દરેક ઘરે નળથી જળ મળશે એવી જાહેરાત 2019 માં કરી હતી. આજે 5 વર્ષનો સમય થયો છે. આ ગુજરાતની ડબલ એન્જિન સરકારે આ પૈસામાંથી શું કર્યું એના પ્રશ્નોતરીના જવાબમાં જોવા મળ્યું કે છેલ્લા 3 વર્ષમાં કેન્દ્ર સરકાર તરફથી આ યોજના મળ્યું, નળ આયા પણ ક્યાંય નળમાં જળ ના આવ્યું, “પણ આ નળથી છળ મળ્યું” ગુજરાતના લોકો સ્પષ્ટ રીતે જોઈ રહ્યા છે. ગુજરાતમાં ચારેય તરફ આ ‘નલ સે જલ’ યોજનામાં ભ્રષ્ટાચાર વ્યાપક પ્રમાણમાં થઈ રહ્યો છે.અમારા સિવાય આ મુદ્દે ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય અને અત્યારે વિધાનસભાના ઉપાધ્યક્ષ જેઠાભાઇ ભરવાડે લેખિતમાં જાહેરમાં કીધું કે આ યોજનામાં મોટા પ્રમાણમાં પૈસા ખવાઇ જાય છે ફક્ત કાગળ પર કામ થાય છે. પંચમહાલ જિલ્લો હોય, દાહોદ જિલ્લો હોય, મહીસાગર જિલ્લો હોય, વલસાડ જિલ્લો હોય. નવસારી જિલ્લો હોય કે આખા ગુજરાતના તમામ જિલ્લાઓમાં જે ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે એ આંખે દેખાય છે તેમ છતાં સરકાર ચૂપ છે કારણ કે ક્યાંક ને ક્યાંક આ ભ્રષ્ટાચારના પૈસા સરકારમાં બેઠેલા લોકો સુધી પણ પહોંચતા હશે એટલા જ માટે આ ભ્રષ્ટાચાર બાબતે સરકાર ચૂપ છે. જ્યારે ચારેય બાજુથી રજૂઆત આવી, વિરોધ થયો ત્યારે સરકારે તપાસના નામે નાટક પણ થયું કે તપાસ કરવા માટે વાસ્મોની યોજનામાં જે કામો થયા છે એનું મોનીટરીંગ થાય, સ્થળ પર તપાસ થાય એટલા માટે સરકારે ટેન્ડર પાડયું અને દિશા નામની એંજસી નક્કી કરી અને એને કીધું કે આ તમામ કામો થયા છે કે નહિ એની તપાસ કરો અને તપાસ કરનાર એજન્સીને પણ 5 કરોડ રૂપિયા ચુકવ્યા. એક તો કામમાં પણ ભ્રષ્ટાચાર અને તપાસ કરવાના નામે પણ ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો.
વિધાનસભાની પ્રશ્નોતરીમાં અમે સ્પષ્ટ માંગણી કરી છે કે નળ આવ્યા છે પણ જળ પહોંચ્યું નથી. ઘેર ઘેર જળ પહોંચાડવાના જે ભાષણ, વાયદા અને વચનો થયા એ પૂરા થયા નથી. નળથી જળ નથી મળ્યું પણ નળથી છળ મળ્યું છે લોકોને એટલા માટે આ સમગ્ર કરોડો રૂપિયાનો જે ભ્રષ્ટાચાર છે તેની ન્યાયીક તપાસ થવી જોઈએ. જે અધિકારીઓને, નાના નાના લોકોને તમે બદલી કરો છો કે સસ્પેન્ડ કરો છો એ પૂરતું નથી.આખા ગુજરાતમાં જ્યારે આ યોજનાનો ભ્રષ્ટાચાર વ્યાપક પ્રમાણમાં હોય તો SIT- સ્પેશ્યલ ઇન્વેસ્ટીગેટિંગ ટીમની રચના કરવામાં આવે અને આખા ગુજરાતના નલ સે જલ યોજનાના ભ્રષ્ટાચારની તપાસ થાય અને આ યોજનાના ભ્રષ્ટાચારના પૈસા જે મોટા લોકો સુધી પહોંચતા હોય એમને પણ જેલના સળિયા પાછળ નાખવા માટે SIT તરફથી તપાસ કરાવો એવી કોંગ્રેસ પક્ષ તરફથી માંગણી કરી છે.