દુનિયાભરમાં સૌથી વધુ ઝડપે વિકાસ પામી રહેલા ભારતીય અર્થતંત્રનો ડંકો વાગી જ રહ્યો છે હવે જાપાનનું અર્થતંત્ર નબળુ પડયું હોવાના કારણે ભારત ઝડપથી વિશ્વની ત્રીજા નંબરની અર્થવ્યવસ્થા બની જવાની સંકેતો ઉભા થયા છે.જાપાનને પાછળ છોડીને જર્મની દુનિયાનું ત્રીજા નંબરનું સૌથી મોટુ અર્થતંત્ર બની જ ગયું છે. જાપાનમાં આર્થિક મંદી છવાઇ છે.
ગત વર્ષે જાપાનનો આર્થિક વિકાસદર માત્ર 1.9 ટકા રહ્યો હતો. ડોલર ટર્મમાં જાપાનનું અર્થતંત્ર 4.2 ટ્રીલીયન ડોલર પર છે. જયારે જર્મનીનું અર્થતંત્ર 4.5 ટ્રીલીયન ડોલર પર પહોંચી ગયું છે.
યેનની નબળાઇના કારણે જાપાનની સ્થિતિ નબળી બની ગઇ છે. 2022માં જાપાનનું ચલણ ડોલર સામે 20 ટકા ઘટયું હતું જયારે ગત વર્ષે વધુ 7 ટકા નીચે ઉતર્યુ હતું. જર્મની જાપાનથી આગળ નીકળી ગયું હોવા છતાં હવે ભારત માટે આગળ વધવાનું મુશ્કેલ નથી અને બંને દેશોની આર્થિક નબળાઇનો લાભ ભારતને મળી શકશે.
ભારત હાલ અમેરિકા, ચીન, જર્મની અને જાપાન પછી દુનિયાનું પાંચમાં નંબરનું અર્થતંત્ર છે. આંતરરાષ્ટ્રીય નાણાનીધિના રીપોર્ટ મુજબ ભારત 2026માં જાપાન અને 2027માં જર્મનીથી આગળ નીકળી જશે. ભારતનું વર્તમાન અર્થતંત્ર 4.112 ટ્રીલીયન ડોલરનું છે.