વડોદરાના બાજવા વિસ્તારની સોસાયટીમાં બનાવેલા નકલી કફ સીરપના ગોડાઉનનો SOG પોલીસ દ્વારા પર્દાફાશ કરવામાં આવ્યો છે. આ કાર્યવાહીમાં મોટી માત્રામાં નકલી કફ સીરપનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. સાથે જ ગોડાઉનના માલિકની ભાળ મેળવવા માટેના ચક્રોગતિમાન કરવામાં આવ્યા છે.
તાજેતરમાં અમદાવાદ ગ્રામ્ય SOG પોલીસ દ્વારા નિઝામપુરાના ઉન્નતિ એપાર્ટમેન્ટમાંથી શંકાસ્પદ સીરપનો જથ્થો જપ્ત કર્યો હતો.
આ જથ્થો પકડી પાડવામાં આવ્યા બાદ વડોદરા SOG દ્વારા આવા તત્વો સામે એલર્ટ બની છે અને કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. ગતરાત્રે વડોદરા SOG દ્વારા બાજવા ખાતે આવેલી ગોપાલ સોસાયટીમાં બનાવવામાં આવેલા ગોડાઉનમાં SOG પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી હતી. તપાસમાં પોલીસને 357 થી વધુ પેટીઓમાં ભરેલી નકલી કફ સીરપની 4400 જેટલી બોટલો મળી આવી હતી. જે જોતા જ અધિકારીઓ ચોંકી ઉઠ્યા હતા. સૂત્રોના જણાવ્યા અનુસાર આ મુદ્દામાલની કિંમત રૂ. 6 લાખથી વધુ આંકવામાં આવી રહી છે.
SOG પોલીસે જથ્થો જપ્ત કરીને વધુ કાર્યવાહી હાથ ધરી છે. સાથે જ ગોડાઉનના માલિકની શોધખોળ કરવાનો સાથે, આ જથ્થો ક્યાં બન્યો, ક્યાં મોકલવામાં આવવાનો હતો, કોણ કોણ એમાં સામેલ છે જેવા મામલે ઝીણવટ ભરી તપાસ આગળ ધપાવી છે.