દહેગામના હરખજીના મુવાડા ગામના બસ સ્ટેન્ડ નજીક ઈકો કારના ચાલકે પોતાની ગાડી પૂરપાટ ઝડપે હંકારીને સામેથી રીક્ષાને ટક્કર મારી હતી. આ અકસ્માતમાં રિક્ષામાં સવાર પતિનું મોત નીપજ્યું છે. જ્યારે મૃતકની પત્ની અને બે દીકરીઓને શરીરે ગંભીર ઈજાઓ થવા પામી હતી. આ અંગે દહેગામ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
દહેગામના સાતગરનારા ખાતે રહેતા બાબુભાઈ કોયાભાઈ વાઘેલા શાકભાજીની લારી ચલાવી પરિવારનું ગુજરાન ચલાવે છે. તેમના નાના ભાઈ પોપટભાઈ ગઈકાલે સવારે પત્ની પત્ની સંગીતા તથા તેની બે દિકરીઓ અનિતા તથા મોહિની સાથે બહિયલ મુકામે સાળાના લગ્નમાં ગયા હતા. સાંજના સમયે બાબુભાઈ શાકભાજીની લારી લઈ વેપાર કરવા દહેગામ બજાર ઉભા હતા. એ વખતે તેમના ફોન ઉપર કોઇએ ફોન કરીને જાણ કરેલી કે, પોપટભાઈ પરિવાર સાથે રિક્ષામાં બેસી ઘરે પરત ફરી રહ્યા હતા. એ વખતે હરખજીના મુવાડા ગામના બસ સ્ટેશન પાસે આવેલ બી.સી.બારોટના ફાર્મ હાઉસ આગળ રિક્ષાને અકસ્માત થયો છે.
આ સાંભળી બાબુભાઈ સહીતના લોકો અકસ્માત સ્થળે પહોંચી ગયા હતા. જ્યાં મોટી સંખ્યામાં લોકોની ભીડ એકઠી થયેલી હતી. અને ઈકો કારના ચાલકે પોતાની કાર પૂરપાટ ઝડપે હંકારી સામેથી રીક્ષાને ટક્કર મારી હોવાનું જાણવા મળ્યું હતું. બાદમાં 108 એમ્બ્યુલન્સ મારફતે ચારેય ઈજાગ્રસ્તોને દહેગામ સરકારી દવાખાને લઈ જવાયા હતા. જ્યાં ફરજ પરના તબીબે પોપટભાઈને મૃત જાહેર કર્યા હતા. જ્યારે તેમની પત્ની અને બે દીકરીઓને ગંભીર ઇજાઓ થવાથી ગાંધીનગર સિવિલ ટ્રાન્ફર કર્યા હતા. આ અંગે દહેગામ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.