છોટા ઉદેપુરના દિગ્ગજ કોંગ્રેસી નેતા અને રાજ્યસભા સાંસદ નારણ રાઠવા કોંગ્રેસને રામ રામ કરીને આજે કમલમ ખાતે કેસરિયો ધારણ કર્યો છે. હાલ લોકસભા ચૂંટણીના પડઘમ વાગવાની શરૂઆત થઈ ચૂકી છે. ત્યારે પાર્ટી બદલવાની હોડ જામી છે અને કોંગ્રેસના ઉમેદવારોના એક પછી એક કાંગરા ખરી રહ્યા છે. ત્યારે આજે વધુ એક પૂર્વ કેન્દ્રીય રેલ રાજ્યમંત્રી અને દિગ્ગજ કોંગ્રેસી નેતા રાજ્યસભા સાંસદ નારણ રાઠવા કોંગ્રેસને રામ રામ કરીને ભાજપનો કેસરિયો ધારણ કર્યો છે. કોંગ્રેસના પૂર્વ સાંસદ નારણ રાઠવાએ ગુજરાત પ્રદેશ ભાજપ કાર્યલય કમલમ ખાતે પ્રદેશ ભાજપ અધ્યક્ષ પાટીલના હસ્તે કેસરિયો ધારણ કર્યો હતો. તેમની સાથે તેમના પુત્ર સંગ્રામ રાઠવાએ પણ ભાજપમાં પ્રવેશ મેળવ્યો છે. કોંગ્રેસના રાજ્યસભાના સાંસદ તરીકે થોડા દિવસ અગાઉ જ નારણ રાઠવાની ટર્મ પૂર્ણ થઈ છે. ત્યારે ટર્મ પૂર્ણ થયાના ગણતરીના દિવસોમાં ભાજપમાં જોડાયા છે.
ભાજપના ભવ્ય ભરતી મેળામાં આજે ગાંધીનગર કમલમ ખાતે 10,500થી વધુ કાર્યકરો ભાજપમાં જોડાયા છે. ત્યારે ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ CR પાટીલે જણાવ્યું હતું કે, આજે ગુજરાતમાં ઈતિહાસ રચાવા જઈ રહ્યો છે. દેશભરમાં આ પહેલી ઘટના હશે કે કોઈ અન્ય પાર્ટી છોડી એકસાથે 10,500થી વધુ કાર્યકરો ભાજપમાં જોડાઈ રહ્યા છે. ભાજપમાં જોડાઈ રહેલા તમામ લોકોનું સ્વાગત છે. કોંગ્રેસ દિશાવિહીન થઈ ગઈ છે. મોદીની ગેરંટી એટલે પાકી ગેરંટી, મોદીની ગેરંટી એટલે પથ્થરની લકીર.
આજદિન સુધી કોઈપણ સરકારે ખેડૂતો માટે કામગીરી કરી ન હતી. મોદી સરકારે ખેડૂતો માટે યોજના બનાવીને ખેડૂતોના ખાતામાં સીધા રૂપિયા પહોંચે તે પ્રકારનું આયોજન કર્યું. આજે ખેડૂતોને તેમના ખાતામાં સીધા રૂપિયા મળી રહ્યા હતા. ઈન્દિરા ગાંધીએ સૂત્ર આપ્યું હતું કે ‘ગરીબી હટાવો’, પરંતુ મોદી સાહેબે કોઈ સૂત્ર ના આપ્યું, કોઈ ઢોલ-નગારા વગાડ્યા વિના દેશના 25 કરોડ લોકોને ગરીબીરેખામાંથી બહાર લઈ આવ્યા છે. એ મોદી સાહેબે કરેલું કામ છે.
લોકસભા ચૂંટણી પહેલાં ભાજપના ભરતી મેળામાં કોંગ્રેસ નેતા ધર્મેન્દ્ર પટેલે પણ પ્રદેશ ભાજપ અધ્યક્ષ CR પાટીલના હસ્તે કેસરિયો ખેસ ધારણ કર્યો છે. તેમની સાથે મોટી સંખ્યામાં તેમના સમર્થકોએ પણ ભાજપમાં પ્રવેશ મેળવ્યો છે.
છેલ્લા કેટલાક સમયથી કોંગ્રેસની દિશા અને દશા બદલાઈ રહી છે અને કોંગ્રેસ સાફ થઈ રહી છે. ત્યારે છોટા ઉદેપુર ખાતે નારણ રાઠવા અને સંગ્રામ રાઠવા કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાતા કોંગ્રેસ નામશેષ થવાના આરે આવી ગઈ છે. હાલ તો છોટા ઉદેપુર જિલ્લામાં સુખરામ રાઠવા અને અર્જુન રાઠવા જ કોંગ્રેસના નેતાઓ તરીકે રહ્યા છે. નારણ રાઠવા તેના સમર્થકો સાથે ભાજપમાં જોડાશે. જેનાથી કોંગ્રેસની મજબૂત આદિવાસી વોટબેંકમાં મોટું ગાબડું પડશે. ભાજપ પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલની ઉપસ્થિતિમાં નારણ રાઠવા પોતાના સમર્થકો સાથે કેસરિયા કરશે. છોટાઉદેપુર જિલ્લામાંથી આવતા નારણ રાઠવાની મજબૂત આદિવાસી વોટબેંક છે. આથી નારણ રાઠવાના ભાજપ પ્રવેશથી લોકસભામાં ભાજપને આદિવાસી બેલ્ટમાં મોટો ફાયદો મળી શકે તેમ છે.
નારણ રાઠવા 1990થી જનતાદળ સાથે જોડાઈને રાજકારણની શરૂઆત કરી હતી અને વી.પી. સીંગ સરકારમાં પ્રથમ વખત કોંગ્રસના સાંસદ અમરસિંહ રાઠવાને હરાવીને નારણ રાઠવા સાંસદ બન્યા હતા. ત્યારબાદ ફરીથી કોંગ્રેસના ઉમેદવાર તરીકે 1995માં ભાજપના ભીખુભાઈ રાઠવાને હરાવી બીજી વખત સાંસદ તરીકે ચૂંટાયા હતા. 1999માં મધ્યસત્ર ચૂંટણીમાં ભાજપના રામસીંગ રાઠવા સામે તેઓની હાર થઈ હતી. 2004માં ત્રીજી વખત સાંસદ તરીકે ચૂંટાતા તેઓને મનમોહનસિંહ સરકારમાં રેલ રાજ્યમંત્રી તરીકે પદભાર સાંભળવાની જવાબદારી મળી હતી. 2009 અને 2014માં તેઓની રામસીંગ રાઠવા સામે હાર થઈ હતી. નારણ રાઠવા કોંગ્રેસના અહેમદ પટેલની ખૂબ નજીકના ગણવામાં આવતા હતા અને તેનો લાભ તેઓને વર્ષ 2018માં મળ્યો હતો અને રાજ્યસભાના સાંસદ તરીકે ચૂંટાઈ આવ્યા હતા.
હાલ આગામી એપ્રીલ 2024માં તેઓની રાજ્યસભાની મુદત પૂરી થઈ રહી છે. તેમની જગ્યાએ નવા સાંસદોની ચૂંટણી પણ થઈ ગઈ છે અને ગુજરાતની ચારેય રાજ્યસભાની સીટ ભાજપ બિનહરીફ જીતી છે. ત્યારે કોંગ્રેસના રાજ્યસભાના સાંસદ તરીકે ટર્મ પૂર્ણ થયાના ગણતરીના દિવસોમાં ભાજપમાં જોડાવા જઈ રહ્યા છે. તેઓએ લોકસભા ચૂંટણી પહેલાં જ કોંગ્રેસને રામ રામ કરીને ભાજપનો કેસરિયો ધારણ કરતા છોટાઉદેપુર લોકસભાનાં સમીકરણો જ બદલાઈ ગયાં છે. હવે લોકસભા ભાજપના ઉમેદવાર તરીકે નારણ રાઠવા પણ પ્રબળ દાવેદાર તરીકે ઊભરી આવ્યા છે.
છોટા ઉદેપુર જિલ્લામાં રાજકીય ઊથલપાથલ શરૂ થઈ છે, દિગ્ગજ કોંગ્રેસી નેતા રાજ્યસભા સાંસદ નારણ રાઠવા અને તેમના પુત્ર સંગ્રામ રાઠવા આજરોજ કોંગ્રેસને રામ રામ કરીને ભાજપનો કેસરિયો ધારણ કરનાર છે. ત્યારે કવાંટ તાલુકાના વધુ એક કદાવર નેતા તાલુકા પંચાયતના પ્રમુખ પીન્ટુ રાઠવાએ પ્રમુખપદેથી રાજીનામું આપી દીધું છે અને આજ રોજ ગાંધીનગર કમલમ ખાતે ભાજપનો ખેસ ધારણ કરનાર છે. તેઓ સાથે ટેલિફોનિક વાતચીત કરતા તેઓ ગાંધીનગર જવા માટે નીકળી ગયા હોવાની માહિતી આપી છે.
આજ રોજ ભાજપ દ્વારા બોડેલી સર્કિટ હાઉસ ખાતે સેન્સ લેવાની પ્રક્રિયા હાથ ધરાઈ રહી છે. તે સમયે જ રાજકીય ઊથલપાથલ થઈ રહી છે. ત્યારે આવનારી લોકસભા ચૂંટણી ભાજપ માટે માથાનો દુખાવો સાબિત થાય તો નવાઈ નહિ.
આગામી 7 માર્ચથી રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાયયાત્રા ગુજરાતમાં પ્રવેશી રહી છે. મધ્યપ્રદેશથી નીકળી દાહોદના ઝાલોદમાં પ્રવેશ કરશે. જ્યાં આદિવાસી સમાજની મોટી વોટબેંક રહેલી છે. આ ન્યાયયાત્રા દરમિયાન આદિવાસી વોટબેંકને પોતાની તરફ કરવા માટે જ દાહોદથી શરૂ થઈ રહી છે. 7, 8 અને 9 માર્ચના રોજ આ ન્યાયયાત્રા ગુજરાતમાં વિવિધ જિલ્લાઓમાંથી પસાર થશે. જેમાં સૌપ્રથમ ઝાલોદ, ત્યારબાદ 8 માર્ચે દાહોદ જિલ્લો અને 9 માર્ચે ગોધરા અને પંચમહાલમાંથી પસાર થવાની છે. ગુજરાતના જે વિસ્તારોની ન્યાયયાત્રા માટે પસંદગી કરાઈ છે તે તમામ આદિવાસી બાહુલ્ય ધરાવતા જિલ્લા છે અને આદિવાસી વોટબેંકને પોતાની તરફ ખેંચવા માટેનો પ્રયાસ આ દરમિયાન કરવામાં આવશે. જો કે નારણ રાઠવાના ભાજપમાં જોડાવાથી ગુજરાત કોંગ્રેસને મોટો ફટકો પડશે.