વિશ્વઉમિયાધામના પાટોત્સવ નિમિતે મેડિકલ કેમ્પ યોજાયો જેનો 1000 દર્દીઓએ લાભ લીધો
જગત જનની મા ઉમિયાને અન્નકુટ ધરાવાયો, સાંજે મહાઆરતી બાદ ભક્તોએ મહાપ્રસાદ લીધો
અમદાવાદ
અમદાવાદના જાસપુર ખાતે નિર્માણ પામનાર વિશ્વના સૌથી ઊંચામાં ઊંચા જગત જનની મા ઉમિયાના મંદિર વિશ્વઉમિયાધામનું કાર્ય પૂરજોશમાં ચાલી રહ્યું છે ત્યારે આજે વિશ્વઉમિયાધામ સ્મૃતિ મંદિરનો ચતુર્થ પાટોત્સવ ઉજવાયો હતો. બે દિવસીય ચતુર્થ પાટોત્સવમાં અમેરિકા-કેનેડા સહિતના દેશો અને ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં હજારો મા ઉમિયા ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું હતું. ચતુર્થ પાટોત્સવના અંતિમ દિવસે સવારે ધ્વજારોહણ કરાયું હતું. અમેરિકાના ન્યુઝર્સી સ્થિતિ ઉમિયા માતાજી મંદિરના ચેરમેન શ્રી વી.પી.પટેલના યજમાન પદે ધ્વજારોહણ કરાયું હતું. તો વળી જગત જનની મા ઉમિયાના પાટોત્સવ નિમિતે નવચંડી મહાયજ્ઞનું પણ આયોજન કરાયું હતું. ભક્તિમાં ભાવવિભોર બનેલા ઉમાભક્તોએ અખંડ રામધૂનનો પણ લાભ લીધો હતો. આ સાથે જ જગત જનની મા ઉમિયાને પાટોત્સવ નિમિતે અન્નકુટ ધરાવાયો હતો. જેની બપોરે અન્નકુટ આરતી કરાઈ હતી.જ્યારે બપોર બાદ ધર્મસભાનું આયોજન કરાયું હતું. આ ઉપરાંત સાંજે સંધ્યાટાંણે મા ઉમિયા મહાઆરતી યોજાઈ હતી. વિશ્વઉમિયાધામ ખાતે ચતુર્થ પાટોત્સવ નિમિતે આધ્યાત્મિક કાર્યક્રમની સાથો સાથ મેગા મેડિકલ કેમ્પનું પણ આયોજન કરાયું હતું. જેમાં અમદાવાદની વિવિધ 10થી વધુ હોસ્પિટલના તજજ્ઞો હાજર રહ્યા હતા. જેમાં 1000થી વધુ દર્દીઓએ તેનો લાભ લીધો હતો. આ ઉપરાંત બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો હતો. જેમાં ઉમાભક્તોએ રક્તદાન કર્યું હતું.