ગાંધીનગરના માણસાના ચડાસણા ગામમાં ફેબ્રુઆરી મહિનાની શરુઆતમાં લગ્નપ્રસંગમાં દલિત યુવકના વરઘોડાને અટકાવીને દલિત પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો, એ બનાવમાં ચાર આરોપીઓમાંથી ત્રણ આરોપીને ગાંધીનગરની અદાલતે જામીન આપ્યા છે. સમીરકુમાર ઠાકોર (21), અશ્વિનજી ઠાકોર (27) અને જયેશકુમાર ઠાકોર (23) આ ત્રણ આરોપીને જામીન મળ્યા છે. તો અન્ય એક આરોપી શૈલેષજી ઠાકોરની જામીન અરજી પેન્ડિંગ છે અને બુધવારે એટલે કે આજે તેની સુનાવણી થવાની છે.
મંગળવારે જાહેર કરાયેલા આદેશમાં ગાંધીનગરના એડિશનલ સેશન્સ જજ ડી.કે. સોનીની અદાલતે ધ્યાનમાં લીધું કે, આ ત્રણેય આરોપીઓનો ભૂતકાળમાં ગુનો કરવાનો કોઈ રેકોર્ડ નથી, જામીન આપતી વખતે ચાર્જના સમર્થનમાં કોર્ટનો પ્રથમ દૃષ્ટિએ સંતોષ, આરોપીનું ચારિત્ર્ય, આરોપીઓની પરિસ્થિતિ, ટ્રાયલ વખતે આરોપીઓની હાજરીને સુરક્ષિત રાખવાની વાજબી શક્યતા, જાહેર જનતાના/ રાજ્યના મોટા હિતોનું તેમણે અવલોકન કર્યું હતું.
પોલીસે આ ઘટનામાં ચાર આરોપી સામે આઈપીસી કલમ 341, 323 (સ્વેચ્છાએ ઈજા પહોંચાડવી), 504 (વ્યક્તિને ઉશ્કેરવાના ઈરાદાથી ઈરાદાપૂર્વક અપમાન, 506 (2) (ગુનાહિત ધમકી), 114 (ઉશ્કેરણી) અને અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ (અત્યાચાર નિવારણ) અધિનિયમ હેઠળ ગુનો નોંધ્યો હતો.
ત્રણ આરોપીઓએ આ ઘટના અંગે દલીલ કરી હતી કે તેઓ વિદ્યાર્થીઓ હતા, તેમના પરિવારમાં એકમાત્ર કમાનારા છે અને શંકાના આધારે તેમની ધરપકડ કરવામાં આવી હતી. તો બીજી તરફ, ફરિયાદ પક્ષે તેમની જામીન અરજીનો વિરોધ કર્યો અને જણાવ્યું કે, આરોપીઓએ કરેલો ગુનો કાયદા અને રાજ્યની સ્થિતિને અસર કરે છે.
ફરિયાદ પક્ષે એવી રજૂઆત પણ કરી હતી કે લોકશાહીમાં, કોઈપણ જાતિને તેમના સામાજિક કાર્યોનો આનંદ માણવાની સ્વતંત્રતા હોય છે અને ફરિયાદીના પિતરાઈ ભાઈ સંજયકુમાર ચાવડાએ લગ્નની વિધિઓ પૂર્ણ કરવા માટે પોલીસ રક્ષણની માંગ કરી હતી અને આરોપીઓ વિરુદ્ઘ ફરિયાદ નોંધાવી હતી.
ફરિયાદીએ તેના વકીલો ગોવિંદ પરમાર અને પ્રતિક રૂપાલા મારફત અરજીનો વિરોધ કરતી વખતે ધ્યાન દોર્યું હતું કે મેજિસ્ટ્રેટ સમક્ષ સાક્ષીઓના નિવેદનો હજુ સુધી લેવામાં આવ્યા નથી અને આરોપીઓ શું અભ્યાસ કરે છે તેની વિગતો પણ તેમણે આપી નથી. સાથે જ પરિવારમાં તેઓ એકમાત્ર કમાનારા છે એના પણ કોઈ પુરાવા આપ્યા નથી. સાથે જ એવી રજૂઆત પણ કરવામાં આવી હતી કે જો આરોપીઓ અભ્યાસ કરતા હોય અને તેમણે આવા પ્રકારનો ગુનો કર્યો હોય તો એ સમાજ પર અસર કરે છે.
ગત 12 ફેબ્રુઆરીના રોજ ગાંધીનગરના માણસાના ચડાસણા ગામમાં દલિત યુવકનો વરઘોડો રોકી વરરાજાને ઘોડી પરથી નીચે ઉતારાતા મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો. ચડાસણા ગામમાં જાન લઈને પહોંચેલા પરિવાર સાથે ચાર શખ્સોએ ગેરવર્તન કર્યું હતું. વરરાજાને ઘોડી પરથી નીચે ઉતારી દીધો હતો અને કારમાં પણ બેસવા દેવાયો ન હતો. જ્યારે જાનમાં સામેલ ડીજેવાળાને ધમકાવી ભગાડી મૂક્યો હતો. લગ્નપ્રસંગ પૂર્ણ થયા બાદ આ મામલે પરિવાર દ્વારા પોલીસ ફરિયાદ નોંધાવાઈ હતી અને પોલીસે ચાર શખ્સોની અટકાયત કરી તપાસ હાથ ધરી હતી.