રાજ્યમાં ભિક્ષાવૃત્તિ કરાવવાનું કાવતરું છતું થયું છે. દિવ્યાંગોને નોકરીના બહાને ભિક્ષાવૃત્તિ કરાવવાના કૌભાંડનો પર્દાફાશ થયો છે. ભાવનગર જિલ્લાના તળાજા એસટી ડેપો નજીક એક ભિક્ષુકે આ મામલે સૌથી મોટો ખુલાસો કર્યો હતો અને પોતાને નોકરીની લાલચ આપીને બોલાવ્યા બાદ બળજબરીપૂર્વક ભિક્ષા મંગાવવામાં આવતી હોવાનો ચોંકાવનારો ખુલાસો કર્યો હતો.
જો આ મામલે સઘન તપાસ થાય તો રાજ્યમાં ચાલતા હ્યુમન ટ્રાફિકિંગના કાળો કારોબારનો ભાંડો ફૂટે તેવી સંભાવના છે.
ભાવનગરના તળાજામાં એસટી ડેપો ખાતે ભિક્ષાવૃત્તિ કરતા એક પરપ્રાંતીય શખ્સે મોટો ઘટસ્ફોટ કર્યો હતો. તળાજા એસટી ડેપો નજીક એક દિવ્યાંગ ભિક્ષુકે સૌથી મોટો ખુલાસો કરતા કહ્યું કે, કેટલાક શખ્સો દ્વારા તેને નોકરીની લાલચ આપીને ગુજરાત બોલાવવામાં આવ્યો હતો. જો કે, નોકરી ન આપીને તેની પાસે બળજબરીપૂર્વક ભિક્ષા મંગાવવામાં આવતી હતી. આ સાથે ભિક્ષુકે દાવો કર્યો હતો કે, ઉત્તરપ્રદેશથી 300 જેટલાં લોકોને આ રીતે ગુજરાત લાવવામાં આવ્યા છે. આ લોકો પાસે ગુજરાતના જુદા જુદા સ્થળે ભિક્ષા મગાવવામાં આવતી હોવાનો દાવો પણ દિવ્યાંગ ભિક્ષુકે કર્યો હતો.
દિવ્યાંગ ભિક્ષુકે આગળ દાવો કર્યો કે, ભિક્ષા માગવાની ના પાડે તો ઢોર માર મારવામાં આવે છે. તેઓએ જણાવ્યું હતું કે, ભાવનગરમાં નારી ચોકડી નજીક 30 જેટલાં વ્યક્તિઓને મૂકવામાં આવ્યા છે અને બળજબરીપૂર્વક ભિક્ષા મગાવવામાં આવે છે. સાથે જ એવો પણ દાવો કર્યો કે હિન્દુ શખ્સને મુસ્લિમ બનાવી ભિક્ષા મગાવવામાં આવે છે. જો કે, આ બાબતે પોલીસ સઘન તપાસ કરે તો સત્ય અને ખરી હકીકત બહાર આવી શકે છે. માહિતી મુજબ, દિવ્યાંગ ભિક્ષુકે પોલીસ સમક્ષ જઇને આપવીતી જણાવી હતી. તળાજા પોલીસે આ મામલે હવે તપાસનો ધમધમાટ હાથ ધર્યો છે. સાથે જ ભાવનગર પોલીસને પણ જાણ કરવામાં આવી છે. આ આખા કૌભાંડ પાછળ આંતરરાજ્ય ગેંગ હોવાની આશંકા છે. જો તપાસ થાય તો આંતરરાજ્ય ગેંગનું મસમોટું નેટવર્ક પકડાય તેવી સંભાવના છે. સાથે જ હ્યુમન ટ્રાફિકિંગનો કાળો કારોબાર ખુલે તેવી પણ સંભાવના છે. જો આ મામલે ઊંડાણપૂર્વકની તપાસ થાય તો અનેક મોટા નામ સામે આવી શકે છે.