અમદાવાદ શહેરમાં કારચાલકની કરતૂતનો એક વીડિયો સામે આવ્યો છે. પે એન્ડ પાર્કના કર્મચારીએ બાકી રહેતા રૂપિયા માંગતા કારચાલકે કર્મચારીનો હાથ ગાડીમાં ખેંચીને 300 મીટર સુધી ઢસડ્યો હતો. આ દ્રશ્ય જોઇને આસપાસના લોકોએ બૂમાબૂમ કરી મૂકી હતી. જ્યારે અનેક લોકોએ મોબોઇલમાં વીડિયો પણ ઉતાર્યો છે. આ કાર ચાલક સામે બાપુનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ છે.
આ અંગે મળતી માહિતી પ્રમાણે, બાપુનગર દિનેશ ચેમ્બર નજીક પે એન્ડ પાર્કિંગ પર એક કાર ચાલકે પોતાની કાર પાર્ક કરી હતી. કાર ચાલકે ચાર કલાક ગાડી પાર્કિગમાં મુકી હતી. જેથી ત્યાંના કર્મચારીએ ચાલક પાસેથી બાકીના 60 રૂપિયા ચાર્જ માંગ્યો હતો. કર્મચારીએ વધારાનો ચાર્જ માંગતા કાર ચાલકે ફરિયાદી કર્મચારીનો હાથ ખેંચી ગાડીમાં ખેંચી લીધો હતો. ફરિયાદીનો હાથ કારમાં ખેંચીને તેના કાર સાથે 300 મીટર જેટલો ઢસડ્યો હતો.
જોકે, આવુ ભયાનક દ્રશ્ય જોતા જ આસપાસના લોકોએ બૂમાબૂમ કરીને કારને રોકવાનો પ્રયાસ કર્યો હતો. આ સાથે અનેક વાહનો પર જતા અને રસ્તે ચાલતા લોકોએ આ દ્રશ્ય જોઇને વીડિયો પણ ઉતાર્યો હતો.
આ વાયરલ વીડિયોમા કારનો નંબર પણ આવી ગયો હોવાથી કાર ચાલકની નંબર પરથી શોધખોળ શરૂ કરી દેવામાં આવી છે. આ કારનો નંબર GJ01 KM 8738 છે.
હાલ પોલીસે આ અંગેની ફરિયાદ નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરશે. પોલીસ સીસીટીવી ફૂટેજ અને કારના નંબર પરથી પોતાની કાર્યવાહી હાથ ધરશે. હવે જોવાનું એ રહ્યુ કે, પોલીસ આ માથાભારે કાર ચાલકને કેટલીવારમાં શોધી નાંખે છે.