લોકસભાની ચૂંટણીને લઈને ભાજપ દ્વારા સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જેમાં માત્ર બે બેઠકોને બાદ કરતાં તમામ 24 બેઠકો પર ઉમેદવારોનો રાફડો ફાટ્યો હતો. ગઈકાલે મોડી સાંજે મુખ્યમંત્રી નિવાસ સ્થાને મળેલી ભાજપ પાર્લામેન્ટ્રી બોર્ડની બેઠકમાં ત્રણ દાવેદારોની પેનલ તૈયાર કરીને હાઇકમાન્ડને મોકલી આપવામાં આવી હતી.સેન્સ પ્રક્રિયા દરમિયાન ગાંધીનગર અને નવસારી બેઠક પર કોઈ ઉમેદવારોએ દાવેદારી નોંધાવી હતી.
ગાંધીનગર બેઠક પરથી કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાંસદ છે, જ્યારે નવસારી બેઠક પરથી ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ સાંસદ છે. આમ ગુજરાતની આ બંને બેઠક પરથી તેમની લોકસભા ટિકિટ ફાઈનલ જેવી છે. જ્યારે બાકીના 24માંથી 18 સાંસદોની ટિકિટ કપાઇ શકે છે અને નવા ચહેરાઓને તક મળી શકે છે.
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયા કઈ સીટ પરથી લોકસભા ચૂંટણી લડશે તેને લઈને સસ્પેન્સ છે. સૂત્રોનાં મતે માંડવિયાને પોરબંદરથી લોકસભા ટિકિટ આપવામાં આવી શકે છે, જ્યારે કેટલાક લોકો તેઓ ભાવનગર કે અમરેલીથી લડશે તેમ પણ કહી રહ્યાં છે. થોડા દિવસ પહેલા મોદીના રાજકોટ કાર્યક્રમ સમયે માંડવિયાને ક્યાંથી લડશો તેવો પ્રશ્ન મીડિયા દ્વારા પૂછવામાં આવ્યો હતો તેના જવાબમાં તેમણે બે હાથ જોડી નમસ્કાર અને સ્મિત કરી કંઈ બોલવાનું ટાળ્યું હતું. તેઓની રાજ્યસભાની ટર્મ પુરી થતા હવે તેમને લોકસભા લડાવવામાં આવી શકે છે.
એવુ પણ મનાય છે કે, આવતીકાલે ગુજરાતમા લોકસભાના કેટલાક ઉમેદવારોના નામની જાહેરાત થઈ શકે છે. આ સંદર્ભમાં ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલે પણ કહ્યુ છે કે, દીલ્હીમાં બેઠક મળ્યા બાદ કેન્દ્રીય હાઈ કમાન્ડ દ્વારા ગમે ત્યારે ઉમેદવારોના નામોની જાહેરાત થઈ શકે છે.
ભાજપ હાઈકમાન્ડના આદેશ બાદ ગુજરાતમાં રાતોરાત ચૂંટણી નિરીક્ષકો દોડાવાયા હતા. જે નિરીક્ષકોએ તમામ બેઠકો પર જઈને સેન્સ પ્રક્રિયા હાથ ધરી હતી. જેમાં કેટલાય સિનિયર અને જૂનિયર નેતાઓએ ચૂંટણી લડવા માટેની ઈચ્છા વ્યક્ત કરી હતી. ત્ચારબાદ ગાંધીનગરમાં સીએમ બંગલે પ્રદેશ પાર્લામેન્ટીની મહત્વની બેઠક મળી હતી.
લોકસભાની ચૂંટણીમાં ભાજપમાં ટિકિટ લેવા દાવેદારોનો રાફડો ફાટ્યો છે. 25 બેઠકો પર અંદાજે 450 જેટલા ઉમેદવારોએ દાવેદારી કરી છે. જેમાં મોટાભાગની બેઠકો પર 25 કરતાં વધુ હોદ્દેદારોએ દાવેદારી નોંધાવી છે.આ અંગે સી આર પાટીલે કહ્યુ કે, ત્રણ ત્રણ નામો ઉપરાંત જરૂૂર લાગશે તો અન્ય નામો પણ મોકલાશે. જેમાંથી કયા ઉમેદવારને ટિકિટ આપવી તેનો નિર્ણય દીલ્હીની પાર્લામેન્ટી બોર્ડ કરશે. તેમણે વધુમાં એમ પણ કહ્યુ હતું કે, અમે મહિલાઓને વધુ પ્રતિનિધિત્વ આપીએ છીએ. જેથી આ ચૂંટણીમાં મહિલાઓને વધુ બેઠકો મળી શકે છે. ટિકિટની ફાળવણી કરવાનો નિર્ણય કેન્દ્રીય પાર્લામેન્ટી બોર્ડનો છે. આવતીકાલની દીલ્હીની બેઠક બાદ ગુજરાતના કેટલાક ઉમેદવારોના નામોની જાહેરાત થઈ શકે છે.
ભાજપના સુત્રોમાંથી જાણવા મળતી વિગતો મુજબ ગુજરાતમાં કેટલીક લોકસભાની બેઠકો માટે ભાજપના અમુક ધારાસભ્યોએ પણ ટિકીટ માંગી છે પરંતુ ભાજપ હાઈમાન્ડે ધારાસભ્યોને લોક સભાની ટીકીટ નહીં આપવાનો નિર્ણય લીધો છે. દિલ્હીમાં ભાજપની રાષ્ટ્રીય ચૂંટણી સમિતિની બેઠકમાં આજે સાંજે જ ગુજરાતના ઉમેદવારો અંગે ચર્ચા થનાર છે.
લોકસભાની ચુંટણી માટે ભાજપમાં ઉમેદવારોની પસંદગીનો ધમધમાટ શરૂ થયો છે. અને દિલ્હીમાં ભાજપની રાષ્ટ્રીય ચુંટણી સમીતિની બેઠકમાં આજે ગુજરાતના ઉમેદવારો અંગે ચર્ચા થનાર છે. તે પૂર્વે ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ, પૂર્વ મુખ્યમંત્રી વિજયભાી રૂપાણી, ગૃહમંત્રી હર્ષ સંઘવી સહિતના નેતાઓને દિલ્હીનું તેડુ આવતા આજે બપોરે આ નેતાઓ દિલ્હી પહોંચ્યા છે.