15માં નાણાંપંચમાંથી ગ્રામ્ય વિસ્તારોમાં પાણીની પાઇપ લાઇન સહિતના વિકાસના કામો વેગવંતા બને તે માટે જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં વર્ષ-2020-21 અને વર્ષ-2021-2022ના જિલ્લાકક્ષાની ગ્રાન્ટમાંથી કામોનો હેતુફેર કરવાનો નિર્ણય સામાન્ય સભામાં લેવામાં આવ્યો હતો. હવે આ કામો ગ્રામ્ય પંચાયત હસ્તક કરવામાં આવશે.
જિલ્લા પંચાયત હસ્તકની 15માં નાણાપંચની 10 ટકાની ગ્રાન્ટમાંથી ગાંધીનગર અને દહેગામ તાલુકાના ચાર ગામોમાં પીવાના પાણીના વિકાસના કામો ગત વર્ષ-2020-21 અને ગત વર્ષ-2021-22માં મંજુર કરવામાં આવ્યા હતા. જોકે વિકાસના કામોને જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં મંજુર કરવામાં આવ્યા હતા. જેને બે વર્ષ જેટલો સમય થવા છતાં કોઇ જ કોન્ટ્રાક્ટરોએ રસ દાખવ્યો નહી હોવાથી આ કામોનો હેતુફેર કરવા માટે બજેટ માટે મળેલી ખાસ સામાન્ય સભામાં રજુ કરાયા હતા.
ગ્રામ્ય વિસ્તારોમાં વિકાસના કામો ઝડપી થાય હેતુસર 15માં નાણાંપંચના આ કામોનો હેતુફેર કરવામાં આવ્યો હતો. સામાન્ય સભામાં જિલ્લા વિકાસ અધિકારી એસ.કે.મોદીએ હેતુફેર માટે સામાન્ય સભામાં રજુ કર્યા હતા. તેમાં ગાંધીનગર તાલુકાના ડભોડા ગામના કલ્યાણપુરા વિસ્તારમાં રૂપિયા 5.10 લાખના ખર્ચે આંતરિક પીવાના પાઇપ લાઇનનું કામના ખર્ચમાં ઘટાડો કરીને રૂપિયા 5 લાખનું કરાશે.
તેજ રીતે દહેગામ તાલુકાના હરસોલી તેમજ જીવાજીની મુવાડી ગામમાં રૂપિયા 5.10 લાખના ખર્ચે પીવાના પાણીની પાઇપ લાઇન નાંખવાની હતી. તેના ખર્ચમાં ઘટાડો કરીને રૂપિયાય 5 લાખ નક્કી કરાયા છે. અમરાજીના મુવાડા, ભૂતેશ્વરી તેમજ રબારી મુવાડી ગામમાં રૂપિયા 5.10 લાખના ખર્ચે પીવાના પાણીની પાઇપલાઇન નાંખવાની હતી. તેના ખર્ચમાં ઘટાડો કરીને રૂપિયા 5 લાખ નક્કી કરાયા છે. તેજ રીતે સાંપા ગામના પેટાપરાના ગોળા તળાવ વિસ્તારમાં પીવાના પાણીના બોરનું કામ તેમજ ગોળા તળાવ તથા રામપુરા ગામે રૂપિયા 6.50 લાખના ખર્ચે પીવાના પાણીની પાઇપ લાઇનનું કામના ખર્ચમાં કાપ કરીને રૂપિયા 5 લાખ નક્કી કર્યાનો ઠરાવ સર્વાનુમતે સામાન્ય સભામાં કરવામાં આવ્યા હતા.