ગાંધીનગરના રાયસણમાં એસ.પ્લાઝા બીલ્ડીંગમાં આવેલી મેટ્રો રેલની ઓફીસમાં રહી રખેવાળી કરતા સિક્યોરિટી ગાર્ડને લોકલ ક્રાઇમ બ્રાંચે પૂર્વ બાતમીના આધારે ચોરીના બાઇક સાથે ઝડપી પાડી ઈન્ફોસિટી પોલીસ મથકમાં નોંધાયેલા ગુનાનો ભેદ ઉકેલી કાઢવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે રાત્રિ દરમ્યાન દારૂના નશામાં બાઈક ચોરી લીધા પછી બીજા દિવસે નશો ઉતરી ગયો હોવા છતાં બાઈક પોતાની પાસે રાખી લેતાં સિક્યોરિટી ગાર્ડેને જેલની હવા ખાવાનો વખત આવ્યો છે.
ગાંધીનગરમાં દિન પ્રતિદિન વધતી વાહન ચોરીના ગુનાનો ભેદ ઉકેલી કાઢી જિલ્લા પોલીસ વડા રવિતેજા વાસમ સેટ્ટીએ આપેલી સૂચનાનાં પગલે એલસીબી પીઆઈ ડી બી વાળાએ જિલ્લા પોલીસ મથકમાં નોંધાયેલા વાહન ચોરીનાં ગુનાઓનું લિસ્ટ તૈયાર કરી અલગ અલગ ટીમોને કામે લગાડવામાં આવી છે.
એવામાં ગત તા. 27 મીએ રાયસણનાં ભૈરવનાથ પાર્ટી પ્લોટ પાસેથી બાઈક ચોરીની ફરિયાદ ઈન્ફોસિટી પોલીસ મથકના ચોપડે નોંધવામાં આવી હતી. જેનાં પગલે એલસીબીએ અત્રેના વિસ્તારમાં પેટ્રોલીંગ વધારી દઈ બાતમીદારોને કામે લગાડવામાં આવ્યા હતા. આ દરમ્યાન એએસઆઇ મૂકેશસિંહ દલપતસિંહને બાતમી મળેલ કે, રાયસણ એસ.પ્લાઝા બીલ્ડીંગમાં ત્રીજા માળે, મેટ્રોની ઓફીસમાં રહી સિક્યુરિટી તરીકે નોકરી કરતો 29 વર્ષીય શક્તિસિંહ ભગવાનસિંહ રાઠોડે ઉક્ત બાઈક ચોરીના ગુનાને અંજામ આપ્યો છે.
જે હકીકતના આધારે એલસીબીએ શક્તિસિંહ રાઠોડને બાઈક સાથે ઉઠાવી લીધો હતો. જેની કડકાઈથી પૂછતાંછ કરતાં તે સિક્યોરિટી ગાર્ડ તરીકે નોકરી કરતો હોવાનું જણાવી કબૂલાત કરેલી કે, બનાવના દિવસે દારૂ પીધા પછી બાઈક ચોરી લીધું હતું. જો કે દારૂનો નશો ઉતરી ગયો છતાં આજદિન સુધી તેણે બાઈક જેતે સ્થળે મૂકવાની કે પોલીસ મથકમાં જમા કરાવવાની તસ્દી લીધી ન હતી. જેનાં પગલે એલસીબીએ મૂળ દોલારાણા વાસણા ગામના વતની શક્તિસિંહની ધરપકડ કરી 35 હજારની કિંમતનું બાઈક જપ્ત લઈ ઈન્ફોસિટી પોલીસ મથકમાં નોંધાયેલ ગુનાનો ભેદ ઉકેલી કાઢવામાં આવ્યો છે.