રાજકોટ શહેરની અંબિકા ટાઉનશીપ શેરી નંબર 3માં આવેલા શાંતિ નિવાસ નામના એપાર્ટમેન્ટની બી વીંગમાં પતિએ પત્નીની હત્યા કરી નાંખી છે. પતિ ગુરૂપા શિરોડીએ અંબિકા શિરોડી નામની 34 વર્ષની પત્નીના માથાના ભાગે પથ્થરના બ્લોક વડે 4થી 5 જેટલા ઘા મારી ઘાતકી હત્યા કરી નાંખી છે. પત્નીની હત્યા કર્યા બાદ પતિ દ્વારા પત્નીની લાશ પાસે બેસીને બે વીડિયો બનાવવામાં આવ્યા હતા.આ વીડિયો તેને વોટ્સએપના પોતાના સોસાયટી ગ્રુપમાં પણ નાંખ્યા છે.
પતિએ હત્યા કર્યાના ત્રણ કલાક પછી પોલીસ કંટ્રોલ રૂમમાં ફોન કરીને પત્નીની હત્યા કરી હોવાનું જણાવ્યું હતું. તો સાથે જ પોતે આત્મસમર્પણ કરવા માંગે છે તેવું કહ્યું હતું. હાલ પોલીસે આ કેસની તમામ વિગતો તપાસીને વધુ કાર્યવાહી હાથ ધરી છે.
પત્નીની હત્યા કર્યા બાદ પતિ ગુરૂપા શિરોડીએ બે વીડિયો બનાવ્યા હતા. આ વીડિયોમાં તેને હત્યા કર્યા બાદ કોઇપણ અફસોસ હોય તેવું દેખાઇ નથી રહ્યુ. પતિએ પહેલા વીડિયોમાં જણાવ્યુ છે કે, ‘મારાથી ભૂલ થઇ ગઇ છે, ભૂલ એટલે મને મારી ઘરવાળીએ બહું તકલીફ આપેલી છે, પણ તમને આગળ ખબર પડશે.
શાંતિવનમાં મારે આ કરવાનું ન હતું પરંતુ મેં કરી લીધું છે. હું ખરાબ નથી પરંતુ મારી ઘરવાળી ખરાબ હતી. મને મુકીને બીજી જગ્યાએ જતીતી. મારા ભાઇબંધ સાથે આવું કર્યુ છે. મારા દોસ્તારે પણ મને દોસ્તીમાં દગો દીધો છે. મારી ઘરવાળીએ મને દગો કર્યો છે.’
આ સાથે તે એવું પણ બોલે છે કે, ‘મારા લગ્ન થયે 17 વર્ષ થયા. મેં તેને સમજાવવાની ઘણી કોશિષ કરી હતી. બે છોકરાનો મોં જોઇને હું ચુપ હતો. છોકરી 10માં છે. પણ કાલે એને મને કહ્યુ કે, હું બીજા જોડે જાવ છુ. મેં એને કહ્યુ કે, છોકરી 10માં છે તો તું શાંતિ રાખ. એ ના માની, પુરો કરી દીધો એનો મેટર, જે થાય એ મને બધાને માફ કરજો.’
ગુરૂપા શિરોડીએ અન્ય એક વીડિયો બનાવ્યો હતો. જેમા તેણે જણાવ્યુ કે, ‘હું સરેન્ડર સામેથી કરીશ મને બેડી નથી લગાડવાની, હું બધાને જરૂર જવાબ આપીશ. મારી સાથે કેદી જેવું વર્તણૂંક નથી કરવાનું, હું માણસ છું અને બિઝનેસમેન છું, બિઝનેસ તરીકે જ આ બધું કર્યુ છે. આ બધું મારા બિઝનેસમાં નડતર થતુ હતુ. હું ભાગી નથી જવાનો પરંતુ હું સામેથી સરેન્ડર કરવાનો છું.’
એસીપી બી. જે. ચૌધરીના જણાવ્યા પ્રમાણે હત્યાનો બનાવ રાત્રિના બેથી અઢી વાગ્યા આસપાસ બન્યો હોવાનું સામે આવ્યું છે. સવારે સાડા પાંચ વાગ્યા આસપાસ પતિ ગુરુપા શિરોડી દ્વારા પોલીસ કંટ્રોલ રૂમમાં ફોન કરીને પોતાની પત્નીની હત્યા કરી હોવાનું જણાવ્યું હતું. તો સાથે જ પોતે આત્મા સમર્પણ કરવા માંગે છે તેવું પણ પોલીસને જણાવ્યું હતું. સમગ્ર મામલાની જાણ પોલીસ કંટ્રોલ રૂમને થતા તાત્કાલિક અસરથી બનાવ સંદર્ભે તાલુકા પોલીસને જાણ કરવામાં આવી હતી. ગણતરીની મિનિટોમાં તાલુકા પોલીસની પીસીઆર વેન ઘટના સ્થળ પર પહોંચી હતી. બનાવ સંદર્ભે મૃતકના પરિવારજનોને પણ જાણ કરવામાં આવી છે.