ગાંધીનગર લોકસભા મીડિયા વિભાગની અખબારી યાદીમાં જણાવ્યા પ્રમાણે આવતીકાલે ૧૨ ફેબ્રુઆરીના રોજ ગાંધીનગર લોકસભા ક્ષેત્રના લોકપ્રિય સાંસદ અને કેન્દ્રીય ગૃહ તેમજ સહકાર મંત્રીશ્રી અમિતભાઈ શાહના હસ્તે અને રાજ્યના મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં એસ.જી.વી.પી. છારોડી ખાતે સાંજે ૫ વાગ્યાથી ગાંધીનગર લોકસભા પ્રીમિયર લીગનો ધમાકેદાર પ્રારંભ થવા જઇ રહ્યો છે.
આ પ્રસંગે ભારતીય ક્રિકેટ ટીમના ઓલરાઉન્ડર પ્લેયર શ્રી હાર્દિક પંડ્યા પણ ઉપસ્થિત રહી ખેલાડીઓનું મનોબળ વધારશે. આ પ્રતિયોગિતાની શરૂઆત ઘાટલોડિયા અને ગાંધીનગર ઉત્તરની ટીમો વચ્ચેના મેચ થી થશે.
આ પૂર્વે ગાંધીનગર લોકસભા ક્ષેત્રમાં સાંસદ જન મહોત્સવ અન્વયે વિવિધ રમતો અને સાંસ્કૃતિક પ્રવૃતિઓની યોજાયેલ સ્પર્ધાઓમાં ૧.૭૫ લાખથી વધુ યુવાઓએ ભાગ લીધો હતો. રાષ્ટ્ર, રાજ્ય અને સમાજના હિતમાં યુવાઓ આગળ આવે તેમની સહભાગિતા વધે, સાથે સાથે પ્રતિભાવંત યુવાઓને યોગ્ય પ્લેટફોર્મ મળે તે દિશામાં શ્રી શાહ દ્વારા ગાંધીનગર લોકસભા ક્ષેત્રમાં સાતત્યપૂર્ણ પ્રયાસો થઈ રહ્યા છે.
આ પ્રમાણે જ “ખેલો ગાંધીનગર” ના ધ્યેય સાથે ક્રિકેટ રમત માટે ગાંધીનગર લોકસભા પ્રીમિયર લીગનો એસ.જી.વી.પી. છારોડી ખાતેથી પ્રારંભ થવા જઇ રહ્યો છે. જેમાં ગાંધીનગર સંસદીય ક્ષેત્રમાં સમાવિષ્ટ સાત વિધાનસભાના નાગરિકો વચ્ચે આ ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાશે.
ગાંધીનગર સંસદીય ક્ષેત્રમાં સૌથી વિશાળ અને વ્યાપક ફલક પર યોજાનાર આ પ્રતિયોગિતા કુલ ૧૩ મેદાનો પર સતત ૨૧ દિવસ સુધી ચાલશે. આ સ્પર્ધામાં ૧ હજાર થી વધુ ટીમો અને ૧૫ હજાર વધુ ખેલાડીઓએ નોંધણી કરાવી છે. આ નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટ ટેનિસ બોલ સાથે યોજવામાં આવશે અને તેમાં પ્રત્યેક મેચ ૧૦ ઓવરની રહેશે.
અત્રે ઉલ્લેખનીય છે કે સાંસદ અને કેન્દ્રીય ગૃહ તેમજ સહકાર મંત્રીશ્રી અમિતભાઇ શાહ ગાંધીનગર સંસદીય ક્ષેત્ર સમગ્ર દેશમાં સર્વશ્રેષ્ઠ સંસદીય ક્ષેત્ર બને તે માટેની નેમ વ્યક્ત કરી ચૂક્યા છે. આ દિશામાં ગામડાઓથી લઈને શહેરોમાં માળખાકીય સુવિધાઓ ઉપરાંત નાગરિકોનું રોજીંદુ જીવન સુખ સુવિધાયુક્ત બને તે માટે વિકાસની વણથંભી હારમાળા શ્રી શાહે સર્જી છે. ગાંધીનગર સંસદીય ક્ષેત્રમાં માત્ર ભૌતિક વિકાસ જ નહિ પરંતુ પર્યાવરણની જાળવણી થાય, ગ્રીન કવરમાં વૃદ્ધિ થાય, પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન મળે અને માનવીય મૂલ્યોનું જતન થાય તેની પણ ખાસ તકેદારી શ્રી શાહે રાખી છે.
ગૃહમંત્રી અમિત શાહની ઉપસ્થિતિમાં છારોડી ખાતે આવતીકાલે સાંજે ૫ વાગ્યાથી ગાંધીનગર લોકસભા પ્રીમિયર લીગનો ધમાકેદાર પ્રારંભ
Leave a reply
- Default Comments (0)
- Facebook Comments