કલોલમાં સ્વામિનારાયણ વિશ્વમંગળ ગુરુકુળની સ્વામિનારાયણ મેડિકલ કોલેજના નવા બિલ્ડિંગના લોકાર્પણ પ્રસંગે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે, આઝાદીનાં 100 વર્ષ થશે ત્યારે ભારત દેશના નવ યુવાનો દરેક ક્ષેત્રે અગ્રણી હશે. દેશમાં ડિજિટલ અને આધુનિકતા લાવવાની સાથે સંસ્કૃતિને જાળવવાનું કામ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કર્યું છે. આવનારા સમયમાં એક અદભુત ભારતનું નિર્માણ થશે અને ભારત વિશ્વમાં સર્વશ્રેષ્ઠ દેશ હશે. 2047માં ભારતના વિઝા લેવા માટે લાઇન લાગશે.
તેમણે કહ્યું કે, વડાપ્રધાનના નેતૃત્વમાં મેડિકલ સેવા વધારવાનું કામ 10 વર્ષમાં ખૂબ ઝડપથી થયું છે. 70 વર્ષમાં 7 એઇમ્સ હોસ્પિટલ બની હતી. 10 વર્ષમાં 23 એઇમ્સ હોસ્પિટલ બની છે. દેશમાં 387 મેડિકલ કોલેજ હતી, જે વધારીને 706 બનાવાઈ છે. 51 હજાર એમબીબીએસની સીટ વધારીને 1 લાખથી વધુ કરાઈ છે. અગાઉ 31 હજાર જેટલા એમડી, એમએસ ડિગ્રી લઈને દર વર્ષે બહાર આવતાં હતા. તે સીટો આજે 70 હજાર કરી છે. ઉચ્ચ શિક્ષણમાં આઈઆઈટી, આઈએએમ જેવી સંસ્થાઓને વિશ્વ કક્ષાની બનાવાઈ છે. શાહે ગાંધીનગરમાં 758 કરોડના વિકાસ કામોનું લોકાર્પણ કર્યું હતું.