વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિતભાઈ શાહના નેતૃત્ત્વમાં ભાજપ સરપ્રાઇઝ આપવામાં ખૂબ જ જાણીતું છે. રાજકીય હોદ્દા હોય કે કોઈ પણ ચૂંટણીના ઉમેદવાર, જે પણ નામોની ચર્ચા મીડિયામાં થતી હોય તેનાથી તદ્દન વિપરીત જ નામ સામે આવતું હોય છે. હાલમાં યોજાયેલ મુધ્ય પ્રદેશ, છત્તીસગઢ અને રાજસ્થાનની ચૂંટણી હોય જેમાં મુખ્યમંત્રી તરીકે જે નામો બહાર આવ્યા તે ક્યારેય કોઈએ વિચાર્યા ન હતા અને ક્યારેય મીડિયા દ્વારા ચર્ચામાં પણ આવ્યા ન હતા. પરંતુ નવા જ નામો આપવા તે ભાજપની ખાસિયત થઈ ગઈ છે.
એ જ રીતે ગુજરાતમાં રાજ્યસભાની ચાર બેઠકો માટે જ્યારે ઉમેદવારોની જાહેરાત કરવામાં આવી હતી ત્યારે કોઈએ વિચાર્યું ન હતું તેવા નામો જાહેર કરાયા. ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ જે.પી.નડ્ડા ગુજરાતથી રાજ્યસભામાં જશે તેવું કોઈએ ધાર્યું ન હતું. આ ઉપરાંત સુરતના ઉદ્યોગપતિ ગોવિંદ ધોળકિયા, ઓબીસી મોરચાના પ્રમુખ મયંક નાયક અને ગોધરાના ડો.પરમારને સાંસદ બનાવાયા છે.
આ જ રીતે લોકસભા માટે પણ ભાજપ વધુ એક મોટી સરપ્રાઇઝ આપે તે નિશ્ચિત છે. ગુજરાતમાં નો રીપિટ થિયરી ફોમ્ર્યુલા કોઈ નવી વાત નથી. વિજય રૂપાણીના સમગ્ર મંત્રીમંડળના રાજીનામા, કે વિધાનસભા ચૂંટણી બાદ મંત્રીમંડળ હોય કે ભાજપે નવા ચહેરાઓને સ્થાન આપ્યું છે.
તે જ રાજ્યસભામાં પણ જોવા મળ્યું. ત્યારે ગુજરાતની તમામ 26 બેઠકો પર ભાજપ તેના નવા ઉમેદવારોને તક આપશે તેવું વિશ્ર્વસનીય સૂત્રોએ જણાવ્યું છે. તમામ 26 બેઠકોના સાંસદ બદલાશે અને કોઈને પણ રિપિટ નહિ કરે તેવું ભાજપના એક સૂત્રે જણાવ્યું છે.
આ રીતે પ્રશ્ન એક એ થાય કે અમિત શાહ કે જેઓ ગાંધીનગર થી અને સી.આર.પાટીલ નવસારી થી સંસદ છે તેઓ ક્યાં થી લડશે ? અમિતભાઈ મધ્ય પ્રદેશના ઉજ્જૈન થી લડી શકે છે અને સી.આર.પાટીલ સંભવિત રીતે ચૂંટણી નહિ લડે અને સંગઠન પર જ ફોકસ કરે તેવી શક્યતા છે અથવા સી.આર.પાટીલ પણ ગુજરાત બહાર મહારાષ્ટ્રમાં ચૂંટણી લડી શકે છે. આ સાથે સૌરાષ્ટ્રના સાંસદો જેમકે રાજકોટ થી મોહન કુંડારિયા, જામનગર થી પૂનમબેન માડમ, કચ્છ થી વિનોદ ચાવડા, અમરેલી થી નારણભાઈ કાછડીયા, સુરેન્દ્રનગર થી ડો.મહેન્દ્ર મુંજપરા, પોરબંદર થી રમેશ ધડુક, જૂનાગઢથી રાજેશ ચુડાસમા, ભાવનગર થી ભારતીબેન શિયાળ સહિતના ગુજરાતના તમામ 26 સાંસદો બદલાશે.
ભાજપ દ્વારા એક એવી રણનીતિ કરવામાં આવી રહી છે કે ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીમાં 182 માંથી 156 બેઠક જીત્યા બાદ અને અનેક વિપક્ષના મોટા નેતાઓ ભાજપમાં જોડાયા બાદ હવે દિગ્ગજ નેતાઓને ગુજરાત બહાર ચૂંટણી લડાવી અને તે રાજ્ય પર વધુમાં વધુ બેઠકો મળે તેવી વ્યૂહરચના કરી છે. એક જ્યોતિર્લિંગ એટલે કે કાશીથી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી તો કેબિનેટમાં નંબર 2 ગણાતા ગૃહમંત્રી અમિતભાઈ વધુ એક જ્યોતિર્લિંગ એટલે મધ્ય પ્રદેશના ઉજ્જૈન થી ચૂંટણી લડી શકે છે. ભાજપ માર્ચની 10 તારીખ સુધીમાં જ જાહેરાત કરે તેવી શક્યતા વર્તાઈ રહી છે.