સુદર્શન સેતુ વિકસિત ભારત, વિકસિત ગુજરાતના નિર્માણની આગવી ઓળખ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીને હર્ષભેર આવકારતા બેટ – દ્વારકાના નાગરિકો વડાપ્રધાને દ્વારકાના નાગરિકોનું અભિવાદન ઝીલ્યું
દેવભૂમિ દ્વારકા જિલ્લાની યશ કલગીમાં ઉમેરાયું વધુ એક નવું મોરપીંછ,વ્યુઈંગ ગેલેરી, ભગવદગીતાના શ્લોક, મોર પંખ, ફૂટ પાથ સહિત અનેક સુવિધાઓ આકર્ષણનું કેન્દ્ર
દ્વારકા
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજરોજ દેવભૂમિ દ્વારકા જિલ્લાના બેટ -દ્વારકાની મુલાકાતે પધાર્યા છે. બેટ દ્વારકા ખાતે સુદર્શન બ્રિજના લોકાર્પણ પ્રસંગે પધારેલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું બેટ-દ્વારકા હેલિપેડ ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, કેબીનેટ મંત્રી મુળુ બેરા, ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવી, સાંસદ સી. આર. પાટીલ, સાંસદ શ્રીમતી પૂનમબેન માડમ, ધારાસભ્ય પબુભા માણેક, મુખ્ય સચિવ રાજકુમાર, રીઅલ એડમિરલ અનિલ જગ્ગી, ડીજીપી વિકાસ સહાય, પ્રભારી સચિવ મુકેશ પંડ્યા, અગ્રણી શ્રીમયુર ગઢવી, શ્રીમતી ઉષાબેન ગોહિલ, દિલીપ કોટેચા સહિત મહાનુભાવોએ વડાપ્રધાનનું ઉષ્માસભર સ્વાગત કર્યું હતું.ઓખા અને બેટ દ્વારકાને જોડતા અંદાજિત રૂ. ૯૭૮.૯૩ કરોડના ખર્ચે નવનિર્મિત દેશના સૌથી લાંબા કેબલ બ્રિજ સુદર્શન સેતુનું વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. વિકસિત ભારત વિકસિત ગુજરાતના સંકલ્પને સાકાર કરતો અને સુદર્શન સેતુ રાજ્ય સહિત દેવભૂમિ દ્વારકા જિલ્લાની આગવી ઓળખ બનનાર સુદર્શન સેતુનું વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ તક્તી અનાવરણ કરી ભાવિકો માટે ખુલ્લો મુક્યો હતો. ભગવાન દ્વારકાધીશની પાવન ભૂમિના સર્વાંગી વિકાસની ગતિમાં વધારો કરતાં સુદર્શન સેતુનું થ્રી ડી મોડલ નિહાળી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ વિસ્તૃત માહિતી મેળવી હતી. સુદર્શન સેતુના નિર્માણ થકી દેવભૂમિ દ્વારકા જિલ્લાની યશકલગીમાં વધુ એક મોરપીંછ ઉમેરાયું છે. પ્રવાસનના વિકાસ થકી બેટ-દ્વારકા તેમજ ઓખામાં નવી રોજગારીનું સર્જન થશે તેમજ ગરીબ તથા મધ્યમ વર્ગ માટે આર્થિક ઉન્નતિનો માર્ગ ખુલશે. સુદર્શન સેતુને કારણે ભાવિકોનો સમય બચવા સાથે સુવિધાઓમાં વધારો થશે.
સુદર્શન સેતુની વિશેષતાઓ
•બ્રીજની લંબાઇ ૨૩૨૦ મીટર, જેમા ૯૦૦ મીટર કેબલ સ્ટેયડ ભાગ છે.
•બ્રિજના મુખ્ય ગાળામાં બંને પાયલોન પર ૨૦ x ૧૨ મીટરના ૪ – મોરપંખ આકારવામાં આવ્યા છે
ઓખા સાઈડ એપ્રોચ બ્રિજની લંબાઈ ૩૭૦ મીટર, બેટ સાઈડ એપ્રોચ બ્રિજની લંબાઈ ૬૫૦ મીટર
બ્રીજના મુખ્ય ગાળામાં ૧૩૦ મીટર ઊંચાઇ ધરાવતા બે પાયલોન છે
આ ચાર માર્ગીય બ્રીજની પહોળાઈ ૨૭.૨૦ મીટર છે, જેમાં બન્ને બાજુ ૨.૫૦ મીટરના ફૂટપાથ
ફુટપાથની બાજુ પર કાર્વિંગ પથ્થર પર કોતરણી કામ કરી ભગવદગીતાના શ્લોક તેમજ ભગવાન શ્રીકૃષ્ણનું જીવન દર્શાવવામાં આવ્યું છે
ફૂટપાથ ઉપર લગાવેલ સોલાર પેનલ થી ૧ મેગાવોટ વિજળીનું ઉત્પાદન થશે, જેનો ઉપયોગ બ્રીજ પરની લાઇટીંગમાં થશે.
બ્રીજ પર કુલ ૧૨ લોકેશન પર પ્રવાસીઓ માટે વ્યુઇંગ ગેલેરીનું નિર્માણ કરવામાં આવ્યું છે.
બ્રીજ પર રાત્રિ દરમ્યાન ડેકોરેટીવ લાયટીંગની વ્યવસ્થા કરાઇ છે.• પાર્કિંગની સુવિધા
સુદર્શન બ્રીજના લોકાર્પણ પ્રસંગે પધારેલ વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીનું બેટ દ્વારકાના નાગરિકોએ ઉત્સાહપૂર્વક સ્વાગત કરીને ભારત માતા કી જયના નાદથી વધાવી લીધા હતા. બેટ દ્વારકા હેલીપેડ થી મુખ્ય મંદિરના રસ્તા સુધી નાગરિકોએ માર્ગમાં વડાપ્રધાનશ્રીને આવકાર્યા હતા. વિવિધ કલાકારો દ્વારા કાઠિયાવાડી સંસ્કૃતિની ઝાંખી રજૂ કરી હતી. અહીંના વિવિધ સમાજના અગ્રણીઓ, આગેવાનો, તેમજ નાગરિકોએ ઉત્સાહપૂર્વક વડાપ્રધાનશ્રીને વધાવી લીધા હતા. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ પણ બેટ દ્વારકાના નાગરિકોના અભિવાદનને ઝીલીને નાગરિકોનો ઉત્સાહ વધાર્યો હતો. બેટ દ્વારકા મંદિર ખાતે સ્થાનિક આગેવાનોએ વડાપ્રધાનને આવકાર્યા હતા.બેટ દ્વારકા ખાતે મુખ્ય મંદિર પરિસરમાં અહીંના સ્થાનિક આગેવાનોએ વડાપ્રધાનશ્રીને મીઠો આવકાર આપ્યો હતો. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી બેટ દ્વારકા ખાતે આવેલ મુખ્ય મંદિરમાં પધાર્યા તે વેળાએ અહીંના સ્થાનિક આગેવાનો, સામાજિક અગ્રણીઓ તેમજ મંદિરના ટ્રસ્ટીઓ અને વ્યવસ્થાપકોએ પરંપરાગત સ્વાગત કર્યું હતું.