ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં પોલીસ દ્વારા વારંવાર રાજ્યમાંથી દારૂનો જથ્થો ઝડપી પાડવામાં આવે છે. તેમ છતાં બૂગલેગરો દ્વારા મોટા પ્રમાણમાં દારૂનો જથ્થો પાડોશી રાજ્યોમાંથી ઘુસાડવામાં આવે છે અને પોલીસની ઘોંસથી બચવા માટે બૂટલેગરો દારૂ સંતાડવા માટે વિવિધ કીમિયા અજમાવે છે. જોકે વડોદરામાં PCB પોલીસ દ્વારા એક મકાનમાં દરોડા પાડવામાં આવ્યા હતા, જ્યાં દારૂ સંતાડવા માટે બનાવેલું હાઇડ્રોલિક ગુપ્ત ગોડાઉન જોઇ પોલીસ પણ ચોંકી ઊઠી હતી. પોલીસે મકાનની અંદર ભૂગર્ભમાં બનાવેલા ગોડાઉનમાંથી 14.92 લાખનો દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. PCB પોલીસે એક આરોપીની ધરપકડ કરી છે, જ્યારે અન્ય બે આરોપીને વોન્ટેડ જાહેર કરીને વધુ તપાસ હાથ ધરી છે.
વડોદરા શહેર PCBની ટીમે ગત રાત્રે રામપુરા ગામમાં રેડ પાડી હતી. જોકે તપાસ દરમિયાન મકાનમાંથી પોલીસને દારૂનો જથ્થો મળ્યો નહોતો. પોલીસે ઘરમાં વધુ તપાસ કરતાં એક રૂમમાં ફ્લોર ઉપર બેસાડેલી ટાઇલ્સો પૈકીની વચ્ચેની બે ટાઇલ્સના નીચેના ભાગે ગુપ્ત ખાનું હોવાનું ધ્યાને આવ્યું હતું. જોકે આ ચોરખાનું ખોલવા અને બંધ કરવા માટે હાઇડ્રોલિક ઓઇલ પંપનો ઉપયોગ કરતો હતો.
જે હાઇડ્રોલિક ઓઇલ પંપની પાઇપ પ્રથમ બેઠક રૂમના ઇલેક્ટ્રિક લાઇટના સ્વિચ બોર્ડના અંદરના ભાગે લગાડી હતી, જે હાઇડ્રોલિક ઓઇલ પંપ વડે પંપિંગ કરતા બીજા રૂમમાં બનાવેલું ગુપ્ત ખાનું ખુલ્લું થયું હતું. ત્યારે PCBની ટીમ હાઇડ્રોલિક ગુપ્ત ગોડાઉન જોઈને અચંબામાં પડી ગઈ હતી. પોલીસે ગોડાઉનની અંદર ઊતરીને જોયું તો 14.92 લાખની કિંમતના વિદેશી દારૂની 416 બોટલ મળી આવી હતી અને 15 લાખથી વધુ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.
નંદેસરી રોડ પર આવેલા રામપુરા ગામના જગતપુરા ફળિયામાં રહેતા આરોપી મહેશ ઉર્ફે ભૂરિયા પ્રવીણભાઈ ગોહિલને ઝડપી પાડ્યો હતો. આ સાથે પોલીસે બે મોબાઇલ અને રોકડ રકમ સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પોલીસે મુકેશ નટવરભાઈ નાયક અને રમેશ નામના બે આરોપીઓને વોન્ટેડ જાહેર કર્યા છે. પકડાયેલા મહેશ ઉર્ફે ભૂરિયા વિરુદ્ધ અગાઉ પણ જવાહર પોલીસ સ્ટેશનમાં 9 ગુના નોંધાઇ ચૂક્યા છે. PCBએ આરોપી મહેશને જવાહરનગર પોલીસને સોંપ્યો છે.