ખાનગી યુનિવર્સિટીઓ પર સંપૂર્ણ દેખરેખ અને નિયંત્રણ રાખવા ઉચ્ચ સ્તરીય સમિતીની રચના કરાઈ
સાબરમતી યુનિવર્સિટી દ્વારા નાણાં લઇને પી.એચ.ડી.ની તેમજ અન્ય ઉચ્ચ ડીગ્રીઓ અને સર્ટીફીકેટ સંદર્ભે વિધાનસભા ગૃહમાં પૂછાયેલા પ્રશ્નના જવાબમાં શિક્ષણ રાજ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાએ જણાવ્યું હતું કે,ખાનગી યુનિવર્સિટીઓમાં થતી ગેરરીતિઓ અટકાવવા માટે સરકાર કટિબદ્ધ છે. આ અંગે તપાસ કરવા ત્રણ સભ્યોની તપાસ સમિતિની નિમણુંક કરવામાં આવી હતી. જેના દ્વારા સઘન તપાસ હાથ ધરવામાં આવી છે. આવી ગેરરીતિ આચરનારા વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે. તેમની ડિગ્રી પાછી મેળવી તેમના વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી રહી છે.
સાબરમતી યુનિવર્સિટી જેવી ખાનગી યુનિવર્સિટીઓ ઉપર દેખરેખ અને નિયંત્રણ માટેની જોગવાઈ સંદર્ભે પૂછાયેલા પુરક પ્રશ્નના જવાબમાં મંત્રીશ્રીએ ઉમેર્યું હતું કે, ગુજરાત-ખાનગી યુનિવર્સિટી અધિનિયમ, ૨૦૦૯ હેઠળ ખાનગી યુનિવર્સિટીની અસરકારક દેખરેખ અને નિયંત્રણ માટે શિક્ષણ વિભાગ દ્વારા બે સમિતીની રચના કરવામાં આવી છે. જેમાં (૧) ઉચ્ચ સ્તરીય એપેક્ષ કમિટી અને (૨) દેખરેખ નિરીક્ષણ, સમીક્ષા, અને તપાસણી સમિતિની રચના કરવામાં આવી છે. જે તમામ ખાનગી યુનિવર્સિટીઓ પર સંપૂર્ણ દેખરેખ અને નિયંત્રણ રાખી રહી છે.