ઉગ્ર વિરોધ પ્રદર્શન કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અને રાજ્ય સભા સાંસદ શક્તિસિંહ ગોહિલ, ધારાસભ્ય ઇમરાન ખેડાવાલા અમદાવાદ શહેર કોંગ્રેસ પ્રમુખ હિંમતસિંહ પટેલ, પ્રવક્તા ડોક્ટર અમિત નાયક સહિત કોંગ્રેસના કાર્યકર્તાઓની પોલીસે અટકાયત કરી
ઇન્કમટેક્સ, ઇડી, અને સરકારી તંત્ર દ્વારા ભાજપ કોંગ્રેસનો અવાજ દબાવી શકશે નહીં :દેશના મોટા ઉદ્યોગપતિઓ ભયના કારણે આજે કોંગ્રેસને કોઈપણ રીતે મદદ કરતું નથી : હિંમતસિંહ પટેલ
અમદાવાદ
કોંગ્રેસે શુક્રવારે 16 ફેબ્રુઆરીના રોજ દાવો કર્યો હતો કે આવકવેરા વિભાગ (IT) એ તેના મુખ્ય બેંક ખાતાઓ ફ્રીઝ કરી દીધા છે. જો કે, પાછળથી આવકવેરા એપેલેટ ટ્રિબ્યુનલે આવતા અઠવાડિયે સુનાવણી સુધી એકાઉન્ટ્સ પરનો પ્રતિબંધ ઉઠાવી લીધો હતો. પરંતુ આજે સવારે ઇન્કમટેક્સ ખાતે તેને લઈને ગુજરાત કોંગ્રેસ પ્રમુખ અને રાજ્યસભા સાંસદ ગોહિલ, ગુજરાત વિધાનસભા ઉપનેતા અને દાણીલીમડાના ધારાસભ્ય શૈલેષ પરમાર, અમદાવાદ શહેર કોંગ્રેસ પ્રમુખ હિંમતસિંહ પટેલ સહિત કોંગ્રેસના નેતાઓ અને કાર્યકર્તાઓએ વિરોધ પ્રદર્શન કર્યું હતું.
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અને રાજ્ય સભા સાંસદ શક્તિસિંહ ગોહિલ, અમદાવાદ શહેર કોંગ્રેસ પ્રમુખ હિંમતસિંહ પટેલ, વિધાનસભા કોંગ્રેસ પક્ષના ઉપનેતાશ્રી શૈલેષભાઈ પરમાર, ધારાસભ્યશ્રી ઈમરાન ખેડાવાલા, કોંગ્રેસના કાર્યકારી પ્રમુખશ્રી ઈન્દ્રવિજયસિંહ ગોહિલ, અમદાવાદ શહેર સંગઠન પ્રભારીશ્રી બિમલભાઈ શાહ સહિત મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકર્તાઓની પોલીસે અટકાયત કરી
કેન્દ્રની મોદી સરકારના મનમાની ભર્યા પગલાના ભાગરૂપે આવકવેરા વિભાગ દ્વારા કોંગ્રેસના મુખ્ય ખાતા ફ્રીઝ કરવામાં આવ્યા જે ગેરબંધારણીય અને બદલાની ભાવનાથી થઈ રહેલ કાર્યવાહી અંગે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ શક્તિસિંહ ગોહિલે જણાવ્યું હતું કે, દેશમાં વર્તમાન રાજનૈતિક પરિસ્થિતિઓમાં સત્તાના નશામાં ધૂત મોદી સરકારના નિર્ણય અને કાર્યોથી લોકતાંત્રિક મુલ્યોની ભાવના સંકટમાં આવી ગઈ છે. મહત્વ પૂર્ણ લોકસભા ચૂંટણી સમયે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ અને ભારતીય યુવા કોંગ્રેસના ખાતાઓ ફ્રીઝ કરવાનો ક્રુર પગલુ તે મુખ્ય વિપક્ષને અસ્થિર કરવાનો પ્રયત્ન છે. સરકારી મશીનરીનો ઉપયોગ પ્રમુખ વિપક્ષીદળ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના કામકાજમાં અડચણ ઉભી કરવા માટે થઈ રહ્યો છે. ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના ક્રાઉડ ફન્ડીંગ સાથે જોડાયેલા ખાતાને પણ ફ્રીઝ કરવામાં આવ્યા છે તે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના લોકતાંત્રિક મૂલ્યો ઉપર જબરદસ્ત હુમલો છે. ભાજપ સરકારના સરકારી મશીનરીનો દુરુપયોગ તથા લોકતાંત્રિક મૂલ્યો પર હુમલાના વિરૂધ્ધમાં અમદાવાદ ખાતે મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકરો, પદાધિકારીઓએ ભારે સુત્રોચ્ચાર કરીને ભાજપ બંધારણીય સંસ્થાઓનો રાજકીય દૂર ઉપયોગ બંધ કરે. લોકશાહીમાં લોકો સુધી આ વાત પહોંચે તે માટે કોંગ્રેસ પક્ષનો પ્રયાસ છે. મોંઘવારી થી પ્રજા પરેશાન છે ખેડૂતો પોતાના હક માટે લડી રહ્યા છે ત્યારે પ્રજાના હિતમાં જનતાના પ્રશ્નોને વાચા આપવા માટે જવાબદાર પક્ષ તરીકે કોંગ્રેસ પક્ષ ભૂમિકા ભજવી રહ્યા છીએ.
અમદાવાદ શહેર કોંગ્રેસ પ્રમુખ હિંમતસિંહ પટેલે જણાવ્યું હતું કે નામદાર સુપ્રીમ કોર્ટે ઇલેક્ટ્રોલ બોન્ડ અંગે જે ચુકાદો આપ્યો છે કે ઇલેકટ્રોલ બોન્ડનાં નાણાંઓનો હિસાબ લોકો સમક્ષ મૂકો તેનાથી ભાજપમાં ખળભળાટ મચી ગયો છે તેને લઈને કોંગ્રેસના મુખ્ય ખાતાઓ ફ્રીઝ કરવામાં આવ્યા છે તે ગેર બંધારણીય છે અમે ગાંધી ચિંધ્યા માર્ગે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે ત્યારે ભાજપ પોલીસનો દૂર ઉપયોગ કરી રહી છે. ભાજપ બંધારણીય સંસ્થાઓનો રાજકીય દૂર ઉપયોગ બંધ કરે, ઇન્કમટેક્સ, ઇડી, અને સરકારી તંત્ર દ્વારા ભાજપ કોંગ્રેસનો અવાજ દબાવી શકશે નહીં.
ઇન્કમટેક્સ ખાતે વિરોધ પ્રદર્શનમાં “લોકશાહી બચાવો સંવિધાન બચાવો”, “ગલી ગલી મેં શોર છે ભાજપ રીશવત ખોર છે” , “નહીં ચલેગી નહીં ચલેગી ભાજપ તારી તાનાશાહી નહીં ચલેગી”, “શામ દામ દંડ ભેદની રાજનીતિ નહીં ચલેગી, ભાજપનું ખાતું ક્યારે બંધ થશે ?” આ લોકશાહી ઉપર તરાપ છે જેવા બેનરો બતાવીને કોંગ્રેસના કાર્યકર્તાઓએ આક્રમક વિરોધ કર્યો હતો.
આઈ.ટી વિભાગ દ્વારા કોંગ્રેસ પાર્ટી અને યુથ કોંગ્રેસના એકાઉન્ટ ફ્રીઝ કરવામાં આવ્યા છે. જેને લઈને દેશભરમાં કોંગ્રેસના કાર્યકરોમાં રોષ જોવા મળ્યો છે. આગેવાનો અને કાર્યકરો એકાઉન્ટ ફ્રીઝ કરવાના ગેરબંધારણીય પગલા બાબતે વિરોધ કરી રહ્યા હતા. પોલીસે રસ્તા રોકી વિરોધ કરી રહેલા કાર્યકરોની ટીંગાટોળી સાથે અટકાયત કરી હતી. જ્યારે પ્રદેશ પ્રમુખશ્રી શક્તિસિંહ ગોહિલ અને શહેર પ્રમુખશ્રી હિંમતસિંહ પટેલની અટકાયત કરી ત્યારે કાર્યકરો પોલીસની ગાડી પર ચડી ગયા હતા. જેથી પોલીસ અને કોંગ્રેસના કાર્યકરો વચ્ચે ઘર્ષણ થયું હતું. આઈટી વિભાગે ફ્રીઝ કરેલા એકાઉન્ટ બાબતે ઈન્કમટેક્ષ મહાત્મા ગાંધીજીની પ્રતિમા પાસે વિરોધ પ્રદર્શન કરી રહ્યા હતા. હાથમાં બેનર લઈને સૂત્રોચ્ચાર કર્યા હતા. કેટલાક કાર્યકરોએ ઈન્કમટેક્ષ ચાર રસ્તા પર વિરોધ દરમિયાન બેસી રસ્તો બંધ કરી કરવાનું શરૂ કર્યું હતું. જેમાં મોટી સંખ્યામાં યુવાનો – મહિલા કાર્યકરો તમામની પોલીસે ટીંગાટોળી સાથે અટકાયત કરી હતી.