ગાંધીનગર એસ.ટી ડેપોથી બસમાં ચડતી વખતે મુસાફરોનો મોબાઇલ – સામાન ચોરાઈ જતો હોવાની અસંખ્ય ફરીયાદો પોલીસ ચોપડે નોંધાઇ રહી છે. એવામાં અત્રેનાં લેડીઝ ટોયલેટમાંથી એક યુવતીનું બેગ પણ ગણતરીની મિનિટોમાં ચોરાઈ જતાં સેકટર – 7 પોલીસ મથકમાં મોબાઇલ – રોકડ રકમ સહિત કુલ રૂ. 17 હજારની મત્તા ચોરીનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
ગાંધીનગર એસ.ટી ડેપોમાં મુસાફરોના મોબાઇલ ચોરાઈ જતાં હોવાની રોજબરોજ ફરીયાદો ઉઠી રહી છે. તેમ છતાં અહીં કાયમી પોલીસ ચોકી બનાવવા માટે કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી. રોજબરોજ મોબાઇલ ચોરીની ઘટનાઓ પ્રકાશમાં આવતા પોલીસ દ્વારા એસ.ટી ડેપો ખાતે મુસાફરોનો પોતાના કિંમતી સામનાની દેખભાળ રાખી સતર્ક રહેવાની સલાહ આપતા પોસ્ટરો ચીપકાવી દઈ સંતોષ માની લેવાયો છે.
એમાંય સાદા વેશમાં પોલીસ પહેરો હોવાનો પણ દાવો કરવામાં આવી રહ્યો છે. પરંતુ હજી સુધી ચોરીના ગુનાને અંજામ આપતી ખિસ્સા કાતરૂ ગેંગનું પગેરૂ પણ પોલીસ શોધી શકી નથી. અવારનવાર ભીડનો લાભ ઉઠાવી ખિસ્સા કાતરૂ ગેંગ ગુના આચરી રહી હોવાથી મુસાફરો પણ એસ.ટી ડેપોમાં કાયમી ધોરણે પોલીસ ચોકી બનાવવાની માંગ કરી રહ્યા છે. એવામાં હવે લેડીઝ ટોયલેટમાંથી પણ ગણતરીની મિનિટોમાં બેગની ચોરી થયાનો ગુનો સેકટર – 7 પોલીસે ચોપડે નોંધ્યો છે.
અમદાવાદના જશોદાનગર રહેતી નિશા મનહરભાઈ પરમાર કોલેજના બીજા વર્ષમા અભ્યાસની સાથે સેકટર – 6 ખાતે સ્પર્ધાત્મક પરીક્ષાનાં કલાસીસ પણ કરે છે. ગત તા. 8 મી ફેબ્રુઆરીએ નિશા બપોરના સમયે પોતાના ક્લાસ પૂરા કરી ઘરે જવા માટે ગાંધીનગર એસ.ટી ડેપોએ આવી હતી. બાદમાં રાતના આઠેક વાગે ડેપોના જનરલ ટોયલેટમાં વોશરૂમ જવા માટે ગઈ હતી. એ વખતે તેણે પોતાનું એડીદાસ કંપનીની બેગ ટોયલેટનાં ટેબલ ઉપર મુક્યું હતું અને ગણતરીની મિનિટમાં જ નિશાની બેગ ચોરાઈ ગઈ હતી.
આથી તેણે આસપાસ બેગની ઘણી શોધખોળ કરી હતી. પરંતુ બેગનો ક્યાંય પત્તો લાગ્યો ન હતો. જેમાં મોબાઇલ ફોન, રોકડા 5 હજાર, આધાર કાર્ડ સહિતના ડોક્યુમેન્ટ પણ હતા. બાદમાં નિશાએ ઓનલાઇન ઈ એફઆઈઆર કરી હતી. જે અન્વયે સેકટર – 7 પોલીસે એસ.ટી ડેપોથી વધુ એક મોબાઈલ – રોકડ ચોરીની ફરિયાદ નોંધી છે.