ગાંધીનગરનાં કુડાસણ રિલાયન્સ ચાર રસ્તા પાસેની રાધે સ્કવેર કોમ્પલેક્ષ સ્થિત એક વિઝા કન્સલ્ટન્સીમાં સીઆઇડી ક્રાઇમની ટીમે દરોડો પાડી જપ્ત કરેલા દસ્તાવેજોની ઝિણવટભરી તપાસ હાથ ધરવામાં આવતા માણસાનાં બે એજન્ટોએ ખોટા દસ્તાવેજો બનાવી એક યુવકને સ્ટુડન્ટ વિઝા પર કેનેડા મોકલી આપ્યો હોવાનું બહાર આવ્યું છે. જેનાં પગલે સીઆઈડી ક્રાઇમ પોલીસે માણસાનાં બે એજન્ટો વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે.
સમગ્ર ગુજરાતમાંથી ડિસેમ્બર મહિના દરમ્યાન સીઆઇડી ક્રાઇમ દ્વારા રાજય વ્યાપી વિઝા કન્સલ્ટન્સીઓ પર દરોડા પાડવામાં આવ્યા હતા. જે અન્વયે સીઆઈડી ક્રાઇમ પોલીસે કુડાસણ રિલાયન્સ ચાર રસ્તા પાસે આવેલ રાધે સ્કવેર કોમ્પલેક્ષમાં વિઝા કન્સલ્ટન્સીમાં દરોડા પાડવામાં આવ્યા હતા. અહીંથી પોલીસે કેટલાક વાંધાજનક દસ્તાવેજો તેમજ મોબાઇલ ફોન વિગેરે જપ્ત કરી એફએસએલમાં મોકલી આપવામાં આવ્યા હતા.
જેમાં અલગ-અલગ યુનિવર્સીટી તેમજ ધોરણ- 10 ની માર્કશીટની ચકાસણી કરતા પાર્થ ઘનશ્યામભાઈ પટેલ નામના વિદ્યાર્થીની માર્કશીટ સહિતના દસ્તાવેજો શંકાસ્પદ જણાઈ આવ્યા હતા.આ બાબતે કન્સલ્ટન્સીના માલિકોની પૂછતાંછ કરતાં તેઓ પાર્થ પટેલથી પરિચિત નહીં હોવાનું જણાવ્યું હતું. અને આ દસ્તાવેજો મોબાઇલ થકી આવ્યા હોવાની કેફિયત વર્ણવી હતી. બાદમાં પોલીસે ગુજરાત યુનિવર્સીટીમાં પાર્થ પટેલની કોલેજ બાબતેની ખાત્રી કરાવતા તેનું સરનામું મળી આવ્યું હતું.
જે સરનામે તપાસ કરતા ઘનશ્યામભાઈ બેચરભાઈ પટેલે (રહે, ઉમીયાપુરા, લીંબોદરા તા.માણસા) કહેલ કે તેમનો પુત્ર પાર્થ 21/5/2023 નાં રોજ કેનેડા ખાતે ઉચ્ચ અભ્યાસ કરવા માટે ગયો છે. જેનાં સ્ટુડન્ટ વિઝા/એડમીશન ફાઇલનું કામ રાજેન્દ્રભાઇ નરોત્તમદાસ પટેલ (રહે, પરબતપુરા તા,માણસા) મારફતે 40 લાખમાં કરાવ્યું હતું. રાજેન્દ્ર ઉર્ફે રાજુએ બાપુપુરાનાં પ્રતિક ગણેશભાઈ ચૌધરીની શ્રીજી ઓવરસીસ ઓફીસમાંથી વિઝાની ફાઇલ તૈયાર કરાવેલ હતી. જેનાં થકી પાર્થ કેનેડા ગયો હતો. આમ, પાર્થ ઘનશ્યામ પટેલની અસલ માર્કશીટોની વિગતોમાં ચેડાં કરીને ખોટા દસ્તાવેજો બનાવીને તેને રાજેન્દ્ર પટેલ અને પ્રતીક ગણેશભાઈ ચૌધરીએ કેનેડા સ્ટુડન્ટ વિઝા મેળવી આપ્યા હોવાનું બહાર આવ્યું હતું. જેનાં પગલે સીઆઈડી ક્રાઇમ પોલીસે બંન્ને વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.