ગુજરાતના અન્ન અને ઔષધિ વિભાગે નકલી દવા બનાવવાની ફેક્ટરી સીલ કરી છે. આ ફેક્ટરીમાં એજીથ્રોમાયસીન અને પેરાસીટામોલ સહિત નવ નકલી દવા બનાવીને દેશ વિદેશમાં વેચાણ માટે મોકલવામાં આવતી હતી.
ગુજરાતના અન્ન અને ઔષધિ વિભાગના નિયામક કમિશનર દ્વારા ગુજરાતના વિવિધ વિસ્તારોમાં નકલી દવા બનાવતી ફેક્ટરી અને રાજ્યમાં વેચાણના કૌભાંડનો પર્દાફાશ કર્યો છે.
ગુજરાતના અન્ન અને ઔષધિ વિભાગે અમદાવાદ, સુરત, વડોદરા, ભૂજ અને ઈડરથી રૂપિયા 1.75 કરોડથી વધુની કિંમતની નકલી એન્ટાબાયોટિક દવાઓનો જથ્થો કબજે કર્યો છે.
અમદાવાદમાં ચાંગોદર સ્થિત ફાર્માકેમનો દિવ્યેશ જાગણી આ ધંધો ચલાવતો હતો. દિવ્યેશે ગેરકાયદે રીતે બીજી કંપનીના નામ અને લાયસન્સ નંબરનો ઉપયોગ કરીને નકલી દવા બનાવવાની ફેક્ટરી શરૂ કરવા માટે જરૂરી મશીનરી ખરીદી હતી. દિવ્યેશ જાગણીની અટક કરીને ફેક્ટરી સીલ કરવામાં આવી છે. તે સિવાય તેમાં ફાર્માકેમના મુખ્ય સુત્રધાર તરીકે પાઈકુન ફાર્મા પ્રાઈવેટ લિમિટેડના નરેશ ધનવાડીયાનું નામ સામે આવ્યું છે. નરેશ નકલી દવા બનાવીને દેશભરમાં તે સપ્લાય કરતો હતો.
અન્ન અને ઔષધિ નામકના કમિશનર એચ.જી કોશિયાનું કહેવું છે કે, દિવ્યેશ જાગણીએ જ અન્ય કંપનીના નામે લાયસન્સ નંબરનો ઉપયોગ કરીને ગેરકાયદે એન્ટીબાયોટિક્ બનાવવા માટે જરૂરી મશીનો ખરીદ્યા હતા. અન્ન અને ઔષધિ વિભાગે દવા બનાવવાનો કાચો માલ, મશીન, નકલી દવાઓ અને પેકિંગ મટિરીયલ સહિત રૂપિયા 1.25 કરોડની માલમત્તા કબજે કરી છે.
ગેરકાયદે નકલી દવા બનાવવી તથા લોકોની જીંદગી સાથે રમત રમવાના ગંભીર આરોપ સાથે ફેક્ટરી સીલ કરવામાં આવી છે. અહીં બનેલી નકલી દવાઓ ભૂજ, અમદાવાદ, વડોદરા અને ઈડર મોકલવામાં આવતી હતી. તપાસ દરમિયાન ફેક્ટરીઓમાંથી અંદાજે રૂપિયા 51 લાખની દવા કબજે કરવામાં આવી છે. રાજ્યના અન્ન અને ઔષધિ વિભાગે એજીથ્રોમાયસીન, પેરાસીટામોલ સહિત 9 દવાઓના સેમ્પલને ટેસ્ટ માટે વડોદરા સ્થિત લેબોરેટરીમાં મોકલી આપ્યા છે.