ગુજરાત રાજયના નાયબ મુખ્યમંત્રીશ્રી નિતીનભાઇ પટેલે પાટણ ખાતે ઇન્ડિયન રેડક્રોસ સોસાયટીના નવનિર્મિત ભવનનું દાતાશ્રીઓ અને પદાધિકારીઓની ઉપસ્થિતિમાં લોકાર્પણ કર્યું હતું. પાટણ જિલ્લાના જરૂરિયાત મંદ દર્દીઓને ઉત્કૃષ્ટ તબીબી સેવાઓ ઉપલબ્ધ થઇ શકે એવા ઉમદા હેતુથી શ્રેષ્ઠીઓના દાનથી બનેલ તપસ્વી અરવિંદભાઇ પટેલ રેડક્રોસ ભવન, ર્ડા.મોહનભાઇ એસ.પટેલ બ્લડબેંક અને ઇન્દિરા દેવદત્ત જૈન ડાયગ્નોસ્ટિક સેન્ટરનું લોકાર્પણ નાયબ મુખ્યમંત્રીશ્રીએ કર્યું હતું. આ પ્રસંગે નાયબ મુખ્યમંત્રીશ્રી નિતીનભાઇ પટેલે માનવસેવાના કાર્યમાં દાન આપનાર દાતાશ્રીઓનું સન્માન કર્યું હતું અને જણાવ્યું હતું કે પાટણ શહેરની સુવાસ તેની સેવાકીય પ્રવૃત્તિઓ માટે સમગ્ર રાજયમાં પ્રસરેલી છે. આજે પાટણમાં રેડક્રોસ સોસાયટીના નવીન ભવનનું લોકાર્પણ અને આધુનિક સુવિધાઓથી સજ્જ બ્લડબેંક અને વિવિધ વિભાગો શરૂ થઇ રહ્યા છે એ માટે સૌ દાતાઓ અભિનંદનને પાત્ર છે. નાગરિકોને આરોગ્ય સેવાઓ આપવામાં ગુજરાત સમગ્ર દેશમાં અગ્રેસર છે. રાજયના નાગરિકોને ઉત્કૃષ્ટ તબીબી સેવાઓ મળી રહે એ માટે સરકાર હંમેશા ચિંતિત છે. કોરોના મહામારીના સમયમાં રાજય સરકારે કોરોના સંક્રમિત દર્દીઓને તમામ આવશ્યક તબીબી સારવાર મળી રહે એ માટે પ્રયાસો કર્યા છે. અત્યારે રાજય સરકાર નાગરિકોનો કોરોના ટેસ્ટ કરવા પાછળ દૈનિક ચાર કરોડ જેટલો ખર્ચ કરે છે. કોરોનાની બીમારી સામે લડવા માટે ડોકટર્સને પીપીઇકીટ, દર્દીઓ માટે હોસ્પિટલ સુવિધા, દવા, વેન્ટીલેટર વગેરે સગવડો રાજય સરકારે પૂરી પાડી છે. જેથી, કોરોનાથી નાગરિકો સુરક્ષિત રહી શકે. નાયબ મુખ્યમંત્રીશ્રીએ નાગરિકોને અપીલ કરતા જણાવ્યું હતું કે કોરોનાની બીમારીનો કયારે અંત આવશે એ કોઇ જાણતું નથી. એથી, માનનીય વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીના જણાવ્યા પ્રમાણે માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સીંગ જ અત્યારે એનો એકમાત્ર ઉપાય છે. જેનાથી આપણે પોતે કોરોનાથી બચી શકીએ છીએ અને અન્ય લોકોને પણ બચાવી શકીએ છીએ. આ પ્રસંગે ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી પાટણની પ્રવૃતીઓનો ચિતાર આપતી પુસ્તિકા ‘સેવાદર્પણ-૩’ નું વિમોચન નાયબ મુખ્યમંત્રીશ્રીએ કર્યું હતું. ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી પાટણના નવીન ભવનના દાતા અને ગુજરાત સરકારના પૂર્વ મંત્રીશ્રી અરવિંદભાઇ પટેલે જણાવ્યું હતું કે માનવ સેવા એજ પ્રભુ સેવા એ આપણી સંસ્કૃતિ છે અને રેડક્રોસ સોસાયટીએ માનવ સેવાને પોતાનો ઉદ્દેશ્ય બનાવ્યો છે. આપણે સૌએ પણ જનસેવાનો સંકલ્પ કરવો જોઇએ. આ પ્રસંગમાં પાટણના ધારાસભ્ય ર્ડા.કિરીટભાઇ પટેલ, પાટણ કલેકટરશ્રી સુપ્રીતસિંઘ ગુલાટી, બનાસકાંઠા કલેકટરશ્રી આનંદ પટેલ, જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડી.કે.પારેખ, જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી અક્ષયરાજ મકવાણા, સંગઠનના મહામંત્રીશ્રી કે.સી.પટેલ, પૂર્વ ધારાસભ્યશ્રી રણછોડભાઇ દેસાઇ, ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી પાટણના, ચેરમેન ર્ડા.જે.કે.પટેલ, ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી પાટણના મંત્રી ર્ડા.મોનિષ શાહ, દાતાશ્રીઓ તથા નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.