નડિયાદમાં જિલ્લા સેવાસદન ખાતે આવેલ સબ રજીસ્ટર કચેરીમાં દસ્તાવેજની નોંધણી કરાવવા આવતા તેમજ જુના દસ્તાવેજો કાઢી આપવાના બદલામાં લાંચની માગણી કરવામાં આવતી હોવાની બૂમો છેલ્લા ઘણા સમયથી ઉઠવા પામી હતી. નડિયાદ ACBએ છટકુ ગોઠવીને જુના નોંધાયેલા દસ્તાવેજ કઢાવી આપવાના બદલામાં રૂપિયા 3000 લાંચની માંગણી કરનાર કરાર આધારિત કર્મચારી છટકામાં લાંચ સ્વીકારતા રંગે હાથ ઝડપાઇ ગયો હતો.
નડિયાદ ACB કચેરીના અધિકારીઓને ચોક્કસ માહિતી મળી હતી કે, જિલ્લા સેવા સદન નડિયાદ ખાતે આવેલ સબ રજીસ્ટર કચેરીમાં ફરજ બજાવતા અધિકારીઓ અને કર્મચારીઓ અરજદારો પાસેથી મિલકત સંબંધના દસ્તાવેજો અંગે ઇન્ડેક્સની નકલ કાઢી આપવાના અવેજમા રૂપિયા 1000થી 3000 સુધીની લાંચ માંગે છે. જે આધારે એસીબી કચેરી દ્વારા DDOનો સંપર્ક કરી સાથ સહકાર મેળવી ડિકોય છટકાનું આયોજન કર્યું હતું.
ડિકોયર તરીકે જાગૃત નાગરિક એસીબી કચેરીમાં પહોંચ્યો હતો અને તેને અગાઉ ખરીદ કરેલી મિલકતની નકલ કાઢી આપવા માટે કચેરીમાં ફરજ બજાવતા કોમ્પ્યુટર ઓપરેટર મેઘરાજસિંહ બળવંતસિંહ છાસટિયા ને વાત કરી હતી. મેઘરાજસિંહે અગાઉ ખરીદ કરેલ મિલકતની નકલ કાઢી આપવા બાબતે રૂપિયા 3000ની માંગણી કરી હતી. આ રૂપિયા ડીકોયર એ અગાઉથી ગોઠવેલા છટકા મુજબ મેઘરાજસિંહને આપ્યા હતા. તે વખતે હાજર એસીબીના અધિકારીઓએ રંગે હાથ મેઘરાજસિંહ ને લાંચ લેતા ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે.