અમદાવાદના ધોલેરા-વટામણ હાઈવે પર પીપળી ગામ પાસે આજે વહેલી સવારે ગમખ્વાર અકસ્માત થયો હતો. સામસામે ધડાકાભેર અથડાતા બે ટ્રક રોડ પરથી નીચે ઊતરી ગઈ હતી. જેમાં બન્ને ટ્રકની કેબિનનો કચ્ચરઘાણ વળી ગયો હતો. આથી અંદર રહેલા 3 લોકોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા. ઘટનાને પગલે ધોલેરા પોલીસ દોડી આવી હતી અને કાર્યવાહી હાથ ધરી હતી.
પીપળી ગામ પાસે GJ-01-CX-0386 નંબરની ટ્રક અને GJ-04-AT-8262 નંબરની આઇસર ટ્રક સામસામે ધડાકાભેર અથડાઈ હતી. બન્ને ટ્રકનો આગળ ભાગ પડીકું વળી ગયો હતો. આઇસર ટ્રકની સાઈડમાં એક નેમ પ્લેટ લાગેલી છે જેમાં બાપા સીતારામ લખેવું છે અને મોબાઈલ નંબરો આપેલા છે. અકસ્માતની જાણ થતા જ આસપાસમાંથી લોકો દોડી આવ્યા હતા અને પોલીસ તથા 108ની જાણ કરી હતી. પોલીસે ત્રણેય મૃતકોના મૃતદેહને પીએમ માટે 108 મારફત હોસ્પિટલ ખસેડી વધુ તપાસ હાથ ધરી છે.
અમદાવાદના ધોળકાના પુલેન સર્કલ પાસે ગઈકાલે વહેલી સવારે સાડા ચાર વાગ્યે ગમખ્વાર અકસ્માત થયો હતો. બંધ ડમ્પર પાછળ બોલેરો ઘૂસી જતા 5 લોકોના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નીપજ્યા હતા. લોહી ભરેલા ખાબોચિયામાં મૃતદેહો પડ્યા હોય તેવાં દૃશ્યો જોવા મળ્યા હતા. જ્યારે 2 લોકોને ગંભીર ઇજા પહોંચતા અમદાવાદની સિવિલ હોસ્પિટલ ખસેડાયા હતા. અકસ્માતની જાણ થતાં જ પોલીસ ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને વધુ તપાસ હાથ ધરી હતી.
દાહોદના શ્રમિકો મજૂરી કામ માટે બોલેરોમાં બેસી રાણપુર જઈ રહ્યા હતા. ત્યારે ધોળકાના પુલેન સર્કલ પાસે અકસ્માત નડ્યો હતો. આ ઘટનામાં બોલેરોનો કચ્ચરઘાણ વળી ગયો હતો. તેમજ બોલેરોની અંદર રહેલા લોકો લોહીલુહાણ હાલતમાં બહાર રસ્તા પર ફેંકાયા હતા. ઘટનાને પગલે અરેરાટી મચી ગઈ હતી.
આ અકસ્માતમાં નીતિશ નાનસિંહ ભીલવાડ (ઉં.વ. 30), દિલીપ નાનસિંહ ભીલવાડ, રાહુલ ખુમસિંહ ભીલવાડ, પ્રમોદ ભરતભાઈ ભીલવાડ અને રાજુ માનસિંઘ ખંડારાનું કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. જ્યારે મનિષા નીતેશભાઈ ભીલવાડ અને રામચંદ્ર નિતેશભાઈ ભીલવાડને ઈજા પહોંચી હતી.