વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આજે રવિવારે, ભાજપના રાષ્ટ્રીય અધિવેશનમાં કહ્યું હતું કે, કેન્દ્ર સરકારે છેલ્લા 10 વર્ષમાં જે હાંસલ કર્યું છે તે માત્ર એક સીમાચિહ્નરૂપ છે અને ‘વિકસિત ભારત’ના સંકલ્પને હાંસલ કરવા માટે આગામી પાંચ વર્ષમાં મોટી છલાંગ લગાવવી પડશે પરંતુ તેની પ્રથમ શરત આ સરકાર છે ભારતીય જનતા પાર્ટી જોરદાર પુનરાગમન કરી રહી છે.
બીજેપીના બે દિવસીય રાષ્ટ્રીય અધિવેશનના સમાપન સત્રને સંબોધતા મોદીએ જણાવ્યું હતું કે, દરેક ભારતીયના જીવનમાં પરિવર્તન લાવવા માટે ભાજપ પાસે હજુ ઘણા નિર્ણયો લેવાના છે અને ઘણું બધું હાંસલ કરવાનું છે. તેમણે કહ્યું, “ભારતે છેલ્લા 10 વર્ષમાં જે ગતિ પ્રાપ્ત કરી છે અને મોટા લક્ષ્યોને હાંસલ કરવાની હિંમત અભૂતપૂર્વ છે. એટલા માટે નહીં કે હું આવું કહું છું. આજે દુનિયા જોરથી બોલી રહી છે આ વખતે પણ આવશે તો મોદી જ.
દિલ્હીમાં બીજેપીના રાષ્ટ્રીય અધિવેશનને સંબોધતા વડા પ્રધાને કહ્યું હતું કે, “હજી ચૂંટણીઓ યોજાવાની બાકી છે પરંતુ મારી પાસે પહેલાથી જ જુલાઈ, ઓગસ્ટ અને સપ્ટેમ્બર માટે વિદેશમાંથી આમંત્રણો આવી ગયા છે. તેનો અર્થ શું છે? આનો અર્થ એ થયો કે વિશ્વના વિવિધ દેશ પાસે પણ સંદેશ પહોંચી ગયો છે કે, ભાજપ સરકારની ત્રીજીવાર સત્તામાં આવી રહી છે. તેઓ આ અંગે સંપૂર્ણ વિશ્વાસ ધરાવે છે. તેઓ પણ જાણે છે કે આવશે તો મોદી જ.
મોદીએ કહ્યું, “હવે દેશ નાનાં નાનાં સપનાં જોઈ શકતો નથી અને ના તો દેશ નાના સંકલ્પ લઈ શકે છે. સપના વિશાળ હશે અને સંકલ્પો પણ વિશાળ હશે. અમારું સપનું અને આપણા સૌનું સંકલ્પ છે કે આપણે ભારતનો વિકાસ કરવો છે. તેમણે કહ્યું કે, આગામી પાંચ વર્ષ આમાં મોટી ભૂમિકા ભજવવાના છે. આગામી પાંચ વર્ષમાં ભારતે પહેલા કરતા અનેકગણી ઝડપથી કામ કરવાનું છે. આગામી પાંચ વર્ષમાં આપણે વિકસિત ભારત તરફ એક વિશાળ છલાંગ લગાવવી પડશે. આ તમામ લક્ષ્યો હાંસલ કરવા માટેની પ્રથમ શરત સરકારમાં ભાજપની મજબૂત વાપસી છે. વડાપ્રધાને કહ્યું કે આજે વિપક્ષના નેતાઓ પણ ‘નેક્સ્ટ ટાઈમ મોદી સરકાર’ અને ‘નેક્સ્ટ ટાઈમ એનડીએ (નેશનલ ડેમોક્રેટિક અલાયન્સ) સરકાર, 400’ કહી રહ્યા છે. તેઓ ‘ 400 સીટ ક્રોસ’ ના નારા લગાવી રહ્યા છે. તેમણે કહ્યું, “એનડીએને 400ને પાર કરવા માટે, ભાજપે 370નો માઈલસ્ટોન પાર કરવો પડશે.”
વડાપ્રધાને કહ્યું કે આજે સમગ્ર દેશ માને છે કે તેમનો 10 વર્ષનો કાર્યકાળ આરોપોથી મુક્ત રહ્યો છે. તેમણે કહ્યું, “25 કરોડ લોકોને ગરીબીમાંથી બહાર કાઢવા એ કોઈ સામાન્ય સિદ્ધિ નથી.” તેમણે કહ્યું, “સમગ્ર દેશ માને છે કે અમે દેશને મેગા કૌભાંડો અને આતંકવાદી હુમલાઓથી મુક્ત કર્યો છે, ગરીબ અને મધ્યમ વર્ગના લોકોનું જીવન સારું બનાવવાનો પ્રયાસ કર્યો છે. .”
છત્રપતિ શિવાજી મહારાજને પોતાના પ્રેરણાસ્ત્રોત તરીકે ટાંકતા મોદીએ કહ્યું કે તેઓ એવા વ્યક્તિ નથી જે પોતાના સુખ અને ગૌરવ માટે જીવે. તેમણે કહ્યું, “હું ભાજપ સરકારની ત્રીજી ટર્મ સત્તા ભોગવવા માટે નથી માંગી રહ્યો. હું એક એવો વ્યક્તિ છું જે રાષ્ટ્ર માટે સંકલ્પ લઈને બહાર આવ્યો છું. જો મને મારા ઘરની ચિંતા હોત તો આજે કરોડો ગરીબોના ઘર ના બન્યા હોત. હું દેશના કરોડો બાળકોના ભવિષ્ય માટે જીવું છું.
દેશના યુવાનો, મહિલાઓ અને ગરીબોના સપના અને સંકલ્પને ‘મોદીનો સંકલ્પ’ ગણાવતા વડાપ્રધાને કહ્યું કે તેઓ આ સંકલ્પને પૂર્ણ કરવા માટે દિવસ-રાત કામ કરી રહ્યા છે. તેમણે કહ્યું, “અમે 10 વર્ષમાં જે હાંસલ કર્યું છે તે માત્ર એક સીમાચિહ્નરૂપ છે. મુકામ સુધી પહોંચવાનો નવો આત્મવિશ્વાસ છે. આપણે હજુ પણ દેશ માટે, કરોડો ભારતીયો માટે અને દરેક ભારતીયનું જીવન બદલવા માટે ઘણું બધું પ્રાપ્ત કરવાનું છે. આ માટે હજુ ઘણા નિર્ણયો બાકી છે.”