સુરત અને ભાવનગરની શાળાના સંચાલકો સામે આરટીઆઈ કરી રૂપિયા ખંખેરનાર આરટીઆઈ એક્ટિવિસ્ટે 50 શાળા સંચાલકો પાસેથી તોડ કર્યો હોવાનું રિમાન્ડ દરમિયાન સામે આવ્યું છે. એક્ટિવિસ્ટે 2.50 કરોડ ખંખેરી લીધા હોવાનં ુ તપાસમાં બહાર આવ્યં ુ છે.સીઆઈડી ક્રાઇમનાં સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ ગાંધીનગરના સેક્ટર 7ડીમાં રહેતા મહેન્દ્ર પટેલે સુરતની શાળાઓના સંચાલકોને આરટીઆઈનો ડર બતાવી તેમની પાસેથી કરોડો રૂપિયા ખંખેરી લેવાયા છે, જેને લઈ આરોપી સામે ગાંધીનગરમાં ચાર અને રાજકોટમાં એક પોલીસ ફરિયાદ નોંધાવાઈ છે.
રિમાન્ડ દરમિયાન આરોપી મહેન્દ્ર પટેલ પાસેથી સુરત અને ભાવનગરની શાળાઓના 50થી વધુ લેટરપેડ મળી આવ્યાં હતાં. આરોપીએ લેટરપેડનો દુરુપયોગ કર્યો છે કે કેમ અને તેની પાસે લેટરપેડ ક્યાંથી આવ્યા તેની તપાસ કરવામાં આવી રહી હતી.તપાસ દરમિયાન 50 શાળા સંચાલકો પાસેથી અઢી કરોડ રૂપિયા પડાવાયા હોવાનું સામે આવ્યું છે.
તોડબાજ આરોપી હાલ સેન્ટ્રલ જેલમાં બંધ છે ત્યારે સીઆઈડી ક્રાઇમના પીઆઈ આગામી દિવસોમાં ચોથા ગુનામાં રિમાન્ડ માગશે, તે રિમાન્ડ દરમિયાન આરોપી દ્વારા આરટીઆઈનો ડર બતાવી ખંખેરી લીધેલા રૂપિયાનો ક્યાં ઉપયોગ કરવામાં આવ્યો છે, તે ઉપરાંત વધુ કેટલા સંચાલકો પાસેથી તોડ કર્યો છે તેની માહિતી સામે આવી શકે છે.