શંભુ બોર્ડર પર મોડીરાત્રે પોલીસ નાકામાં ફસાયેલ ટ્રેકટરને લઈને પોલીસ અને ખેડૂતો વચ્ચે બબાલ થઈ હતી. પોલીસે આંસુ ગેસ અને રબરની બુલેટનો પ્રયોગ કરતા બબાલ મચી ગઈ હતી. આંદોલનના ત્રીજા દિવસે પણ પોલીસ અને ખેડૂતો વચ્ચેની વાટાઘાટો નિષ્ફળ ગઈ હતી.હવે રવિવારે ફરી વાટાઘાટ થઈ શકે છે.
આ અંગે વધુમાં જાણવા મળતી વિગત મુજબ શંભુ બોર્ડર પર મોડીરાત્રે ફસાયેલા ટ્રેકટરને લઈને ખેડૂત અને પોલીસ વચ્ચે ટકરાવ થયો હતો. ત્યારબાદ પોલીસે ટીયરગેસના સેલ છોડયા હતા તો ખેડૂતોએ પોલીસ પર પથ્થરમારો કર્યો હતો. એક કલાકના તનાવ બાદ ખેડૂતો પાછા હટ્યા હતા. પોલીસે રબરની ગોળી ચલાવતા તે નિહંગ શિખની પીઠમાં લાગતા તેને સારવાર માટે હોસ્પિટલે ખસેડવો પડયો હતો.
ઉલ્લેખનીય છે કે, રાત્રીના સમયે પોલીસનાકાથી થોડે દૂર ફસાયેલા ટ્રેકટરને પરત લેવા માટે કેટલાક ખેડુતો પ્રયાસ કરી રહ્યા હતા ત્યારે તેમને સુરક્ષાદળોએ નજીક આવવાની મનાઈ કરી હતી. ત્યારે ખેડુતો નહીં માનતા આ બબાલ પેદા થઈ હતી. આ બબાલ એક કલાક સુધી ચાલી હતી. જો કે ખેડુતો ટ્રેકટરને કાઢી નહોતા શકયા.
દરમિયાન ગઈકાલે થયેલી ખેડુત અને સરકાર વચ્ચેની વાટાઘાટો ભાંગી પડી હતી. બાળપ્રયોગ સામે ખેડુતોએ વિરોધ કર્યો હતો. જયારે ખેડુતો તેમની એમએસપી કાયદો બનાવવાની માંગ પર અટલ રહ્યા હતા. સામે પક્ષે સરકાર પણ ખેડુતોની આ માંગ સ્વીકારવા તૈયાર નથી. હવે ખેડુતો અને સરકાર વચ્ચે રવિવારે મંત્રણા થઈ શકે છે.