શહેરમાં છેલ્લા કેટલાંક વર્ષોથી સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરાવતાં વર્ગો બિલાડીની ટોપની જેમ ફૂટી નિકળેલાં જોવાં મળ્યાં છે. પ્રતિવર્ષ સરકારી નોકરી મેળવવા માટે તૈયારી કરવા ગુજરાતના દરેક જિલ્લાના વિદ્યાર્થીઓ ગાંધીનગર આવતાં હોય છે. પરંતુ કેટલાંક ક્લાસીસ સંચાલકો દ્વારા વિદ્યાર્થીઓની ફી લઈને પોતાનું કામ પતી ગયું હોય તેવું વલણ દાખવતાં જોવાં મળ્યાં છે.
બનાસકાંઠા જિલ્લાના કલાલ મહેન્દ્ર દ્વારા અગાઉ ગાંધીનગર સ્થિત વિવેકાનંદ એકેડમીમાં પોલીસ ભરતીની તૈયારી કરવા માટે પ્રવેશ મેળવવામાં આવ્યો હતો. પરંતુ પ્રવેશ મેળવ્યાં બાદ થોડાં દિવસોમાં જ તેમના પિતાનું મૃત્યુ થયું હોવાથી માત્ર ડેમો લેક્ચર જ ભરી શક્યાં હતાં. જેથી એડમિશન રદ્દ કરાવીને નિયમોનુસાર થતી ફી પરત કરવા માટે ગત સપ્ટેમ્બર માસમાં ક્લાસીસ ખાતે અરજી કરવામાં આવી હતી. પરંતુ અરજી કર્યાના 6 માસ બાદ પણ વિદ્યાર્થીની ફી પરત કરવામાં આવી નથી.
આ બાબતે બનાસકાંઠા જિલ્લાના વાવ તાલુકાના વતની મહેન્દ્ર કલાલે જણાવ્યું હતું કે, મારા પિતાના મૃત્યુ બાદ વિવેકાનંદ એકેડમી ખાતે હું અને મારા મામા એડમિશન રદ્દ કરાવવા માટે ગયાં હતાં, ક્લાસીસ દ્વારા આપવામાં આવેલાં પુસ્તકો પણ અમારા દ્વારા પરત કરવામાં આવ્યાં હતાં, પરંતુ સંચાલકોએ પરત લેવાનો અસ્વિકાર કર્યો હતો, ઉપરાંત અમારી 15 હજાર ફી પરત કરવા અરજી ગત સપ્ટેમ્બર માસમાં કર્યા બાદ થોડા દિવસમાં નાણાં પરત કરી દેવાશે તેમ ક્લાસીસના સંચાલકો દ્વારા જણાવવામાં આવ્યું હતું, પણ હજુ સુધી નાણાં પરત કરવામાં આવ્યાં નથી.
જેથી આ બાબતે મુખ્યમંત્રી કાર્યાલય ખાતે પણ રજૂઆત કરાઇ છે. વતનથી ગાંધીનગર આવેલ હોવાથી છાશવારે ક્લાસીસ ખાતે આવવું શક્ય ના હોવાથી ફોન પર પણ વારંવાર રજૂઆત કરવામાં આવી હોવા છતાં વિવેકાનંદ એકેડમીના સંચાલકો દ્વારા નાણાં પરત કરવામાં ખો આપતાં જોવાં મળ્યાં છે. આ બાબતે ક્લાસીસ સંચાલક સાથે ચર્ચા કરતાં સત્વરે નાણાં પરત કરી દેવાની બાંહેધરી આપવામાં આવી હતી.