ગાંધીનગરના રાંધેજાની પ્રમુખનગર સોસાયટીમાં ગઈકાલે મધરાતે તસ્કરો ત્રાટક્યા હતા. એકસાથે ચાર મકાનના તાળા તોડી સોના ચાંદીના દાગીના, રોકડ રકમ સહિત લાખો રૂપિયાના મુદ્દામાલની ઘરફોડ ચોરીને અંજામ આપ્યો હતો. સોસાયટીના કમ્પાઉન્ડ વોલની રેઝર કાંટાળી ફેન્સીંગની જાળી કાપીને અંદર પ્રવેશી ચોરીને અંજામ આપી આરામથી બહાર જતાં પાંચ તસ્કરો સીસીટીવીમાં કેદ થતાં પેથાપુર પોલીસે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.
ગાંધીનગરના રાંધેજામાં આવેલ પ્રમુખનગર સોસાયટીઓમાં એકસાથે ચાર મકાનના તાળા તોડી પાંચ તસ્કરોની ગેંગે ચોરીના ગુનાને અંજામ આપવામાં આવ્યો આવતાં સ્થાનિક વસાહતીઓમાં ભયનો માહોલ છવાઈ ગયો છે. આ મામલે અત્રેની સોસાયટીના મકાન નંબર ડી – 204 માં રહેતાં નિખિલભાઈ ચૌધરીએ ફરિયાદ નોંધાવી છે. નિખિલભાઈ ગઈકાલે શનિવારે સવારના સમયે પરિવાર સાથે પોતાના વતન પામોલ ખાતે ગયા હતા.
આજરોજ વહેલી સવારે તેઓ પરત ઘરે ફરતા ઘરના મુખ્ય દરવાજાનું લોક તૂટેલું જોઈને ચોંકી ઉઠયા હતા. બાદમાં તેમણે અંદર જઈને તપાસ કરતા બેડરૂમનો સર સામાન વેર વિખેર હાલતમાં પડ્યો હતો. જેથી નિખિલભાઈને ઘરમાં તસ્કરોએ હાથફેરો કર્યાનો અંદાજો આવી ગયો હતો. જેથી તેમણે ઘરમાં વધુ તપાસ કરતા બેડરૂમમાં મુકેલ બેગની અંદર લેડીઝ પાકીટમાંથી ચાંદીની શેરો, સોનાની ત્રણ નંગ ચુની તેમજ બચત કરેલા રોકડા 25 હજાર ની ચોરી થયાનું માલુમ પડયું હતું.
એવામાં સોસાયટીના ડી બ્લોકમાં પણ બંધ મકાનમાં ચોરી થઈ હોવાની બૂમ ઉઠી હતી. જેથી નિખિલભાઈ ડી બ્લોકમાં દોડી ગયા હતા. જ્યાં મકાન નંબર ડી /101 માં રહેતા દિનેશભાઈ જોઈતારામ પ્રજાપતિનાં ઘરમાંથી પાન સોનાનું પેડલ અને 500 રૂપિયા રોકડા ચોરાઇ ગયાનું જાણવા મળ્યું હતું. એજ રીતે મકાન નંબર ડી/303 માં રહેતા દશરથભાઇ દરબાર તેમજ મકાન નંબર ઈ/602 માં રહેતા વિક્રમભાઇ સૈનીના મકાનમાં પણ ચોરી તસ્કરોએ હાથફેરો કર્યો હતો. જો કે બંને મકાન માલિક બહાર ગામ હોવાથી ચોરીના મુદ્દામાલ અંગે વિગતવાર માહિતી બહાર આવી ન હતી.
બીજી તરફ એકસાથે ચાર મકાનોના તાળા તૂટયા હોવાની વાત વાયુવેગે પ્રસરી જતાં સ્થાનિક રહીશોની ઉંઘ ઉડી ગઈ હતી. બાદમાં સ્થાનિકોએ સોસાયટીમાં તપાસ કરતા કમ્પાઉન્ડ વોલની રેઝર કાંટાળી ફેન્સીંગની જાળી કાપીને તસ્કરો અંદર પ્રવેશ્યા હોવાનું સામે આવ્યું હતું. આથી સોસાયટીના સીસીટીવી ચેક કરતાં ઘરફોડ ચોરીને અંજામ આપી પાંચ તસ્કરો આરામથી સોસાયટીની બહાર જતાં નજરે ચડયા હતા. આ બનાવના પગલે રહીશોમાં પોલીસના સઘન પેટ્રોલીંગની કામગીરી સામે ભારોભાર રોષ વ્યાપી ગયો છે. ત્યારે પેથાપુર પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.