અમદાવાદની એક સોસાયટીના રહીશો દ્વારા બનાવાયેલા મંદિરને હટાવવા એક અરજી કરાઈ હતી. ત્યારે ગુજરાત હાઈકોર્ટે ડિમોલિશન વિરુદ્ધ કરાયેલા અરજી પર ટિપ્પણી કરી છે. હાઈકોર્ટે કહ્યું કે, ભારતમાં મંદિર બાંધવાં એ સરકારી સંપત્તિ પર અતિક્રમણ કરવાનો અન્ય એક માર્ગ પણ છે. મામલાની વધુ સુનાવણી આગામી 14 માર્ચે થશે.આ કિસ્સો અમદાવાદના ચાંદલોડિયા વિસ્તારની એક સોસાયટીનો છે.
ટાઉન પ્લાનિંગ સ્કીમ હેઠળ આ સોસાયટીમાં વચ્ચે બનાવવામાં આવેલા મંદિર સહિત કેટલોક ભાગ કપાતમાં જતાં અહીં રહેતા 93 મકાનમાલિકોએ ગુજરાત હાઈકોર્ટ સમક્ષ અરજી કરી હતી. સોસાયટીના રહીઓશએ મંદિરના ડિમોલિશન પર રોક લગાવવાની માંગ કરી હતી. સિંગલ જજ બેન્ચે આ અરજી ફગાવી દેતાં બાદમાં ડિવિઝન બેન્ચ સમક્ષ મામલો પહોંચ્યો હતો. હાલ ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલની બેન્ચ મામલાની સુનાવણી કરી રહી છે.
ચીફ જસ્ટિસે આ મુદ્દે કહ્યું કે, અમારે કહેવું જોઈએ કે તમે આ રીતે બધાને ઈમોશનલ બ્લેકમેલ કરો છો. તમે જાહેર સંપત્તિ પર અતિક્રમણ કર્યું છે. જે જમીન પર મંદિર બાંધવામાં આવ્યું છે તે અરજદારની માલિકીની નથી. મંદિર હટાવવામાં આવશે તેમ કહીને તમે મુદ્દાને ભાવનાત્મક બનાવવાના પ્રયાસ કરી રહ્યા છો.
હાઈકોર્ટે વધુમાં કહ્યું કે, ઘરોને મંદિરમાં તબદીલ કરીને ગેરકાયદેસર બાંધકામો બચાવવાના પ્રયાસો કરવામાં આવે છે. તમે ઘરમાં અમુક સાઇન લગાવી દો છો અને મંદિર બનાવી દેવાય છે. આ લેન્ડ ગ્રેબિંગનો જ એક રસ્તો છે. ભારતમાં લેન્ડ ગ્રેબિંગ આ રીતે પણ થાય છે અને આપણે જોયું છે. મેં જોયું છે કે લોકો પહેલાં ઝાડ નીચે મૂર્તિ મૂકે છે, પછી ઓટલો બનાવાય છે અને પછી ધીમે-ધીમે….આ ગેરવ્યાજબી માંગણી (મંદિરનું ડિમોલિશન અટકાવવાની) છે. ભગવાનને અન્યત્ર ખસેડી શકાય એમ છે.
ચાંદલોડિયાની એક સોસાયટી 1984 ના વર્ષમાં બની હતી. અહી 137 મકાન આવેલા છે. જેના બાદ સોસાયટીના રહીશોએ અહી એક મંદિર બનાવ્યુ હતું. ત્યાર બાદ વર્ષ 2017 માં અહી રોડ બનાવવો પડ્યો હતો. જેથી સોસાયટી દ્વારા બાંધવામાં આવેલ મંદિરને તોડવું પડે તેમ હતું. આ માટે સોસાયટીના રહીશોને નોટિસ મોકલવામા આવી હતી. પરંતુ સોસાયટીના રહીશોએ મંદિર તોડવા મુદ્દે હાઈકોર્ટના દરવાજા ખખડાવ્યા હતા. સિંગલ જજની બેન્ચ સમક્ષ સોસાયટીના રહેવાસીઓએ અરજી કરી હતી કે આ મંદિર સાથે અનેક લોકોની ભાવનાત્મક લાગણીઓ અને આસ્થા જોડાયેલી છે, જેથી તેને તોડવામાં ન આવે. અહીંથી અરજી ફગાવાતાં મામલો ડિવિઝન બેન્ચ સમક્ષ પહોંચ્યો હતો.