ગરીબ બાળકોની અનામત જગ્યામાં મસ્ત મોટી ફી લઈને અન્ય બાળકોને એડમિશન આપવામાં આવી રહ્યા હોવાની બાબત ધ્યાનમાં આવી : હેમાંગ રાવલ
અમદાવાદ
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ મીડિયા વિભાગના કો-કન્વીનર, પ્રવક્તા, હેમાંગ રાવલે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને પત્ર લખી જણાવ્યું કે યુપીએ સરકાર દ્વારા 2009માં (આરટીઇ) રાઇટ ટુ એજ્યુકેશન એક્ટ હેઠળ ગરીબ બાળકોને પણ મફત અને સારું શિક્ષણ આપવા માટે બિનઅનુદાદિત શાળાઓમાં 25% સીટ આપવા માટેનું પ્રાવધાન કરેલ હતું, આપણા બંધારણમાં શિક્ષણ અને આરોગ્ય દેશના નાગરિકોને મફત મળી રહે એ સરકારોની જવાબદારી હોય છે.નામાંકિત શાળામાં વધુ આવક ધરાવતા કુટુંબના બાળકો ગોઠવણ કરીને એડમિશન મેળવી લે છે જેને આ શાળાઓ પ્રાઇવેટ ડિટેક્ટિવ અથવા અન્ય સાધનોનો ઉપયોગ કરીને તેમના એડમિશન રદ બાતલ કરાવે છે પરંતુ તેના બદલામાં તેઓ અન્ય આરટીઇના બાળકોને એડમિશન આપતા નથી અને આવા ગરીબ બાળકોની અનામત જગ્યામાં મસ્ત મોટી ફી લઈને અન્ય બાળકોને એડમિશન આપવામાં આવી રહ્યા હોવાની બાબત ધ્યાનમાં આવી છે.
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિએ દરખાસ્ત કરી છે કે આરટીઇના ગરીબ બાળકોની જગ્યામાં તેને લગતી જ યોગ્યતા ધરાવતા ગરીબ કુટુંબના વાલીઓને જ એડમિશન મળવું જોઈએ તેના માટે આરટીઇના જે બાળકોને એડમિશન નથી મળ્યા તેનું વેઇટિંગ લિસ્ટ અથવા સરકારી શાળામાં ભણતા ટોપ પરિણામ આપતા બાળકોને આ જગ્યા પર પહેલો હક મળે તે પ્રમાણેનો પરિપત્ર કરીને તજવીજ કરવી.