અવનવા વીડીયો બનાવી ઇન્સ્ટાગ્રામમાં અપલોડ કરી કમાણી કરતી ગાંધીનગરની 24 વર્ષીય યુવતીના ચારિત્ર્ય ઉપર ગંભીર આક્ષેપો કરી સાસરીમાંથી તગેડી મૂકનાર પતિ શકિતના છ સાસરિયા વિરુદ્ધ અડાલજ પોલીસ મથકમાં ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
આજકાલ ઇન્સ્ટાગ્રામમાં અવનવા વીડિયો અપલોડ કરવાનું ચલણ ખૂબ વધ્યું છે. જો કે વીડિયો બનાવી ઇન્સ્ટાગ્રામમાં અપલોડ કરી કમાણી કરવાના ચક્કરમાં પરણિત યુવતીનાં લગ્ન જીવન ભંગાણ સર્જાયું હોવાનો કિસ્સો અડાલજ પોલીસ મથકના ચોપડે નોંધાયો છે. ગાંધીનગરના ભાટ ગામની એક સોસાયટીમાં રહેતી 24 વર્ષીય યુવતી ઇન્સ્ટ્રાગ્રામ એપ્લીકેશનમા વીડિયો ક્રિએટર તરીકે સારી એવી કમાણી કરે છે. જેનાં લગ્ન અગાઉ તૂટી ચૂક્યા છે. ત્યારે ઓક્ટોબર – 2022 માં યુવતીના બીજા લગ્ન અમદાવાદના યુવક સાથે સમાજના રીત રિવાજ મુજબ કરવામાં આવ્યા હતા. જેનાં પતિના પણ અગાઉ છૂટાછેડા થયા હતા. લગ્ન પછી પરિણીતા સાણંદ જીઆઇડીસીમાં નોકરી કરતા પતિ સાથે સાસરીમાં લગ્નના હક્ક ભોગવવા માટે ગઈ હતી. જો કે પુત્રવધૂને વીડિયો બનાવીને ઇન્સ્ટાગ્રામમાં અપલોડ કરવાનું સાસરીમાં કોઈને પસંદ નહીં હોવાથી એક મહિના પછી સાસુ સસરાએ વિરોધ કરવાનું શરૂ કરી દીધું હતું. અને પુત્રવધૂને ચારિત્ર્યહીન ગણી અવાર નવાર મહેણા ટોણા મારવા લાગ્યા હતા. એમાંય ગામમાં રહેતા કાકી કાકા સસરા પણ ઘરે જઈને સાસુ સસરાની કાન ભંભેરણી કરવાની કસર બાકી રાખતા નહીં. આ મુદ્દે તેણે પતિનું પણ ધ્યાન દોર્યું હતું. પરંતુ પતિ પણ સાસરિયાનો પક્ષ લઈ મારઝૂડ કરવા લાગ્યો હતો. જ્યારે ઘણીવાર નણંદ ઘરે આવીને કહેતી કે મારી મમ્મી પાસે ઘરકામ કરાવી તુ બેઠી બેઠી ખાય છે.
સાસરીથી કંટાળીને પરિણીતા પિયરમાં આવવા જવા લાગી હતી. પરંતુ સાસરિયાની માનસિકતામાં કોઈ ફરક નહીં પડતાં પોતાનો ઘર સંસાર ટકાવી રાખવા પરિણીતા પતિ સાથે સાણંદ રહેવા ગઈ હતી. અહીં પણ વીડિયો અપલોડ કરવાનું ચાલુ રહેતા સાસુ સસરા સાણંદ જઈને પણ આવા કામ નહીં કરવા ટોકતા હતા. આ દરમ્યાન પતિ ઊંધા રવાડે ચડી જઈ પત્નીની કમાણી ખાવા લાગ્યો હતો. જો કે પૈસા ખોટી જગ્યાએ પતિ વાપરી કાઢતો હોય તેણે પૈસા આપવાનું બંધ કરી દીધું હતું જેથી પતિ ગાળો બોલીને મારઝૂડ કરતો હતો.
ત્યારે ગત. 10મી ફેબ્રુઆરીનાં રોજ પરિણીતા પિયરમાં
એકલી માતાજીની બાધા કરવા જઈ ત્યાં જ રોકાઈ ગઈ
હતી. જ્યાં સઘળી હકીકત જાણીને પિયરીયાએ તેણીને રોકી
લીધી હતી. બાદમાં બે દિવસ પછી તે પોતાનો સામાન લેવા
સાસરીમાં ગઈ હતી અને પતિએ દરવાજો ખોલતાની સાથે
ગુસ્સે થઈ ઘરમાં પગ નહીં મૂકવાની સૂચના આપી માર માર્યો
હતો. થોડીવારમાં અન્ય સાસરિયા પણ પહોંચી જઈ પતિને
સાઈડમાં કરી તેણીને સામાન સાથે ગાડીમાં મૂકવા પિયર
મૂકવા નીકળ્યા હતા. ઘર પાસે તેણીને કાર નીચે ઉતારી
સામાન ફેકી દઈ લાફા ઝીંકી દીધા હતા. બાદમાં પિયરમાં
ઉગ્ર ઝગડો કરી સાસરિયા જાનથી મારી નાખવાની ધમકીઓ
આપી જતાં રહ્યાં હતાં. આખરે પરિણીતાએ અડાલજ
પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.