ગાંધીનગરના એપોલો સર્કલ નજીક ફરજ બજાવતા ટીઆરબી જવાને રૂપિયા – અગત્યના ડોક્યુમેન્ટ સાથેનું પર્સ મૂળ માલિકને પરત કરી ઈમાનદારી દાખવી માનવતાનું ઉદાહરણ પૂરું પાડ્યું છે. પરિવારનું ગુજરાન ચલાવવા નજીવા વેતનમાં નોકરી કરતા ટીઆરબી જવાને અરવલ્લીનાં વ્યક્તિને ત્રણ હજાર રૂપિયા ભરેલું પર્સ પરત કરવામાં આવ્યું હતું.
દંડ લેવા કે વાહન અટકાવવા જેવી વાતોને લઈને ટીઆરબી જવાનીની લોકો ટીકા કરતા હોય છે. ત્યારે ગાંધીનગરમાં બે TRB જવાને ઈમાનદારીની મિશાલ પુરી પાડી છે. ગાંધીનગરના એપોલો સર્કલ નજીક TRB જવાન મિતેષ જાદવ અને મહેશ જયંતિભાઈ પટણી નિત્યક્રમ મુજબ પોતાની ફરજ બજાવી રહ્યા હતા.
આ દરમિયાન અહીંથી ટીઆરબી જવાન મીતેષ જાદવ અને મહેશ પટણીને એક પર્સ પર્સ મળી આવ્યું હતું. જેમાં ત્રણ હજાર રોકડા રૂપિયા તેમજ આધાર કાર્ડ સહિતના મહત્વના દસ્તાવેજો હતા. બાદમાં TRB જવાનોએ આ પર્સના માલિકને શોધવા માટે કવાયત શરૂ કરી હતી. પરંતુ આસપાસના વિસ્તારમાં પર્સ માલિકનો પત્તો લાગ્યો ન હતો. આથી તેમણે અહીંથી પસાર થતાં કેટલાક રાહદારીઓને પણ પર્સ બાબતે ખરાઈ કરી હતી.
થોડીવારમાં એક ભાઈ પોતાનું ખોવાયેલું પર્સ શોધતા શોધતા એપોલો સર્કલ આવી પહોંચ્યા હતા. જેઓ રોડ ઉપર કશું શોધતા હોવાનું જોઈને બંને ટીઆરબી જવાન તેઓની પાસે ગયા હતા. અને જરૂરી પૂછતાંછ કરતાં તેમણે પોતાનું પોતાનું આશિષ ચૌહાણ હોવાનું જણાવ્યું હતું. જેઓ કામ અર્થે અરવલ્લીથી આવ્યા હતા. અને એપોલો સર્કલ પાસેથી પસાર થતી વેળાએ પર્સ રસ્તામાં પડી ગયું હોવાની કેફિયત વર્ણવી ઘરે પરત જવાની ચિંતા પણ વ્યક્ત કરી હતી. બાદમાં બંને TRB જવાનોએ તેઓનું રૂપિયા ભરેલું પર્સ પરત કરી ઈમાનદારીનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું.