ગાંધીનગરના લવારપુર ગામમાં ટુ વ્હીલર લઈને ઉભેલા બે બુટલેગરોને સ્ટેટ મોનિટરી સેલની ટીમે પૂર્વ બાતમીના આધારે દારૂની બોટલો સાથે ઝડપી પાડી કડકાઈથી પૂછતાંછ હાથ ધરવામાં આવી હતી. જેનાં પગલે ફફડી ઉઠેલા બંને બુટલેગરોએ નવા બનતા મકાનની બહાર રેતીની નીચે સંતાડી રાખેલ દારૂના જથ્થાનું પગેરૂ આપી દેતા વિજીલન્સ ટીમે એક લાખના દારૂ સહિત કુલ રૂ. 2 લાખ 18 હજારનો મુદ્દામાલ જપ્ત કરી ડભોડા પોલીસ મથકમાં ગુનો દાખલ કરાવવામાં આવ્યો છે.
સ્ટેટ મોનીટરીંગ સેલને બાતમી મળેલ કે, ગાંધીનગરના ગામના નાના લવારપુર આવાસ યોજનાના મકાનમાં રહેતો લિસ્ટેડ બુટલેગર મનોજ ભીમાજી ઠાકોર મોપેડની ડીકીમાં કેટલોક વિદેશી દારૂનો જથ્થો રાખી મળતીયાઓ મારફતે વેપલો ચલાવી ઘરની આજુબાજુમાં દારૂ સંતાડી રાખે છે. જે હકીકતના આધારે પોલીસે બાતમી વાળી જગ્યાથી બે ઈસમોને અલગ અલગ મોપેડ સાથે ઝડપી પાડયા હતા.
જેઓની પૂછતાંછ કરતાં તેમણે પોતાના નામ મનોજ ભીમાજી ઠાકોર તેમજ અજીત વિનુભાઈ ઠાકોર ( બન્ને રહે. ઇન્દીરા આવાસ યોજના, બી.એસ.એન.એલ. ટાવરની બાજુમાં, નાના લવારપુર) હોવાનું જણાવ્યું હતું. બાદમાં પોલીસે મોપેડની ડીકીની તલાશી લેતાં કેટલીક દારૂની બોટલો મળી આવી હતી. જે અંગે પોલીસે લાલ આંખ કરી કડકાઈથી પૂછતાંછ કરતાં ફફડી ઉઠેલા મનોજે નવા બનતાં મકાન બહાર રેતી નીચે સંતાડી રાખેલો દારૂ કાઢી આપ્યો હતો.
બાદમાં મકાનની આસપાસ અન્ય જગ્યાઓ પણ બતાવતા પોલીસે એક અવાવરા ઘરની આગળ પાવડો લઈને ખોદકામ કરતા જમીનની અંદર એક ડ્રમમાંથી દારૂની બોટલોનો જથ્થો મળી આવ્યો હતો. એક અવાવરા મકાનના બાથરૂમમાં તપાસ કરતા બિયરના ટીનની પેટીઓ મળી આવી હતી. ત્યારે એક અવાવરુ મકાન પાસે પ્લાસ્ટીકના મીણીયાની આડશ કરી ઉપર પ્લાસ્ટીકની ટાળપતરીનુ છાપરૂ બનાવેલ જોવા મળ્યું હતું. જે છાપરાની છતમાં ઉપર પ્લાસ્ટીકના મીણીયાની થેલીઓમાં છુપાવેલ દારૂનો જથ્થો પણ પોલીસે શોધી કાઢ્યો હતો. આ તમામ જથ્થાની ગણતરી કરતા એક લાખથી વધુનો દારૂ – બિયર હોવાનું સામે આવ્યું હતું.
બાદમાં બંને બુટલેગરોની વધુ પૂછતાંછમાં મનોજ ઠાકોર રાજસ્થાનના ભીલવાડા ખાતે રહેતા લોકેસ મારવાડી તથા ઓમકાર મારવાડી (રહે: ખેરવાડા, રાજસ્થાન) પાસેથી મંગાવતો હોવાનું જણાવ્યું હતું. વધુમાં તેણે કબુલાત કરેલી કે, લોકેશ લક્ઝરી બસમાં ડ્રાઇવર તરીકે નોકરી કરતો હોઈ રાજસ્થાન તરફથી બસ લઈને આવે ત્યારે દારૂ ભરેલા પાર્સલો ગામ પાસે આપી દેતો હોવાની કબૂલાત કરી હતી. આથી પોલીસે વધુ તપાસ કરતા આજથી દશેક મહીના પહેલા મોટા ચીલોડા ખાતે દારૂનો કેસ પણ હોવાનું બહાર આવ્યું છે. તેમજ ઓમકાર પણ કારમાં દારૂનો જથ્થો આપી જતો હતો.
ઉલ્લેખનીય છે કે, સ્થાનિક પોલીસની ધોંશ વધી જતાં લિસ્ટેડ બુટલેગર મનોજે દારૂનો ધંધો બંધ કરી દીધો હતો. પરંતુ લગ્નગાળો શરૂ થતાં આઠેક દિવસથી દારૂ મંગાવીને ધંધો કરવા લાગ્યો હતો. જેણે અગાઉ ભુજ ખાતે પાસા હેઠળ પણ જેલની હવા ખાધી હતી. લગ્ન સિઝનમાં દારૂની ડિમાન્ડ વધુ રહેતી હોવાથી કૌટુંબીક જમાઇ અજીતભાઇ વિનુભાઈ ઠાકોરને કામ ઉપર રાખી વેપલો શરૂ કરેલોને સ્ટેટ મોનીટરીંગ સેલને ગંધ આવી ગઈ હતી. આ અંગે ડભોડા પોલીસ મથકમાં ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.