બોલીવુડના જાણીતા ફિલ્મ નિર્માતા રાજકુમાર સંતોષી નવી મુશ્કેલીમાં ફસાયા છે. તેમને ચેક બાઉન્સ કેસમાં જામનગર કોર્ટે ચૂકાદો આપ્યો છે. રાજકુમાર સંતોષીને કોર્ટે બે વર્ષની જેલની સજા અને ચેક અમાઉન્ટની ડબલ રકમ એટલે કે 2 કરોડ રૂપિયા જમા કરવાનો આદેશ આપ્યો છે. ઘાયલ અને ઘાતક જેવી સુપરહિટ ફિલ્મોના નિર્માતા રાજકુમાર સંતોષીને ચેક બાઉન્સ કેસમાં આજે જામનગર કોર્ટે સજા ફટકારી છે. રાજકુમાર સંતોષીએ જામનગરના વ્યવસાયી અશોક લાલ પાસેથી 1 કરોડ રૂપિયા ઉધાર લીધા અને પછી ચૂકવણી કરી નહીં. તેવામાં અશોક લાલે પ્રોડ્યુસર પર જામનગરની કોર્ટમાં કેસ કર્યો હતો.
આ કેસમાં કોર્ટે મોટો ચૂકાદો આપ્યો છે. ઘટના વર્ષ 2015ની છે. 2019માં રાજકુમાર સંતોષી જામનગર કોર્ટમાં સૂનાવણી માટે રજૂ થયા હતા. ત્યારબાદ અશોક લાલના વકીલે જણાવ્યું કે રાજકુમાર સંતોષી અને અશોક લાલ મિત્રો છે. 2015માં લાલે સંતોષીને એક કરોડ રૂપિયા ઉધાર આપ્યા હતા. તેની ચુકવણી કરવા માટે સંતોષીએ અશોક લાલને 10 લાખ રૂપિયાના 10 ચેક આપ્યા હતા, જે ડિસેમ્બર 2016માં બાઉન્સ થઈ ગયા હતા. તેના પર અશોક લાલે રાજકુમાર સંતોષીનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો. જ્યારે બંને વચ્ચે વાત ન થઈ શકી તો અશોક લાલે જામનગર કોર્ટમાં કેસ દાખલ કરાવ્યો હતો. આ કેસ દાખલ થયા બાદ 18 સુનાવણીમાં રાજકુમાર સંતોષી કોર્ટ પહોંચ્યા નહીં. શરૂઆતમાં કોર્ટે કહ્યું કે તેણે દરેક બાઉન્સ ચેક માટે પીડિતને 15 હજાર રૂપિયા આપવા પડશે. પરંતુ હવે કોર્ટે ગંભીર ચુકાદો આપતા તેણે ઉધાર લીધેલી રકમ કરતા ડબલ રૂપિયા આપવાનો ચુકાદો આપ્યો છે. 67 વર્ષીય રાજકુમાર સંતોષી હિન્દી ઈન્ડસ્ટ્રીના જાણીતા પ્રોડ્યુસર છે. તેમણે સની દેઓલ, શાહિદ કપૂર, રણબીર કપૂર, કેટરીના કેફ, અમિતાભ બચ્ચન, અક્ષય કુમાર સહિત અનેક સિતારાઓ સાથે કામ કર્યું છે.