બિહારમાં સર્જાયેલા ભયાનક માર્ગ અકસ્માતમાં 9 લોકો કાળનો કોળીયો બની ગયા હતા અને પાંચ લોકો ગંભીર રીતે ઘાયલ થતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
રાજયના મંગેર જિલ્લામાં ઝુલોના ગામ પાસે આ સર્જાયેલા ભયંકર માર્ગ અકસ્માતની પ્રાથમિક વિગતો પ્રમાણે નેશનલ હાઇવે 30 પર રોંગ સાઇડમાં ધસી આવેલા એક ટ્રકે સામેથી પ્રવાસીઓ સાથેના ટેમ્પોને જોરદાર ટકકર મારી હતી.
ટેમ્પો પલ્ટી ખાઇ ગયો હતો અને તેમાં મુસાફરી કરી રહેલા લોકોની મરણચીસોથી હાઇવે ગાંજી ઉઠયો હતો દુર્ઘટના સ્થળે જ 8 લોકોના મોત નિપજયા હતા.
જયારે એક વ્યકિતએ હોસ્પિટલમાં દમ તોડયો હતો. અન્ય પાંચ લોકોની હાલત પણ ગંભીર ગણાવવામાં આવી રહી છે. આ દુર્ઘટનાની જાણ થતા પોલીસ સહિતનો સરકારી કાફલો બનાવ સ્થળે આવી પહોંચ્યો હતો અને ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડયા હતા. અકસ્માત એટલો ભયંકર હતો કે અનેક લોકો હવામાં ઉછળીને 20-25 મીટર દુર ફંગોળાયા હતા.