ગાંધીનગરના ઇન્દ્રોડામાં વિચિત્ર રીતે સર્જાયેલા અકસ્માતમાં દોઢ વર્ષની બાળકીનું કમકમાટીભર્યું મોત થયું છે. અહીં છાપરાની બાજુમાં આવેલ બાવળના ઝાડ તથા લાકડાની થાંભલી વચ્ચે દુપટ્ટાથી બનાવેલ ખોયામાં બાળકીને સુવડાવી નાની ઘરમાં કામ કરી રહ્યા હતા. ત્યારે નજીકમાં પાર્ક કરેલ ટ્રેકટર અચાનક રગડવાથી ખોયા સૂતેલ માસુમ બાળકીનું માથું ચગદાઈ ગયું હતું. આ અંગે ખુદ મૃતકની નાનીએ અકસ્માત સર્જનાર નાના વિરુદ્ધ ઈન્ફોસિટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.
ગાંધીનગરના ઇન્દ્રોડા ગામ બળિયાદેવ મંદિરની સામે રહેતા બબલીબેન અસારીનાં પરિવારમાં પતિ છગનભાઈ અસારી, દીકરો રાહુલ તેમજ પરણિત દીકરી ટીના છે. જેને દોઢ વર્ષની દીકરી મીનાક્ષી હતી. બબલીબેન ઘરકામ કરે છે. જ્યારે ઘરના સભ્યો રેતી કામની મજૂરી અર્થે જાય છે. અને તેમના પતિ છગનભાઈ રેતીનુ ટ્રેક્ટર ચલાવે છે.
ગઈકાલે સવારના સમયે ઘરના સભ્યો પોત પોતાના કામ ધંધે નીકળી ગયા હતા. તે વખતે ઘરે બબલીબેન સાથે તેમની પૌત્રી મીનાક્ષી હતી.સવારના આશરે નવ વાગ્યાના સમયે છગનભાઈ ટ્રેક્ટર ટ્રેલરમાં કોઇ જગ્યાએ રેતી ખાલી કરી ઘરે આવ્યા હતા. આ દરમ્યાન મીનાક્ષીને છાપરાની બાજુમાં આવેલ બાવળના ઝાડ તથા લાકડાની થાંભલી વચ્ચે દુપટ્ટાથી બનાવેલ ખોયામાં સુવડાવેલ હતી.
ત્યારે છગનભાઈએ ટ્રેક્ટર મીનાક્ષી જે ખોયામાં સુતી હતી તેનાથી આશરે દસ ફુટ દુર ટ્રેક્ટરનુ એન્જીન (આગળનો ભાગ) ખોયા તરફ આવે તે રીતે ઉભુ રાખેલ હતુ. ટ્રેક્ટર ઉભુ રાખ્યા બાદ છગનભાઈ કુદરતી હાજતે ગયા હતા. અને બબલીબેન છાપરાંમાં કામ કરતા હતા. એ વખતે ટ્રેક્ટર પોતાની જાતે ઢાળનાં કારણે રગડતુ રગડતુ એકદમથી આગળ વધવા લાગ્યું હતું.
જો કે બબલીબેન કઈ સમજે તે પહેલાં ટ્રેક્ટરનો આગળનો ભાગ મીનાક્ષીને લઈ રગડી ગયો હતો. અને મીનાક્ષીના માથાનો ભાગ ટ્રેક્ટરના ટાયર નીચે આવી જતાં તેનું માથુ ફાટી ગયું હતું. જે દ્રશ્ય જોઇ બબલીબેન ગભરાઇને બુમાબુમ કરતાં નજીકમાંથી માણસો ભેગા થઈ ગયા હતા. અને મજુરી અર્થે ગયેલા ઘરના સભ્યો પણ દોડી આવ્યા હતા. આ બનાવની જાણ થતાં ઈન્ફોસિટી પોલીસ ઘટનાસ્થળે દોડી ગઈ હતી. અને જરૂરી કાનૂની કાર્યવાહી હાથ ધરી બબલીબેનની ફરિયાદના આધારે તેમના પતિ વિરુદ્ધ ગુનો દાખલ કર્યો હતો.