આપણા ભારતમાં જ કુદરતના ખોળે એક એવું રહસ્યમય ગામ આવેલ છે કે જે ખૂબ જ વિચિત્ર કારણોસર આખી દુનિયામાં જાણીતું છે. આ ગામ આસામના ‘દીમા હાસો જિલ્લા’ની પહાડી ખીણમાં આવેલું છે કે જ્યાં આશરે 2,500 લોકો રહે છે અને સપ્ટેમ્બર મહિનો શરૂ થતા જ અહીં મોટી સંખ્યામાં પક્ષીઓ સુસાઇડ કરવા લાગે છે. આ ગામનું નામ છે જતીંગા, જે બર્ડ સુસાઈડ વેલી’ તરીકે ઓળખાય છે.
આ ગામ આસામના ગુવાહાટીથી લગભગ 330 કિલોમીટર દક્ષિણમાં આવેલું છે અને આ જગ્યા દર વર્ષે સપ્ટેમ્બરથી નવેમ્બર સુધી હેડલાઇન્સમાં રહે છે. અહીં પક્ષીઓ સાંજે 6 થી 10 વાગ્યા સુધીમાં સામૂહિક આત્મહત્યા કરે છે. ચોમાસાની અને ધુમ્મસવાળી રાત્રે પક્ષીઓના આત્મહત્યાના વધુ કિસ્સાઓ જોવા મળે છે અને અહીંના લોકો તેને ભૂત-પ્રેત અને રહસ્યમય શક્તિઓ સાથે જોડાયેલા માને છે પરંતુ તેની પાછળ વૈજ્ઞાનિક કારણ પણ છે.
વૈજ્ઞાનિકો મુજબ આ જગ્યા ઊંડી ખીણમાં સ્થિત હોવાને કારણે ભારે વરસાદ દરમિયાન જ્યારે પક્ષીઓ અહીંથી ઉડવાની કોશિશ કરે છે, ત્યારે તેઓ સંપૂર્ણપણે ભીના થઈ જાય છે અને ઉડવામાં મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. બીજી તરફ, જોરદાર પવનને કારણે પક્ષીઓ તેમનું સંતુલન ગુમાવે છે અને ઝાડ સાથે અથડાયા બાદ ઘાયલ થઈને જમીન પર જ મૃત્યુ પામે છે.
પક્ષીઓની સામૂહિક આત્મહત્યાની આ ઘટના વર્ષ 1910થી ચાલી રહી છે, પરંતુ આખી દુનિયાને તેની જાણ વર્ષ 1957માં થઈ હતી. ત્યારથી લઈને આજ સુધી દેશ-વિદેશના અનેક વૈજ્ઞાનિકોએ તેના પર સંશોધન કર્યું છે પરંતુ હજુ સુધી પક્ષીઓના આપઘાતનું કારણ કે તેને રોકવાનો કોઈ રસ્તો મળ્યો નથી.