ગાંધીનગરના રણાસણ ગામની સીમમાંથી અસારવાથી હિમંતનગર જતી રેલ્વે લાઇનના ટ્રેક ઉપર લગાવેલ આશરે એક કિલોમીટર સુધીનાં કેટનરી – કોન્ટેક્ટ કોપર વાયરો કાપીને તસ્કરો ફરાર થઈ ગયા હતા. જેનાં કારણે ટુટી ગયેલ લબડતા કોપર વાયર માલગાડીના ટાયરમાં આવી જતા ટ્રેનના પૈડાં 25 મિનિટ સુધી થંભી ગયા હતા. આ બનાવની જાણ થતાં રેલવે અધિકારીઓને દોડતા થઇ ગયા હતા. આ અંગે ડભોડા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
ગાંધીનગરમાં વાહન, મોબાઈલ અને ઘરફોડ ચોરીના નાના મોટા બનાવો પ્રકાશમાં આવતા રહે છે. જો કે આ વખતે તસ્કરોએ રેલવે ટ્રેકનાં ઉપર લગાવેલા કોપર વાયરો પણ કાપીને ચોરી લેતાં ટ્રેનના પૈડાં થંભી ગયા હોવાની ઘટના પોલીસ ચોપડે નોંધાઈ છે. આ અંગે શ્રી ઇલેક્ટ્રીકલ એન્જીનીયરીગ ઇંડીયા પ્રા.લીમીટેડ કંપનીના પ્રોઝેક્ટ મેનેજર રામક્રિષ્ણા ગુપ્તાએ ફરિયાદ નોંધાવી છે કે, હાલ અસારવવાથી પ્રાતીજ સુધીની વેસ્ટર્ન રેલ્વેના અમદાવાદ ડિવીઝનમાં રેલ્વે બ્રોડગેઝનું ઇલેક્ટ્રીક લાઇન કરવાનુ કામ કંપની દ્રારા કરવામાં આવી રહ્યું છે.
આજ રોજ સવારના તેમને રેલ્વેના એન્જીનીયર રાજેશ મીણાએ ફોન કરી જાણ કરેલ કે અસારવાથી હિમંતનગર જતી રેલ્વે લાઇનના નર્મદા કેનાલથી રણાસણ જતા ટ્રેકમાં ઉપર લગાવેલ કેટનરી તેમજ કોન્ટેક્ટ કોપર વાયરોની ચોરી થઈ છે. આથી પ્રોજેક્ટ મેનેજર ગુપ્તા સહીતના માણસો રણાસણ ગામની સીમ ખાતે દોડી ગયા હતા. જ્યાં માલુમ પડયું હતું કે, નર્મદા કેનાલ નજીક આવેલ રેલ્વે ટ્રેક્ના થાંભલા નં.396/5 થી 397/4 વચ્ચેના થાભંલા ઉપર લગાવેલ કેટનરી કોપર વાયર આશરે 530 તથા આશરે 369 મીટરનો કોન્ટેક્ટ કોપર વાયર તસ્કરો કાપીને ચોરી લઈ ગયા છે.
ત્યારે વધુ તપાસ કરતા તેઓને માલુમ પડયું હતું કે, કોપર વાપરો કાપી નાખવામાં આવતા કેટલાક ટુટી ગયેલ વાયર રેલવે ટ્રેક પરથી પસાર થતી માલગાડીનાં (નંબર. KBCS HMT DN) પૈડાંમાં ગૂંચળું વળીને ફસાઈ ગયા હતા. જેનાં કારણે માલગાડી ટ્રેનનાં ડ્રાઈવરને ટ્રેન રોકી દેવાની ફરજ પડી હતી. અને વાયરો ફસાઈ ગયેલા હોવાથી માલગાડીનાં પૈડાં 25 મિનિટ થંભી ગયા હતા. આ અંગે ફરિયાદ મળતાં જ ડભોડા પોલીસ મથકના પીએસઆઇ એમ એસ રાણા ટીમ સાથે ઘટનાસ્થળે પહોંચી ગયા હતા.
આ અંગે પીએસઆઇ રાણાએ કહ્યું હતું કે આશરે એકાદ કિલો મીટર સુધીના કોપર વાયરો કાપીને અજાણ્યા ઈસમો ચોરી ગયા હોવાની ફરિયાદ મળી છે. જે અન્વયે 5 લાખ 56 હજારની કિંમતના કોપર વાયરોની ચોરીનો ગુનો નોંધવામાં આવ્યો છે. અત્રેનાં અવાવરુ – અંતરિયાળ વિસ્તારમાંથી રેલવે લાઇન પસાર થઈ રહી છે. અહીં નવી લાઇન માટે ઈલેક્ટ્રીક વાયરો નાખવાનું કામકાજ ચાલી રહ્યું છે. વાયરો કાપી નાખવામાં આવતા કેટલાક તૂટેલા વાયરો લટકી રહ્યા હોવાથી માલગાડીમાં ફસાઈ ગયા હતા. જેનાં કારણે માલગાડી આશરે 25 મિનિટ લેટ પડી હતી.