લોકસભા ચૂંટણીને લઈ રાજકીય પક્ષો હરકતમાં આવી ગયા છે. આ બધાની વચ્ચે લોકસભા ચૂંટણીમાં ઉમેદવાર કોને બનાવવા તે નિર્ણય લેવા માટે ગુરુવારે દિલ્હીમાં BJP મુખ્યાલયમાં કેન્દ્રીય ચૂંટણી સમિતિ (CEC)ની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં મોડી રાત્રે લગભગ ચાર કલાક સુધી 17 રાજ્યોની લોકસભા સીટો પર ચર્ચા થઈ હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આ બેઠક યોજાઈ હતી.
આ ઉપરાંત બેઠકમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ, ભાજપ શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓ અને ઘણા મોટા નેતાઓ હાજર રહ્યા હતા. જોકે એક વાત એવી પણ છે કે, આ બેઠકમાં NDAના સહયોગીઓ સાથે સીટ શેરિંગ પર પણ ચર્ચા થઈ હતી. ચાર કલાક ચાલેલી આ બેઠકમાંથી શું બહાર આવ્યું તે હજુ સ્પષ્ટ થયું નથી. પરંતુ એવું માનવામાં આવે છે કે, ભાજપની પ્રથમ યાદી એક-બે દિવસમાં આવી શકે છે.
આ વખતે ભાજપ નવા દેખાવ સાથે લોકસભાની ચૂંટણીમાં ઉતરવાના મૂડમાં છે. મોટાભાગના સાંસદો અને મંત્રીઓની ટિકિટ કપાઈ શકે છે. પરંતુ આવી અટકળો શા માટે ? આ ચાર સમાચાર તેની પુષ્ટિ કરે છે. પહેલા સમાચાર એ છે કે, આ વખતે 60 થી 70 સાંસદોની ટિકિટ કપાઈ શકે છે. બીજા સમાચાર એ છે કે, યુપી-બિહાર સહિત ઘણા રાજ્યોમાંથી આવતા કેટલાક મંત્રીઓની ટિકિટ પણ કાપવામાં આવી શકે છે. ત્રીજા સમાચાર એ છે કે, 3 માર્ચે કેબિનેટની છેલ્લી બેઠક બાદ મંત્રીઓની ટિકિટ કાપવાના સમાચાર આવી શકે છે. ચોથો સમાચાર એ છે કે, સતત બે વખત જીતેલા વૃદ્ધ સાંસદોને હટાવીને નવા ચહેરાઓને ઉમેદવાર બનાવી શકાય છે.
નોંધનીય છે કે, 2019માં પણ PM મોદી પાસે ટિકિટ વહેંચણી માટે સમાન ફોર્મ્યુલા હતી. 2019માં 99 સાંસદો એવા હતા જેઓ સતત બે વાર જીત્યા હતા. 2019માં આ 99 સાંસદોમાંથી 44ની ટિકિટ કાપવામાં આવી હતી. આજે એટલે કે 2024માં ભાજપના આવા 149 સાંસદો છે, જેઓ સતત બે વખત ચૂંટણી જીતી રહ્યા છે. માનવામાં આવી રહ્યું છે કે આ 149માંથી 60થી 70 સાંસદોની ટિકિટ કપાઈ શકે છે.
એવું નથી કે ભાજપ આ સાંસદોની ટીકીટ આમ જ કાપે છે કે કરશે. આ માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની 7 મુદ્દાની ફોર્મ્યુલા છે.
- નમો એપ પર લોકો પાસેથી પ્રતિસાદ લેવામાં આવ્યો હતો.
- જનતાને પોતપોતાના વિસ્તારના ભાજપના ત્રણ સૌથી લોકપ્રિય નેતાઓના નામ પૂછવામાં આવ્યા હતા.
- છેલ્લા બે વર્ષથી ભાજપના સાંસદો પાસેથી તેમના કામ અંગે સતત અહેવાલો માંગવામાં આવ્યા હતા.
- સર્વે એજન્સીઓ પાસેથી દરેક સંસદીય મતવિસ્તારના અહેવાલો લેવામાં આવ્યા હતા.
- ભાજપ શાસિત રાજ્યોમાં, દરેક સંસદીય ક્ષેત્રમાં મંત્રીઓને ફરજ પર મૂકવામાં આવ્યા હતા અને પછી તેમની પાસેથી રિપોર્ટ લેવામાં આવ્યા હતા.
- રાજ્યની ચૂંટણી સમિતિ પાસેથી રિપોર્ટ માંગ્યો.
- રાજ્ય સંગઠન અને આરએસએસ પાસેથી ગ્રાઉન્ડ ફીડબેક લેવામાં આવ્યો હતો.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ લોકસભા ચૂંટણીમાં NDAને 400થી વધુ બેઠકો અને ભાજપને 370થી વધુ બેઠકો જીતવાનો લક્ષ્યાંક નક્કી કર્યો છે. PM મોદી પોતે તેની જવાબદારી સંભાળી રહ્યા છે. એવું માનવામાં આવે છે કે ભાજપની પ્રથમ યાદી ચોંકાવનારી હશે. અનેક સાંસદોની ટિકિટ કપાઈ શકે છે. જેઓ મોટા થઈ ગયા છે તેમની જગ્યાએ નવા ચહેરાઓને તક આપવામાં આવી શકે છે. એટલું જ નહીં બે કે તેથી વધુ વખત ચૂંટણી જીતનારાઓને પણ આ વખતે બહાર ફેંકવામાં આવી શકે છે.