ગાંધીનગર મહાનગરપાલિકાને અત્યારસુધીમાં ઇમ્પેક્ટ ફી હેઠળ કુલ 4139 અરજીઓ મળી હતી જેમાંથી ફી નહીં ભરાતા 183 અરજીઓ રદ કરવામાં આવી હતી જેથી 3956 અરજીઓ પર મહાનગરપાલિકાની ટાઉન પ્લાનીંગ શાખા દ્વારા પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. આ પૈકી 2019 અરજીઓ મંજૂર કરી દેવામાં આવી છે. જેથી તેમના ગેરકાયદે બાંધકામો નિયમિત થઇ ગયા છે.
રાજ્ય સરકાર દ્વારા ઓક્ટોબર 2022માં કાયદો અમલી બનાવ્યો અને તે પછી મુદ્દત વધારી હોવા છતાં ઇમ્પેક્ટ ફી હેઠળ બાંધકામ નિયમિત કરવાની અરજી મળવાની સંખ્યા પ્રમાણમાં ઘણી ઓછી રહી છે. તંત્ર દ્વારા લોકજાગૃતિના પ્રયાસો કરાયા હોવા છતાં વિલંબથી અરજી મળી રહી છે. 16 ડિસેમ્બર 2023ના રોજ મુદ્દત પુરી થયા પછી રાજ્ય સરકારે 17 ડિસેમ્બરથી 16 જૂન 2024 સુધી મુદ્દત વધારી છે. આથી 17 ડિસેમ્બર બાદ મુદ્દત વધ્યા પછી ગાંધીનગરમાં 155 જેટલી અરજીઓ મળી છે.
ગાંધીનગરમાં ઇમ્પેક્ટ ફીનો અમલ શરૂ થયો ત્યારે શરૂઆતના તબક્કામાં જટીલ પ્રક્રિયા અને અનેક અસમંજસને કારણે લોકો નિરસ જણાતા હતા જેને કારણે સાવ ઓછી અરજીઓ મળી હતી. તે પછી આ અંગે પ્રચાર પ્રસાર કરવામાં આવતા ધીમે ધીમે ઝડપ આવી હતી. હાલ ત્રીજી વખત મુદ્દત અપાઇ હોવા છતાં હજુ પણ ઇમ્પેક્ટ ફીની અરજીઓ આવી રહી છે.