માણસા તાલુકાના બાપુપુરા ગામની સીમમાં ખેતરમાં બનાવેલ મકાનમાં સૂઇ ગયેલા ખેડૂતની ગાઢ નિંદ્રાનો લાભ ઉઠાવી તસ્કરો ઘરના દરવાજાનો નકુચો તોડી અંદરથી 75 હજારનો મોબાઇલ ફોન, 20 હજાર 500 રોકડા તેમજ એક્ટિવા મળીને કુલ રૂ. 1 લાખ 25 હજારનો મુદ્દામાલ ચોરી કરી ફરાર થઈ જતાં માણસા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
માણસા તાલુકાના બાપુપુરા ગામનો મનોજ અમૃતભાઈ ચૌધરી ખેતી કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે. મનોજે ગામની સીમમાં આવેલ ખેતરમાં પણ રહેવા માટે મકાન બનાવેલું છે. ગઈકાલે સાંજના સાતેક વાગે મનોજ એક્ટિવા લઈને ખેતર ઉપર ગયો હતો. અને રાત્રે ત્યાં જ રોકાઈ ગયો હતો. જ્યાં મોડી રાતના એકાદ વાગ્યા સુધી જાગ્યા પછી મનોજ દરવાજો બંધ કરીને સૂઈ ગયો હતો.
આજરોજ સવારે સાતેક વાગે મનોજ ઉઠયો હતો અને જોયેલ તો ઓશીકા પાસેથી 75 હજારની કિંમતનો મોબાઇલ ગાયબ હતો. તેમજ મકાનનો આગળની સાઇડના લાકડાના દરવાજાનો નકુચો પણ તુટેલ હાલતમાં હતો. આ જોઈ તેને ઘરમાં ચોરી થયાનો અંદાજો આવી ગયો હતો. આથી તેણે ઘરની બહાર નીકળીને તપાસ કરતા એક્ટિવા પણ ચોરાઈ ગયું હોવાનું માલુમ પડયું હતું.
જેથી વધુ તપાસ કરતા તેના પેન્ટ ખિસ્સામાંથી પણ 20 હજાર 500 ચોરી થઈ ગયા હતા. જે અંગે જાણ કરતા તેના મિત્રો ખેતરે પહોંચી ગયા હતા. બાદમાં બધા ભેગા મળીને આપતાના વિસ્તારોમાં શોધખોળ કરી હતી. પરંતુ એક્ટિવા સહીતના મુદ્દામાલની કોઈ ભાળ મળી ન હતી. આ અંગે માણસા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.