સરકારની ડુંગળી પકવતા ખેડૂતો માટેની નિકાસની જાહેરાત ગેરમાર્ગે દોરનારી અને લોલીપોપ સમાન : ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અને સાંસદ શક્તિસિંહ ગોહિલ

Spread the love

૨૩૦ લાખ ટન ડુંગળીનું ઉત્પાદન છે ત્યારે માત્ર ૩ લાખ મેટ્રિક ટન ડુંગળીની નિકાસની છૂટ આપવાથી ખેડૂતોને કોઈ જ ફાયદો થવાનો નથી.

માત્ર ૩ લાખ મેટ્રિક ટન ડુંગળી નિકાસની છૂટ આપીને આવનાર ચૂંટણી સમયે જાણે ખેડૂતોનું કલ્યાણ કરી દીધું હોય તેવી વાહવાહી કરે છે તે શરમજનક

ઓગસ્ટ-૨૦૨૩માં જ ૪૦% એક્સપોર્ટ ડ્યુટી નાંખી હતી અને ડિસેમ્બર-૨૦૨૩થી સંપૂર્ણ નિકાસબંધી કરી હતી, જેથી ડુંગળી પકવતો ખેડૂત પાયમાલ થયો છે.

ડુંગળી પકવતા ખેડૂતોએ ઓગસ્ટ-૨૦૨૩થી અત્યાર સુધી ડુંગળી વેચી દીધી છે તેને નુકસાની વળતર સરકાર તાત્કાલિક ચૂકવે.

ડુંગળીની નિકાસ પર ૪૦% એક્સપોર્ટ ડ્યુટી તરીકે જે રકમ સરકારે વસુલી છે તે પૂરેપૂરી રકમ સરકાર ખેડૂતોને ચૂકવે.

ઘોડા નીકળી ગયા પછી તબેલાને તાળા મારવા દોડે તેમ કરોડો રૂપિયાનું નુકસાન ખેડૂતોએ વેઠ્યા બાદ હવે માત્ર ૩ લાખ મેટ્રિક ટન ડુંગળીની નિકાસની છૂટ આપીને સરકાર જે વાહવાહી કરવા નીકળી છે તે ખેડૂતોની ક્રૂર મશ્કરી સમાન

અમદાવાદ

ભાજપ સરકારે ડુંગળીની નિકાસબંધી હટાવી નથી પરંતુ ચૂંટણીના સમયે ખેડૂતોને ગેરમાર્ગે દોરીને માત્ર લોલીપોપ આપવાનો જ પ્રયત્ન કર્યો છે ત્યારે ભાજપની ખેડૂત વિરોધી નીતિ પર આકરા પ્રહાર કરતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અને સાંસદ શક્તિસિંહ ગોહિલે જણાવ્યું હતું કે, ગુજરાતના અને દેશના ડુંગળી પકવતા ખેડૂતોને ભાજપે નિકાસબંધી કરીને ખૂબ મોટો અન્યાય કર્યા બાદ હવે જ્યારે ખેડૂતોનો રોષ ભભૂકી ઉઠ્યો છે અને સામે ચૂંટણી દેખાય છે ત્યારે માત્ર ૩ લાખ મેટ્રિક ટન નિકાસની છૂટ આપીને એવો પ્રચાર શરૂ કર્યો છે કે જાણે ખેડૂતો ઉપર કોઈ મોટી મહેરબાની કરી દીધી હોય અને ખેડૂતોને મોટો લાભ થઈ જવાનો હોય. હકીકતમાં દેશમાં ડુંગળીનું ઉત્પાદન ૨૩૦ લાખ ટનથી પણ વધારે છે અને દુનિયાના સૌથી વધારે ડુંગળી પકવતા દેશોમાં આપણો દેશ બીજા ક્રમે આવેલો છે. સૌથી વધુ ડુંગળી પકવતા દેશોમાં પ્રથમ ક્રમે ચીનનું સ્થાન છે અને બીજા ક્રમે ભારતનું સ્થાન છે, તેવા સંજોગોમાં ખેડૂતોને માત્ર ૩ લાખ મેટ્રિક ટન ડુંગળીની નિકાસની છૂટ આપ્યા બાદ ગુમરાહ કરવાનો પ્રયત્ન થઈ રહ્યો છે. માત્ર ૩ લાખ મેટ્રિક ટન ડુંગળીની નિકાસથી આપણા દેશના ખેડૂતોને કોઈ જ ફાયદો થવાનો નથી. ડુંગળી પકવતા ખેડૂતોને આ વર્ષે થોડો ફાયદો થાય તેવી આશા બંધાઈ હતી અને દુનિયાના બજારને નજરમાં રાખતા સ્પષ્ટ જણાતું હતું કે આ વખતે ડુંગળી પકવતા ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળશે અને લાભ થઈ શકશે, પરંતુ ખેડૂત વિરોધી ભાજપ સરકારે ઓગસ્ટ-૨૦૨૩માં જ ડુંગળીની જે નિકાસ થતી હતી તેના પર ૪૦% એક્સપોર્ટ ડ્યુટી (નિકાસ કર) નાંખી દીધો હતો, જેના કારણે નિકાસ ઉપર વિપરીત અસર થઈ અને ખેડૂતોને જે ભાવ મળવા જોઈતા હતા તે મળતા બંધ થયા હતા. ત્યારબાદ ડિસેમ્બર-૨૦૨૩થી ડુંગળીની સંપૂર્ણ નિકાસબંધી કરી દેવાતા ખેડૂતોની હાલત અત્યંત કફોડી થઈ છે. ડુંગળી ખેડૂત સંગ્રહી ન શકે અને સંગ્રહ કરે તો એ પેરીશેબલ ગુડ્સ (નાશ પામે તેવી સામગ્રી) હોવાના કારણે તેમજ ખેડૂત પાસે માલ સંગ્રહ કરવા આર્થિક ક્ષમતા ન હોય તેમજ કોલ્ડ સ્ટોરેજની સુવિધા ન હોય ફરજિયાત ડુંગળી વેચવી જ પડી છે. દેશના ખેડૂતોને નિકાસબંધીના કારણે ખૂબ જ આર્થિક નુકસાની ભોગવી પડી અને ખેતરમાંથી ડુંગળી માર્કેટિંગ યાર્ડ સુધી લઈ જાય અને જે ખર્ચ લાગે તેટલો ખર્ચ પણ વેચાણથી ન મળે તેવી દયનીય પરિસ્થિતિ ઊભી થઈ તેના માટે માત્રને માત્ર ભાજપ સરકાર જ જવાબદાર છે. અનેક ખેડૂતો રોડ પર ઉતર્યા અને ડુંગળીને રોડ પર ફેંકી દેવાની ઘટના બની હતી, આવા સંજોગોમાં માત્ર ૩ લાખ મેટ્રિક ટન ડુંગળીની નિકાસની છૂટ હવે આપવાથી ખેડૂતોને કોઈ જ ફાયદો થવાનો નથી કે ખેડૂતોનું કોઈ કલ્યાણ થવાનું નથી.

ડુંગળી પકવતા ખેડૂતોને ન્યાય મળે તે માટે સરકાર પાસે માંગણી કરતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અને સાંસદશ્રી શક્તિસિંહ ગોહિલે જણાવ્યું હતું કે, (૧) તાત્કાલિક અસરથી ડુંગળીની નિકાસબંધી હટાવી લેવામાં આવે. (૨) જે ખેડૂતોએ ઓગસ્ટ-૨૦૨૩થી અત્યાર સુધીમાં ડુંગળી વેચી છે અને સરકારની નીતિના કારણે તેમને જે નુકસાન ગયું છે તેના વળતર સ્વરૂપે તાત્કાલિક પૂરતી સહાય ચૂકવવામાં આવે. (૩) મોટાભાગના ખેડૂતોને ડુંગળીના વેચાણના કારણે જે પાયમાલીની પરિસ્થિતિ પેદા થઈ છે તેમાં રાહત આપવામાં આવે. (૪) જે નિકાસબંધી પર ૪૦% એક્સપોર્ટ ડ્યુટી (નિકાસ કર) નાંખવામાં આવેલ તેના કરસ્વરૂપે જે પણ રૂપિયા આવ્યા છે તે ડુંગળી પકવતા ખેડૂતોને સરકારે તાત્કાલિક આપી દેવા જોઈએ. ભાજપ સરકારની ખેડૂત વિરોધી નીતિના કારણે પાકિસ્તાન અને ચીનના ડુંગળી પકવતા ખેડૂતો માલામાલ થયા છે અને ભારતનો ડુંગળી પકવતો ખેડૂત પાયમાલ થયો છે. જેમ ઘોડા નીકળી ગયા પછી તબેલાને તાળા મારવા દોડે તેમ કરોડો રૂપિયાનું નુકસાન ખેડૂતોએ વેઠ્યા બાદ હવે માત્ર ૩ લાખ મેટ્રિક ટન ડુંગળીની નિકાસની છૂટ આપીને સરકાર જે વાહવાહી કરવા નીકળી છે તે ખેડૂતોની ક્રૂર મશ્કરી સમાન છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

downloadfilmterbaru.xyz bigoporn.club bok3p.site sablonpontianak.com