મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યના વધુ ૧૦ લાખ પરિવારોને ફૂડ સિક્યોરિટી એક્ટ-NFSA અંતર્ગત રાહત દરે અનાજ આપવાનો મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. રાજ્યમાં કોઈને પણ ભૂખ્યા સૂવું ન પડે અને કોરોના સંક્રમણની, લોકડાઉન, અનલૉકની સ્થિતિમાં સૌને અનાજ મળી રહે તેવા ઉદાત્ત ભાવથી મુખ્યમંત્રીએ આ વધુ ૧૦ લાખ પરિવારોને NFSAનો લાભ આપવાની સંવેદના દર્શાવી છે. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના આ ગરીબ કલ્યાણલક્ષી નિર્ણયના પરિણામે વધુ ૫૦ લાખ જેટલા લોકો દર મહિને રાહત દરે અનાજ મેળવી શકશે. એટલું જ નહિ આ ૫૦ લાખ લોકોને NFSAના તમામ મળવાપાત્ર લાભો પણ મળતા થશે. મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ આ પરિવારોને પ્રતિમાસ બે રૂપિયે કિલો ઘઉં તેમજ ત્રણ રૂપિયે કિલો ચોખા મળી વ્યક્તિ દીઠ પાંચ કિલો અનાજ સરકાર માન્ય સસ્તા અનાજની દુકાનો – પંડિત દિન દયાલ ઉપાધ્યાય ગ્રાહક ભંડાર પરથી વિતરણ કરવા માટેના દિશા નિર્દેશો આપ્યા છે. સમગ્ર રાજ્યમાં પ્રવર્તમાન સ્થિતિએ કુલ જનસંખ્યાના ૫૦ ટકા એટલે કે સવા ત્રણ કરોડથી વધુ લોકોને NFSA અન્વયે દર મહિને રાહત દરે અનાજ વિતરણ કરવામાં આવે છે. વિજયભાઈ રૂપાણીએ ઉદારતમ અભિગમ સાથે હવે વધુ ૧૦ લાખ પરિવારોના ૫૦ લાખ જેટલા લોકોને હવે આ NFSAનો લાભ આપવાનો નિર્ણય કર્યો છે. મુખ્યમંત્રીશ્રીએ રાજ્યના તમામ દિવ્યાંગ વ્યક્તિઓ, ગંગા સ્વરૂપા માતા બહેનો, વૃદ્ધાવસ્થા પેન્શન મેળવતા વડીલોને આ યોજના અન્વયે આવરી લેવાની સંવેદના દર્શાવી છે. વિજયભાઈ રૂપાણીએ રાજ્યના ઇતિહાસમાં પ્રથમવાર અત્યંત સંવેદનશીલ નિર્ણય લઈને એવું પણ નિર્ધારિત કર્યું છે કે, નગરો-શહેરો અને ગામોમાં વસતા રિક્ષા-છકડો-મીની ટેમ્પો જેવા થ્રિ-વ્હિલર વાહનો ચલાવનારા એવા રોજનું કમાઇને રોજ ખાનારા અને પરિવારનું ગુજરાન ચલાવનારા વાહન ચાલકોને પણ રાહત દરે અનાજનો લાભ આપવામાં આવશે. મુખ્ય મંત્રીશ્રીએ રાજ્યના તમામ દિવ્યાંગ લાભાર્થીઓને NFSA અન્વયે આવરી લેવાનો નિર્ણય કરતા એવું પણ નક્કી કર્યું છે કે કેન્દ્ર અને રાજ્ય સરકારની દિવ્યાંગ પેન્શન સાધન-સહાય એસટી બસ પાસ જેવી વિવિધ યોજનાનો લાભ મેળવતા નોંધાયેલા દિવ્યાંગ લાભાર્થીમાંથી કોઈ બાકી રહી ગયા હોય તેમને પણ NFSAમાં સમાવી લેવાશે. રાજ્યના સમાજ સુરક્ષા ખાતા દ્વારા માન્યતા પ્રાપ્ત દિવ્યાંગ કલ્યાણ સંસ્થાઓમાં રહેતા દિવ્યાંગ વ્યક્તિઓને વ્યક્તિગત NFSA કાર્ડ આપી લાભ અપાશે.
વિજય રૂપાણીએ નિરાધાર ગંગાસ્વરૂપા માતા-બહેનો જે મહિલા-બાળ કલ્યાણ વિભાગ દ્વારા અપાતું ગંગા સ્વરૂપા વિધવા સહાય પેન્શન મેળવે છે તેવી માતાઓ-બહેનોને તેમજ સરકાર માન્ય સંસ્થાઓમાં વસતી ગંગાસ્વરૂપા બહેનોને NFSAનો લાભ આપવાનો નિર્ણય કર્યો છે અને તેમને પણ સરળતાએ અનાજ મળી રહે તેવી સંવેદના દર્શાવી છે. મુખ્યમંત્રીએ વૃદ્ધ પેન્શન યોજના અન્વયે કેન્દ્ર-રાજ્ય સરકારની આ યોજનામાં પેન્શન મેળવતા વરિષ્ઠ વડીલો ની વય વંદના કરતા તેમને પણ રાહત દરે અનાજ મળી રહે તેવો નિર્ણય પણ કર્યો છે. એટલું જ નહિ વિજયભાઈ રૂપાણીએ આવા વરિષ્ઠ વૃદ્ધોને વધુ પ્રમાણમાં લાભ મળે તે ભાવ સાથે NFSA અન્વયે અનાજ મેળવવાની વય મર્યાદા પણ વૃદ્ધ વડિલો માટે ૬૫ને બદલે ૬૦ વર્ષ કરવાનો અભિગમ અપનાવ્યો છે. આ યોજનાનો લાભ રાજ્ય સરકાર દ્વારા માન્યતા પ્રાપ્ત સંસ્થાઓ-વૃદ્ધાશ્રમોમાં વસતા વરિષ્ઠ વડીલો-વૃદ્ધોને પણ આપવાની વડીલ વંદના મુખ્યમંત્રીએ દર્શાવી છે. મુખ્યમંત્રીએ રાજ્યના NFSAમાં સમાવિષ્ટ ન થયેલા હોય તેવા જરૂરતમંદ BPL પરિવારોને પણ ફૂડ સિક્યુરિટી એક્ટનો લાભ આપવા સૂચનાઓ આપી છે. આ ઉપરાંત ગુજરાત બાંધકામ શ્રમિક કલ્યાણ બોર્ડના નોંધાયેલા બાંધકામ શ્રમિકો કન્સ્ટ્રક્શન વર્કરોને પણ NFSA યોજનામાં આવરી લેવાનો નિર્ણય તેમણે કર્યો છે. અત્રે એ નિર્દેશ કરવો જરૂરી છે કે મુખ્યમંત્રીશ્રીએ કોરોના સંક્રમણ દરમિયાન એપ્રિલથી જૂનના ત્રણ મહિના દરમિયાન રાજ્યના કોઇનેય ભૂખ્યા સૂવું ન પડે તેવા સંવેદનશીલ ભાવ સાથે રાજ્યભરમાં વિવિધ કક્ષાના મળીને કુલ ૫.૩૦ કરોડ જરૂરતમંદ લોકોને રૂ.૩૩૪૯ કરોડની બજાર કિંમતનું ૧૨.૫૦ લાખ મેટ્રિક ટન અનાજ વિનામૂલ્યે વિતરણ કરાવેલું છે.